જે. ડેના મર્ડર પહેલાં જિજ્ઞા વોરા મળી હતી છોટા રાજનના ગૅન્ગસ્ટરને?

30 November, 2011 07:53 AM IST  | 

જે. ડેના મર્ડર પહેલાં જિજ્ઞા વોરા મળી હતી છોટા રાજનના ગૅન્ગસ્ટરને?

 

૨૫ નવેમ્બરે મર્ડરકેસના આરોપમાં પકડાયેલી મહિલા જર્નલિસ્ટ જિજ્ઞા વોરાને મર્ડર કરતાં પહેલાં તે મળ્યો હોઈ શકે છે એ શંકાને આધારે પોલીસે પૉલ્સનની કસ્ટડી માગી હતી. પૉલ્સનની પાંચ સપ્ટેમ્બરે જે. ડે મર્ડરકેસમાં ધરપકડ થઈ હતી અને તેને જુડિશ્યલ કસ્ટડી મળતાં હાલમાં તે આર્થર રોડ જેલના લૉક-અપમાં છે. આ વિશે અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ક્રાઇમ) અશોક દુરાફેએ કહ્યું હતું કે પોલીસે મોકા કોર્ટમાં ગઈ કાલે ઍપ્લિકેશન ફાઇલ કરી હતી, જેમાં પૉલ્સનની કસ્ટડી મેળવીને ફરી તેની પૂછપરછ કરવાની માગણી કરવામાં આવી હતી.

આ ઍપ્લિકેશનની સુનાવણી આજે છે. પૉલ્સનની કસ્ટડી લેવી જરૂરી છે, કારણ કે હાલમાં મહત્વના સ્ટેજ પર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને મર્ડરની ઘટના બની એ પહેલાં જિજ્ઞા પૉલ્સનને મળી હોઈ શકે છે એવી પોલીસે શંકા વ્યક્ત કરી છે. પૂછપરછ પરથી જ ખબર પડશે કે જિજ્ઞા અને પૉલ્સન પહેલાં મળ્યાં છે કે નહીં. પૉલ્સનની આ પહેલાં પાકમોડિયા સ્ટ્રીટ પર ૧૭ મેએ અન્ડરવલ્ર્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરના બૉડીગાર્ડ પર થયેલા ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બૉડીગાર્ડનું મૃત્યુ થયું હતું. પૉલ્સન પર જે. ડે મર્ડરકેસમાં અને પાકમોડિયા સ્ટ્રીટના ફાયરિંગ કેસમાં આરોપીઓને ગ્લોબલ સિમ-કાર્ડ આપવાનો આરોપ હતો, જે દ્વારા આરોપીઓ છોટા રાજનના ટચમાં રહેતા હતા.

જે. ડેનું પવઈમાં ૧૧ જૂને બાઇક પર આવેલા અમુક લોકોએ ફાયરિંગ કરી મર્ડર કર્યું હતું. આ મર્ડર કરાવવા પાછળ છોટા રાજનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક ઇંગ્લિશ ન્યુઝપેપરમાં ડેપ્યુટી બ્યુરો ચીફ તરીકે કામ કરતી જિજ્ઞાની ૨૫ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર જે. ડેની માહિતી છોટા રાજનને આપવાનો આરોપ છે. પોલીસે તેના લૅપટૉપ ડેટા, મોબાઇલ ફોન અને બીજા ડેટા ઑફિસમાંથી જપ્ત કર્યા છે અને એ ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં ૧૧ જણની ધરપકડ કરવામાં આવી છે.