જુહુ બીચ જવાના હો તો ધ્યાન રાખજો

02 August, 2021 11:45 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

જેલી ફિશ જેવાં જંતુઓ તણાઈ આવ્યાં છે જે માણસને ડંખ મારે તો લાલ ચાઠાં થાય છે, ખંજવાળ આવે છે અને સોજા ચડે છે

સિફોનોફોર્સ નામનાં દરિયાઈ જીવડાં છેલ્લાં કેટલાંક વર્ષથી ચોમાસામાં મુંબઈના જુદા-જુદા બીચ પર તણાઈ આવે છે

જેલી ફિશ જેવા દેખાતા સમુદ્રી જીવો સિફોનોફોર્સ હાલ જુહુ બીચ પર જોવા મળી રહ્યા છે. અન્ય જંતુઓને ખાઈને જીવતા સિફોનોફોર્સનું બીજું નામ પોર્ટુગીઝ મૅન ઓ’વૉર પણ છે, કારણ કે એનો આકાર પોર્ટુગીઝ યોદ્ધાની હૅટ જેવો છે. આ દરિયાઈ હાઇડ્રોજન્સ સમૂહમાં રહેતા અને આકર્ષક દેખાતાં જીવડાં છે. જોકે એ જીવડાં ઝેરી હોય છે.

આજકાલમાં જો તમે જુહુ બીચ પર જવાના હો તો એ જીવડાં પર પગ ન પડે એની તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે એ ડંખ મારે તો શરીર પર લાલ ચાઠાં પડે, ખંજવાળ આવે અને સોજો ચડે એવી શક્યતા રહે છે. એ જીવડાંના સ્પર્શથી પણ ચામડીની વ્યાધિઓ થવાની સંભાવના રહે છે. સિફોનોફોર્સ માણસને ડંખ મારે તો એક કલાકથી ત્રણ કલાક સુધી પીડા થાય છે. જો એ ડંખનું ઝેર લિમ્ફ નોડ્સ એટલે કે લસિકા ગ્રંથિઓ સુધી પહોંચે તો ગળામાં સોજો ચડી શકે અથવા હૃદયમાં અસ્વસ્થતા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

‘મરીન લાઇફ ઑફ મુંબઈ’ના અગ્રણી શૌનક મોદીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ પાસેના દરિયાઈ ક્ષેત્રમાં પવન ફૂંકાવાને કારણે આપણા વાર્ષિક મહેમાનોનું આગમન થયું છે. જુહુના કાંઠે હજારો સિફોનોસોર્સ જોવા મળે છે. આ જીવડાં બ્લુ બટન્સ કે પોર્પિતા તરીકે પણ ઓળખાય છે. જુહુના કાંઠે ઑઇલ અને ક્રૂડ જેવા પદાર્થ ‘તારબૉલ્સ’ના કણ પણ જોવા મળે છે.  ઘણાં વર્ષોથી ચોમાસામાં મુંબઈના જુદા-જુદા બીચ પર સિફોનોફોર્સ જોવા મળે છે. એમના શરીર પર માથોડારૂપે બલૂન જેવું ફ્લોટ ભૂરા, ગુલાબી કે જાંબુડી રંગનું હોય છે. એ જીવડું તરતું હોય ત્યારે એ બલૂન જેવો ભાગ પાણીની ઉપર રહે છે. તેની સાથે જોડાયેલા ડંખ ૩૦ ફૂટથી ૧૦૦ ફૂટ સુધી લાંબા હોય છે. એનો ડંખ નાની માછલીને પક્ષઘાત જેવી અસર કરી શકે છે.’

mumbai mumbai news juhu beach ranjeet jadhav