કાલિના ડિફેન્સ કૉલોનીમાં ડેન્ગીનો આતંક

02 November, 2012 07:06 AM IST  | 

કાલિના ડિફેન્સ કૉલોનીમાં ડેન્ગીનો આતંક



આશુતોષ પાટીલ

સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિના વિસ્તારમાં આવેલી મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ કૉલોનીના રહેવાસીઓમાં લગભગ ૬થી વધુ લોકો ડેન્ગીથી પીડાઈ રહ્યા છે જેમાં ૧૬ વર્ષનો જૉન પ્રકાશ વાલ્મીકિ, ૧૮ વર્ષની કૃતિકા સંતોષ પલાંડે, ૨૨ વર્ષનો વિકાસ રાણે, ૫૦ વર્ષની મીના જાધવ અને ૫૩ વર્ષના કે. બી. બોગત્તી આ રોગની સારવાર લઈ રહ્યાં છે.

૧૭ વર્ષના આશિષ કેસરકરને શરૂઆતમાં તાવ આવ્યો હતો અને ત્યાર બાદ તેને ડેન્ગી થયો હતો. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ એવી જ રીતે હજી બે યુવતીઓને સખત તાવ આવવાથી તેઓ પણ ઇલાજ લઈ રહી છે.

આ કૉલોનીનાં ત્રણ જર્જરીત બિલ્ડિંગો અને ઝાડીઓને કારણે વધુ ગંદકી ફેલાય છે અને એને કારણે મચ્છરોનો ત્રાસ નિર્માણ થાય છે. એને લઈ ડેન્ગીના રોગથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સદ્નસીબે આ કૉલોનીના તમામ દરદીને સમયસર સારવાર મળી રહેતાં તેઓ બચી ગયા છે. આ કૉલોનીમાં ૧૪ બિલ્ડિંગો આવેલાં છે. એમાંનાં ચાર જર્જરિત બિલ્ડિંગો ઘણા સમયથી ખાલી રાખવામાં આવ્યાં છે. વર્ષોથી આ કૉલોનીમાં રહેતા સિનિયર સિટિઝને નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ કૉલોની આર્મીની લૅન્ડ પર બનાવવામાં આવી છે. કૉલોની પાસે આરક્ષિત મેઇન્ટેનન્સ ફન્ડ છે, પણ આ ફન્ડ ફક્ત ડિફેન્સ ક્વૉર્ટર્સના અધિકારીઓ માટે જ વાપરવામાં આવે છે.’

રહેવાસીઓના કહે છે કે ‘સૂકી ઝાડીઓને કારણે ઘણાં બિલ્ડિંગો સાફ કરવાં જોઈએ. ઘણી ફરિયાદો ઑથોરિટીને કરવામાં આવી છે, પરંતુ તેઓ મદદ કરતા નથી. અમારા બિલ્ડિંગમાં ઘણા ડેન્ગીના દરદીઓ છે અને અમે ડેન્ગીથી બચવા માટે ઘરમાં જાળીઓ, મચ્છર મારવાના સ્પ્રે, લિક્વિડ, કૉઇલ અને ઇન્સેક્ટ કિલર પણ વાપરી રહ્યા છીએ; પણ આ બધું ડેન્ગી સામે નકામું છે. સુધરાઈએ થોડા સમય પહેલાં અમારા વિસ્તારમાં ડેન્ગીની સમસ્યાનો હલ કાઢવા સ્પ્રેનો વપરાશ કર્યો હતો, પરંતુ એનાથી અમને ડેન્ગી રોગથી છુટકારો મળી શક્યો નથી.’

સુધરાઈનાં ઍડિશનલ કમિશનર મનીષા મ્હૈસકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પાણીમાં મચ્છરને કારણે થતા ડેન્ગી અને સ્થાનિક હેતુઓને ધ્યાનમાં રાખીને સુધરાઈએ આ કૉલોનીમાં ફોગિંગ કરાવ્યું હતું.’

એમઈએસ કૉલોનીના રહેવાસી અને ૧૬ વર્ષના સ્ટુડન્ટ જૉન વાલ્મીકિએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૨૪ સપ્ટેમ્બરે મને સખત તાવ આવતાં ડૉક્ટરે મને બ્લડ-ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. બ્લડ-ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હું ડેન્ગીથી પીડાઈ રહ્યો છું.’

એ જ કૉલોનીમાં રહેતી ૫૦ વર્ષની મીના જાધવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગયા મહિનામાં મને તાવ આવ્યો હતો. તેથી ચેક-અપ માટે હું મારા ફૅમિલિ ડૉક્ટર પાસે ગઈ હતી અને હું પણ ડેન્ગીથી પીડાઈ રહી હોવાની જાણ થતાં સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ હતી. હાલમાં મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.’