૭૨ લાખનાં હીરાજડિત ઘરેણાં ચોરનાર ફરી એ ટ્રિક કરે તે પહેલાં જ ઝડપાઈ ગયો

16 November, 2011 09:52 AM IST  | 

૭૨ લાખનાં હીરાજડિત ઘરેણાં ચોરનાર ફરી એ ટ્રિક કરે તે પહેલાં જ ઝડપાઈ ગયો



વર્સોવામાં રહેતા અને વિલે પાર્લે તથા નવી મુંબઈમાં ઑફિસ ધરાવતા ઉમેશ દેસાઈનો જ્વેલરીનો વ્યવસાય છે. જાન્યુઆરી ૨૦૧૧માં તેમનાં ૭૨ લાખ રૂપિયાનાં હીરાનાં ઘરેણાંની ચોરી કરનાર નીલેશ જીવરાજ પીપલિયાને પકડી લેવામાં મુંબઈપોલીસની ક્રાઇમ બ્રાન્ચની ચેમ્બુર શાખાના ઑફિસરોને સફળતા મળી છે. ઇન્ફૉર્મરે આપેલી માહિતીના આધારે છેલ્લા દસ મહિનાથી પાછળ પડેલી પોલીસે આખરે તેને ચેમ્બુરના એક જ્વેલર સાથે ફરી ચાલાકી અજમાવી ચોરી કરે એ પહેલાં જ તેના એક સાગરીત જગદીશ શર્મા સાથે શનિવારે પકડી લીધો હતો. પોલીસે ૫૦ ટકા કરતાં વધુ માલ પણ પાછો મેળવ્યો છે.

શું બન્યું હતું?

મૂળ ભાવનગરનો નીલેશ પીપલિયા હીરાજડિત જ્વેલરીનો એજન્ટ હતો. તેનો એક ભાઈ સુરતમાં રહે છે. નીલેશના કૉન્ટૅક્ટ દિલ્હીમાં પણ હતા. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં ઉમેશ દેસાઈનો સંપર્ક કર્યો હતો અને દિલ્હીની એક પાર્ટીને ડાયમન્ડનાં ઘરેણાં બતાવવાં છે એટલે માલ (ઘરેણાં) આપવાની માગણી કરી હતી. જોકે એ વખતે કોઈ ડીલ થઈ નહોતી. ત્યાર બાદ તે અવારનવાર ઉમેશ દેસાઈના ટચમાં રહેતો હતો. ૧૪ જાન્યુઆરીએ તે ફરી ઉમેશ દેસાઈને તેમની નવી મુંબઈની ઑફિસમાં મળ્યો હતો અને અન્ય એક પાર્ટીને માલ બતાવવો છે એમ કહ્યું હતું. જોકે ઉમેશ દેસાઈએ તેને કંપનીની પૉલિસી અનુસાર જો માલ બતાવવો જ હોય તો અમારો માણસ સાથે આવશે એમ કહ્યું હતું, જેની સાથે નીલેશ સહમત થયો હતો. ઉમેશ દેસાઈ માલ લઈને વિલે પાર્લે આવવા નીકળ્યા હતા ત્યારે ઘરેણાંની બૅગ પાછળની સીટમાં રાખી હતી. ઉમેશ દેસાઈ ડ્રાઇવ કરી રહ્યા હતા અને તેમની સાથે તેમનો સાથી વિજય બેઠો હતો, જ્યારે નીલેશ પાછળ બૅગની બાજુમાં બેઠો હતો. નીલેશ અચાનક બાંદરામાં ખેરવાડી પાસે અહીં કામ છે એમ કહીને ઊતરી ગયો હતો. ઉમેશ દેસાઈ કાર લઈને વિલે પાર્લે ગયા હતા અને બૅગ સેફમાં મૂકી ફ્લાઇટ પકડીને બૅન્ગકૉક ગયા હતા. તેઓ ૨૧ જાન્યુઆરીએ પાછા આવ્યા ત્યારે બૅગમાંથી ઘરેણાં ચોરાયાં હોવાની જાણ થઈ હતી. આથી તેમણે ખેરવાડી પોલીસ-સ્ટેશનમાં એ વિશે નીલેશ પીપલિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

કઈ રીતે પકડાયો?

૭૨ લાખનાં ઘરેણાં લઈને નાસી છૂટેલો નીલેશ કઈ રીતે પકડાયો એ વિશે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નિસાર તંબોળીએ કહ્યું હતું કે ‘ફરિયાદ મળ્યા બાદ પોલીસે તેની વધુ માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. ઇન્ફૉર્મર દ્વારા ત્યાર બાદ અમને કેટલીક માહિતી મળી હતી. એ માહિતીના આધારે અમે તેની શોધ શરૂ કરી હતી. તેને પકડી પાડવા બે ટીમ બનાવવામાં આવી હતી, જે તેને મુંબઈ અને બહારગામ બન્ને જગ્યાએ શોધી રહી હતી. સુરત પણ ટીમ ગઈ હતી. જોકે તેનો પત્તો લાગી નહોતો રહ્યો. આખરે ફરી ઇન્ફૉર્મર દ્વારા માહિતી મળી હતી કે તે ચેમ્બુરના એક જ્વેલરની સાથે છેતરપિંડી કરવાનો છે ત્યારે તે તેની ચાલાકી અજમાવે એ પહેલાં જ તેના સાગરીત જગદીશ શર્મા સાથે પકડી લેવામાં અમને સફળતા મળી છે. અમે તેની પાસેથી ૫૦ ટકા કરતાં વધુ ઘરેણાં રિકવર કર્યા છે. તે આ રીતે બીજા કેસમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે. આ ઉપરાંત તેની પાસેથી બાકીનો માલ પણ રિકવર કરવાનો બાકી છે એટલે અત્યારે અમે તેને કસ્ટડીમાં રાખ્યો છે અને કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.’