થાણે મહાનગરપાલિકાની ડિમોલિશનની કાર્યવાહી સામે જિતેન્દ્ર આવ્હાડે આપ્યું ચોંકાવનારું સ્ટેટમેન્ટ

02 August, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિમોલિશન કાર્યવાહી હેઠળ ટીએમસીએ મંગળવારે માજીવડે, માનપાડા અને કલવામાં ગેરકાયદે ઊભી કરી દેવાયેલી બહુમાળી ઇમારતો પણ જેસીબીની મદદથી તોડી પાડી હતી

જિતેન્દ્ર આવ્હાડ

છેલ્લા કેટલાક દિવસથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી) દ્વારા ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણો સામે કડક હાથે કામ લઈને ડિમોલિશન કરાઈ રહ્યું છે. એ અંતર્ગત છેલ્લા બે દિવસથી યેઉર વિસ્તારના બંગલાઓ પર હથોડો પડી રહ્યો છે. ત્યાંના પાંચ બંગલાઓ પર ડિમોલિશન કાર્યવાહી કરાઈ છે ત્યારે રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડે ચોંકાવનારું ટ્વીટ કરતાં રાજકીય વર્તુળોમાં એ ચર્ચાનો વિષય બન્યું છે.

જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કરતાં કહ્યું છે કે ‘યેઉરના બંગલાઓ પર સહાયક આયુક્તે કાર્યવાહી શરૂ કરતાં મને આશ્ચર્ય થયું છે. હજી પાંચ બંગલાઓ પર અને કોઠારી કમ્પાઉન્ડમાં રહેતા બાર ઓનર્સ પાસેથી પાલિકાના અધિકારીઓએ લાંચ લીધી છે એના પર કાર્યવાહી કરી હોત તો મને ગર્વ થાત.’

ડિમોલિશન કાર્યવાહી હેઠળ ટીએમસીએ મંગળવારે માજીવડે, માનપાડા અને કલવામાં ગેરકાયદે ઊભી કરી દેવાયેલી બહુમાળી ઇમારતો પણ જેસીબીની મદદથી તોડી પાડી હતી. એ સિવાય ઉપવન વિસ્તારમાં ગેરકાયદે ઊભી કરી દેવાયેલી એક લૉજને પણ જમીનદોસ્ત કરી દેવાઈ હતી. એ લૉજમાં ૨૦ રૂમ હતી અને એનો ઉપયોગ પ્રોસ્ટિટ્યુશન માટે કરાતો હતો. પૉલિટિકલ પાર્ટીઓ અને ઍક્ટિવિસ્ટો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનામાં રાખીને ટીએમસી ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા આ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ છે.

mumbai mumbai news