CM ફડણવીસે CSTથી પકડી ૬.૨૯ની કલ્યાણ ફાસ્ટ લોકલ

30 December, 2014 03:15 AM IST  | 

CM ફડણવીસે CSTથી પકડી ૬.૨૯ની કલ્યાણ ફાસ્ટ લોકલ



મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. સાઉથ મુંબઈના કોલાબામાં એક ફંક્શનમાં હાજરી આપ્યા બાદ ફડણવીસ અચાનક CST પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે ૬.૨૯ની કલ્યાણ ફાસ્ટ લોકલમાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં સવાર થયા હતા.

ચીફ મિનિસ્ટરની સાથે પ્રવાસ કરનારા ઑફિસરોએ કહ્યું હતું કે કલ્યાણમાં એક ફંક્શનમાં પહોંચવા માટે ફડણવીસે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. પીક-અવર્સમાં ચીફ મિનિસ્ટરને પોતાની સાથે ટ્રેનમાં પ્રવાસ કરતા જોઈને પ્રવાસીઓને આશ્ચર્ય થયું હતું. ટ્રેનમાં પ્રવાસીઓ સાથે તેમણે લોકલ ટ્રેનોની ભીડ અને સેફ્ટીના મુદ્દાઓની ચર્ચા કરી હતી.

ટ્રેનમાં ચીફ મિનિસ્ટર સાથે પ્રવાસ કરી રહેલા કેટલાક ઉત્સાહી પ્રવાસીઓએ તો પોતાના સ્વજનોને ફોન કરીને ચીફ મિનિસ્ટર તેમની સાથે વાત કરે એવી માગણી કરી હતી. ફડણવીસે પણ આવા કેટલાક લોકોની લાગણીને માન આપ્યું હતું.

ચીફ મિનિસ્ટર સાથે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા એક ઑફિસરે કહ્યું હતું કે ‘પ્રવાસીઓ સાથેની વાતચીતના મુખ્ય મુદ્દા ભીડ અને સલામતીના હતા. ફડણવીસે લોકોની મુશ્કેલીઓ જાણીને જવાબ વાળ્યો હતો કે તેઓ સંબંધિત ઑથોરિટી સાથે આ મુદ્દાઓની ચર્ચા કરીને મુશ્કેલીઓ હળવી કરવાના પ્રયાસ કરશે.’