અદ્ભુત, અનુપમ જિનમૂર્તિઓનાં દર્શન કરવાનો લહાવો લેવો છે? ચલો કુમારભાઈના દેરાસરમાં

14 September, 2012 05:44 AM IST  | 

અદ્ભુત, અનુપમ જિનમૂર્તિઓનાં દર્શન કરવાનો લહાવો લેવો છે? ચલો કુમારભાઈના દેરાસરમાં


‘કુમારભાઈનું દેરાસર’ તરીકે પ્રખ્યાત આ સ્વર્ણમંદિર જેમ કુમારપાળ મહેતાનું છે એમ અહીં રાખવામાં આવેલી અદ્વિતીય પ્રતિમાઓ પણ કુમારભાઈના અંગત કલેક્શનમાંની જ છે. ૧૦ ઇંચથી ૩ ફૂટની ૪૦૦ જેટલી અમાપ સુંદર મૂર્તિઓ કુમારભાઈ પાસે છે. દેશી-વિદેશી પથ્થરો અને અલભ્ય રત્નોમાંથી બનેલી આ દરેક મૂર્તિનાં ફેસ-ફીચર્સ પણ આંખોને તૃપ્ત કરી અંતરને આનંદિત કરી દે છે, કારણ કે કુમારભાઈ જાતે પાષાણ ખરીદીને પછી સ્પેશ્યલ કારીગરો પાસેથી પોતાને જોઈએ એવી મૂર્તિઓ ઘડાવે છે. માટે જ દરેક પ્રતિમાની અલગ-અલગ વિશિષ્ટતાઓ છે. ઈ.સ. ૨૦૦૫થી દર વર્ષે જૈનોના ધાર્મિક પર્વ પયુર્ષણમાં જ આ પ્રતિમાઓને દર્શનાર્થે મૂકવામાં આવે છે. આવી મૂલ્યવાન મૂર્તિઓ બનાવડાવવા વિશે કુમારભાઈ કહે છે, ‘જેમ લોકોને ફરવા જવાનો, ખાવા-પીવાનો, પહેરવા-ઓઢવાનો શોખ હોય એમ મને મારા પ્રભુની પ્રતિમા બનાવવાનો શોખ છે અને પ્રભુના ગુણવૈભવ સામે આ મોંઘા પથ્થરોનું શું મૂલ્ય ગણાય? મારી ભાવના એ છે કે હું મારી ક્ષમતા મુજબ સુંદર-અતિસુંદર દ્રવ્યોથી મૂર્તિનું નર્મિાણ કરું.’

દરેક વખતે અલગ-અલગ મૂર્તિઓ મૂકતા કુમારભાઈનો હેતુ એ છે કે આવી પ્રતિમાઓ જોઈને ભાવકોને પ્રભુભક્તિ કરવાની પ્રેરણા મળે અને ધર્મભાવ જાગ્રત થાય. આ અદ્ભુત પ્રતિમાઓ સાથે આ જિનાલયમાં દરરોજ અલગ-અલગ પ્રકારની આંગી પણ રચાય છે. એમાં આ વર્ષે તેમણે નવગ્રહના નવ અસલી નંગોની આંગીઓ બનાવડાવી છે; જે અંતર્ગત પન્ના, માણેક, હીરા, પોખરાજ, લસણિયો, મોતી, ગોમેદ, પરવાળા, બ્લુ સૅફાયર, પીરોજ જેવા સાચા નગીનાઓથી દેરાસરના મૂળનાયક અને નાના ધાતુની પ્રતિમા સહિત ૧૯ ભગવાનોની પરિકર સહિતની અંગરચના કરવામાં આવશે અને એ રંગનાં ફૂલોથી દેવાલયનું સુશોભન કરવામાં આવશે.

- અલ્પા નિર્મલ