"પોલીસ ગમે ત્યારે ધરપકડ કરશે એ વાતથી જિજ્ઞા ટેન્શનમાં રહેતી હતી"

26 November, 2011 11:16 AM IST  | 

"પોલીસ ગમે ત્યારે ધરપકડ કરશે એ વાતથી જિજ્ઞા ટેન્શનમાં રહેતી હતી"



(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૨૬

મિડ-ડે ગ્રુપના ક્રાઇમ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એડિટર જે. ડેની હત્યા બાબતમાં પૂછપરછ કરવા પોલીસ પોતાની ગમે ત્યારે ધરપકડ કરશે એની જિજ્ઞા વોરાને ૧૫ દિવસ પહેલાંથી જ ખબર હતી અને એને લીધે તે ટેન્શનમાં રહેતી હતી. ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ પાસે રામબાણ માર્ગ પર આવેલા સવિતા બિલ્ડિંગના બીજા માળે પોતાનાં વૃદ્ધ મા-બાપ સાથે રહેતાં જિજ્ઞાનાં મમ્મી હર્ષા જિતેન્દ્ર વોરાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં આ ઘટસ્ફોટ કર્યો હતો.

ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે કપોળ વૈષ્ણવ જિજ્ઞા વોરાની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના નાના તુલસીદાસ હરગોવિંદદાસ સંઘવીના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સૌથી પહેલાં ‘મિડ-ડે’ સાથે જિજ્ઞાના જીવન વિશે વાત કરતાં ૮૫ વર્ષના તુલસીદાસ સંઘવીએ કહ્યું હતું કે ‘જિજ્ઞા બે મહિનાની હતી ત્યારથી તેની નાની તારાબહેનના ખોળે મોટી થઈ છે. થોડા સમય પહેલાં ઑફિસ જવાનું સરળ પડે એટલે તે એકલી વરલીમાં ભાડાની જગ્યા લઈને રહેતી હતી, પરંતુ બે મહિના પહેલાં પાછી ઘાટકોપર રહેવા આવી ગઈ હતી. તેની ધરપકડ થઈ એ જ દિવસે સાંજે તે તેનાં કૅનેડાથી આવેલાં ફોઈની ફૅમિલી સાથે શ્રીનાથજી દર્શન કરવા જવાની હતી. જિજ્ઞાના પપ્પા સાથે ઘરનાને કોઈને સંબંધ નથી. આમ છતાં જિજ્ઞા તેના પપ્પાને મળવા દુબઈ જઈ આવી છે તેમ જ છ મહિના પહેલાં તે એકલી ફરવા માટે ગુવાહાટી ગઈ હતી. બાકી અમારા કુટુંબમાં તે ક્યાં જાય છે, શું કરે છે એવા સવાલો અમે તેને ક્યારેય પૂછતા નથી. તેની પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફને અમે અલગ જ રાખી છે. તે દિવસમાં માંડ બે-ત્રણ કલાક અમારી સાથે હોય છે.’

મારી દીકરી આવા કોઈ હત્યાકાંડમાં ફસાઈ જાય એ વાત હું કોઈ સંજોગોમાં માની શકું જ નહીં એમ જણાવતાં જિજ્ઞાનાં મમ્મી હર્ષાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કહતું કે ‘જે. ડેની હત્યા થઈ એ દિવસથી મારી દીકરી ગભરાયેલી હતી. તેને એવી ખબર પડી ગઈ હતી કે પોલીસ તેની જે. ડેની હત્યા બાબતમાં કંઈક પૂછપરછ કરી શકે છે, પરંતુ ૧૫ દિવસ પહેલાં હંમેશાં કામ પૂરતી જ વાત કરતી જિજ્ઞાએ અમને જણાવ્યું હતું કે જે. ડેની હત્યામાં કોઈ સિનિયર રિપોર્ટર સંડોવાયો હોય એવી વાત ચાલે છે એ હું છું એમ પત્રકારજગતમાં વાત ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલાં તો તેની ગમે ત્યારે ધરપકડ થશે એની પણ ખબર તેને પડી ગઈ હતી અને તેણે અમને આ વાત જણાવી હતી.’