ટૅટૂના આધારે પોલીસે ચોરની ધરપકડ કરી

09 June, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૅટૂના આધારે પોલીસે ચોરની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

જુહુ પોલીસે ૨૫ વર્ષના શખસની બૉલીવુડ ડિરેક્ટર સોહમ શાહના ઘરમાંથી બે મોબાઇલ ફોન અને રોકડ ચોરી કરી ગયેલા ચોરની ‘મલિકા’ લખેલા હાથ પરના ટૅટૂના આધારે ભાળ મેળવીને તેની ધરપકડ કરી છે. તેની પાસેથી મોબાઇલ અને પૈસા હસ્તગત કર્યા હોવાનું પાલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર ૨૬ મેના રોજ બે  શખસ વિલે પાર્લેની બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા, ત્યારે સુરક્ષા ગાર્ડ અને રહેવાસીઓ સૂતા હતા. બન્ને શાહના મકાનમાં ઘૂસી ગયા હતા અને ડ્રોઅરમાં રાખેલા બે મોબાઇલ ફોન અને રોકડ સાથે લૂંટ કરી હતી. જ્યારે શાહે જોયું કે તેમનો સામાન ચોરી થયો છે, તો તે તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જુહુ પોલીસે સીસીટીવી કેમૅરાના ફુટેજ તપાસતા, જ્યાં તેઓએ ૨૬ મેના સાંજના સમયે બિલ્ડિંગના પરિસરમાં બે માસ્ક લગાવેલા શખસને પ્રવેશતા અને બહાર જતા જોયા હતા.

જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇસ્પેકટર પંઢરીનાથ સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીની ઓળખ પ્રેમ લોગનાથન દેવેન્દ્ર છે. જોકે  તેનો સાથી ૨૫ વર્ષના અર્જુન સુરેશબાબુ દેવેન્દ્રની હજી શોધ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીઓ માસ્ક પહેરેલા હતા ત્યારે તેઓએ આરોપીના ડાબી બાજુના હાથ પર ટૅટૂ જોયું જેમાં ‘મલિકા’ વંચાતું હતું. પોલીસે પોતાના ખબરીઓને આ વિશે માહિતી આપી હતી અને આરોપીની ભાળ મળતાં શનિવારે વિલે પાર્લેના ઇન્દિરાનગરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે આ બન્નેની સામે ચેન સ્નેચિંગ, લૂંટ, મકાન તોડવા અને ચોરીના અગાઉના ગુના નોંધાયેલા છે.

mumbai mumbai news juhu mumbai police vile parle