કબૂતરબાજીનો પર્દાફાશ

19 June, 2017 04:31 AM IST  | 

કબૂતરબાજીનો પર્દાફાશ



આસિફ રિઝવી

ત્રણ દિવસમાં મુંબઈથી અમેરિકાના પ્રવાસેથી પાછી ફરેલી મહિલા તેના ઘરમાં તેનાં સંતાનો સાથે મળ્યા પછી BKC પોલીસે કરેલી વિગતવાર તપાસમાં પાંચ જણની ધરપકડ કરીને કબૂતરબાજીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડ વધારે વ્યાપક અને મોટું હોવાની શંકા પરથી પોલીસે વધારે તપાસ હાથ ધરી હતી.

ગયા એપ્રિલ મહિનામાં મુંબઈના રહેવાસી ૪૨ વર્ષના અઝહર કુરેશીએ અમેરિકા જવા માટે BKC સ્થિત અમેરિકન કૉન્સ્યુલેટમાં વીઝા માટે અરજી કરી હતી. એ અરજીની સાથે અઝહરે વીઝાની પ્રોસેસ ઝડપી બનાવવાની વિનંતી કરતો તેની કંપનીનો પત્ર પણ સુપરત કર્યો હતો. થોડા દિવસ પછી અઝહરની ૩૫ વર્ષની પત્ની નિર્મલા કુરેશીએ દસ વર્ષ અને બાર વર્ષનાં બે બાળકો સાથે અમેરિકા જવાના વીઝા માટે અરજી કરી હતી. એ ત્રણ જણને વીઝા આપવામાં આવ્યા હતા, પરંતુ નિર્મલાની સાથે તેનાં પોતાનાં સંતાનો ગયાં નહોતાં. તે એટલી જ ઉંમરનાં અન્ય બે બાળકોને અમેરિકા લઈ ગઈ હતી. ત્રણ દિવસ પછી તે એકલી મુંબઈ પાછી આવી હતી. ત્યાર પછી અમેરિકન કૉન્સ્યુલેટના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને શંકા જતાં એ બાબત તરફ BKC પોલીસ-સ્ટેશનનું ધ્યાન દોર્યું હતું.


BKC પોલીસ-સ્ટેશનનો સ્ટાફ તપાસ માટે નિર્મલાના ઘરે પહોંચ્યો ત્યારે તેનાં બાળકો ઘરમાં હાજર જણાયાં હતાં. પોલીસે અઝહર અને નિર્મલાને અટકાયતમાં લીધાં હતાં. એ બન્નેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ત્રણ જણે તેમનાં બે સંતાનોના નામે અન્ય બે બાળકોને અમેરિકા લઈ જવા માટે તેમને પૈસા ચૂકવ્યા હતા.

પોલીસને કુરેશી દંપતી ગુનામાં સામેલ હોવાની ખાતરી થતાં તેમની ધરપકડ કરીને અન્ય ત્રણ જણની શોધખોળ શરૂ કરી હતી. કુરેશી દંપતીને ધરપકડ બાદ જામીન પર છોડવામાં આવ્યું હતું. અન્ય ત્રણ જણ પર નિગરાની શરૂ કરવામાં આવી હતી. એ ત્રણ જણના મોબાઇલ-નંબર સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા. છેવટે પાકા સગડ મળતાં અન્ય ત્રણ જણ ૨૧ વર્ષના ઝાકિર શેખ, ૪૦ વર્ષના રિયાઝ નાગપુરવાલા અને ૪૭ વર્ષના ફિરોઝ શેખ ઉર્ફે વિકીની ગઈ કાલે પરોઢિયે ધરપકડ કરવામાં આવી હતી. એ ત્રણ જણને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ચાર દિવસ પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.