સિંગાપોરમાં નોકરીની લાલચ આપી ૫૦ યુવકો સાથે ૨૫ લાખની છેતરપિંડી

31 July, 2012 04:53 AM IST  | 

સિંગાપોરમાં નોકરીની લાલચ આપી ૫૦ યુવકો સાથે ૨૫ લાખની છેતરપિંડી

વાગલે એસ્ટેટ પોલીસના ક્રાઇમ વિભાગના પોલીસ-અધિકારી એમ. એફ. મોરેએ જણાવ્યું હતું કે ‘લોકોને સિંગાપોરમાં નોકરી અપાવવાની લાલચ આપનારા સુનીલ રાજ નામના આ એજન્ટે તીન હાથ નાકા પાસે સિમરન ઇન્ટરનૅશનલ નામની કંપની ખોલી હતી અને ન્યુઝપેપરોમાં વિદેશમાં નોકરીની તકના નામે મોટી-મોટી જાહેરખબરો આપતો હતો. સિંગાપોરમાં નોકરીની લાલચમાં મુંબઈ-થાણેના જ નહીં, બિહાર અને ઉત્તર પ્રદેશના યુવકો પણ ફસાયા હતા. જાહેરખબર જોઈને કોઈ તેનો કૉન્ટૅક્ટ કરતું ત્યારે તેની પાસે તે નોકરી અપાવવા માટે ૫૦,૦૦૦ રૂપિયા માગતો. એ સિવાય વીઝા માટે અલગથી ૨૭,૦૦૦ રૂપિયા માગતો. મોટા ભાગના યુવકો તેની જાળમાં ફસાઈ ગયા હતા અને તેમણે ૨૫,૦૦૦ રૂપિયા આપવાની સાથે પોતાનો પાસર્પોટ પણ આપી દીધો હતો. પૈસા તે પંજાબ નૅશનલ બૅન્કમાં જમા કરાવવાનો આગ્રહ રાખતો. દરેક જણને તેણે ૨૭ જુલાઈએ મુંબઈ ઍરર્પોટ પર આવી પોતાના વીઝા લઈ ફ્લાઇટ પકડીને નીકળી જવા કહ્યું હતું. તપાસ દરમ્યાન તેણે લગભગ ૫૦ યુવકો સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાનું અને લગભગ ૨૫ લાખ રૂપિયા લોકો પાસેથી નોકરીની લાલચ આપીને લીધા હોવાનું બહાર આવ્યું છે. અમુક લોકો પાસેથી તો તેણે જલદી નોકરી અપાવવાની લાલચ આપીને એક લાખ રૂપિયા લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.’