04 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેતા જિતેન્દ્ર આવ્હાડ હથકડી પહેરીને વિધાન સભામાં જોવા મળ્યા (તસ્વીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં NCP-SCPના નેતા જિતેન્દ્ર આવ્હાડ હાથકડી પહેરીને વિધાનસભામાં જોવા મળ્યા. જ્યારે પત્રકારોએ આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે "અમેરિકાએ ભારતીયોને હાથકડી પહેરીને જ દેશમાંથી બહાર કાઢ્યા હતા. હું તે વિરૂદ્ધ વિરોધ કરવા માટે હાથકડી પહેરીને બહાર આવ્યો છું." તેમણે વધુમાં કહ્યું કે "અમેરિકામાં ભારતીયો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. તેમની વિઝાની સમસ્યાઓ છે, અને તેના લીધે તેઓએ ઘણાં સંઘર્ષો સહન કરવા પડ્યા છે. ભારત સરકારે આ મુદ્દે હજી સુધી કોઈ મજબૂત અભિપ્રાય આપ્યો નથી."
અમેરિકામાં ભારતીયો પર વધતા દબાણ પર ઉગ્ર પ્રતિક્રિયા
જિતેન્દ્ર આવ્હાડે વધુમાં કહ્યું કે "અમેરિકામાં ભારતીયો પર અન્યાય થઈ રહ્યો છે. તેમને હાથકડી પહેરાવી ડિપોર્ટ કરવામાં આવ્યા. ભારત સરકારે આ મુદ્દે કોઈ પગલાં લીધા નથી. ભારતીયો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ સરકાર અમેરિકા વિશે એક પણ શબ્દ બોલી રહી નથી.
પંજાબ સરકારનો આ મુદ્દે અભિપ્રાય
પંજાબના કેબિનેટ મંત્રી કુલદીપ ધાલીવાલે NRI મુશ્કેલીઓ સાંભળવા બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે "વિદેશમાં રહેલા પંજાબીઓ અને અન્ય ભારતીયો માટે સરકાર કામ કરી રહી છે. અમે જે લોકો ડિપોર્ટ થયા છે, તેમને ફરીથી નોકરીઓ આપવા માટે પ્રયત્ન કરીશું. ધાલીવાલે જાહેરાત કરી કે સરકાર દેશનિકાલ કરાયેલા લોકોને તેમની લાયકાતના આધારે રોજગારની તકો પૂરી પાડશે." તેમણે વધુમાં જણાવ્યું કે "અમે પંજાબમાં 50,000 નોકરીઓ આપી ચૂક્યા છે. વધુ રોજગારીની તકો ઊભી કરવા માટે પંજાબના ઔદ્યોગિક અને સ્ટીલ ક્ષેત્રોમાં રોકાણોની પણ ચર્ચા કરી.
ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો 19 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર એકત્ર થયા અને અમેરિકામાં ભારતીયોના અપમાન સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ "ભારતીયોકા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન!" જેવા નારા લગાવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ, વિદેશમાં રહેતા કેટલાક ભારતીયોને હાથકડી પહેરીને પાછા મોકલવામાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના મૂળ વતને મોકલવા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ કાર્યવાહી હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન સી-17 બુધવારે બપોરે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. આ પ્લેનમાં સવાર લોકોને હવે તેમના રાજ્યમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, દેશની કાયદા અમલીકરણ એજન્સીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાખો રૂપિયા ખર્ચીને "ડોન્કી માર્ગે" અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમોથી અમેરિકામાં પ્રવેશેલા ભારતીયો હવે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.