દિકરા સાથે ઘર ત્યજનારી બીજી પત્નીને પાછી બોલાવવા કચ્છી વૃદ્ધની છાપામાં જાહેરાત

25 December, 2011 03:22 AM IST  | 

દિકરા સાથે ઘર ત્યજનારી બીજી પત્નીને પાછી બોલાવવા કચ્છી વૃદ્ધની છાપામાં જાહેરાત

તેમની એટલી જ ઇચ્છા છે કે તે પાછી આવી જાય અને એ માટે તેમણે એક ન્યુઝપેપરમાં જાહેરખબર આપી પત્ની અને તેના પુત્રને પાછા આવવા અપીલ કરી છે. 

મૂળ કચ્છના લાકડિયાના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના અને અત્યારે તાડદેવની ફૉર્જે‍ટ સ્ટ્રીટમાં રહેતા ૬૪ વર્ષના બિઝનેસમૅન લાલજી દેવસી ફરિયાની પહેલી પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેમણે મોટી ઉંમરે હૂંફ મળી રહે એ માટે ફરી લગ્નનો વિચાર કર્યો હતો અને ન્યુઝપેપરમાં જાહેરાત આપી હતી. ત્યાર બાદ તેમની જ જ્ઞાતિનાં રમીલા દેઢિયા સાથે લગ્ન કર્યા હતાં. રમીલાબહેનના પતિ તેમની સાથે લાંબા વખતથી રહેતા ન હોવાથી તેમણે છૂટાછેડા લીધા હતા અને ત્યાર બાદ લાલજી ફરિયા સાથે લગ્ન કર્યા હતાં.

પોતાની સાથે જે વીત્યું એ વિશે જણાવતાં લાલજી ફરિયાએ કહ્યું હતું કે ‘અમને બન્નેને બાળકો હતાં. રમીલાએ બહુ જ દુ:ખના દિવસો કાઢ્યા હતા અને પેટે પાટા બાંધી તેનાં બાળકોને ભણાવ્યાં હતાં અને એ બહુ જ સંસ્કારી પણ હતી આથી મેં તેની સાથે લગ્ન કર્યા હતાં. મારી એક દીકરીનાં લગ્નમાં તો મેં અને રમીલાએ કન્યાદાન પણ આપ્યું હતું. જોકે થોડા વખત બાદ ઉંમરને કારણે તેની તબિયત લથડી હતી અને મેં તેની સારવાર પણ કરાવી હતી. તેનાં ત્રણ ઑપરેશન પણ કરવાં પડ્યાં હતાં. મેં રમીલાના પહેલા પતિના પુત્ર પરેશને નોકરીને બદલે ધંધો કરવા કહ્યું હતું. અમારામાં જો છોકરો ધંધો કરતો હોય તો જલદી છોકરી મળી જાય. એ માટે મેં તેને ૧૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા. જોકે તેને નોકરી જ કરવી હતી. તેણે એ રૂપિયા બૅન્કમાં જમા કરાવી દીધા હતા. મારા અને રમીલામાં બહુ જ મેળાપ હતો અને અમે બન્ને એકબીજાની બહુ જ કાળજી લેતાં હતાં. જોકે છેલ્લા ત્રણ મહિનાથી તે પરેશને લઈને ચાલી ગઈ છે. રમીલા પરેશને લઈને ચિંતિત છે. હું પણ તેનું સારું જ ઇચ્છું છું. મારું એમ કહેવું છે કે જો તેને નોકરી કરવી હોય તો તે નોકરી કરે, મને કોઈ વાંધો નથી; પણ હવે તેઓ પાછાં આવી જાય. મને રમીલાની બહુ જ ચિંતા થાય છે, કારણ કે તેની તબિયત પણ હવે સારી નથી રહેતી અને એકલું જીવવું મને ભારે લાગે છે.’