ડબલ ટ્રૅજેડી : ગર્ભવતી માતા અને આવનાર બાળકને ડેન્ગી ભરખી ગયો

02 December, 2014 03:36 AM IST  | 

ડબલ ટ્રૅજેડી : ગર્ભવતી માતા અને આવનાર બાળકને ડેન્ગી ભરખી ગયો




પ્રીતિ ખુમાણ ઠાકુર

ભાઈંદર (વેસ્ટ)ના ગૌતમનગર વિસ્તારમાં આવેલા સંભવ અપાર્ટમેન્ટમાં રહેતો દોશીપરિવાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ઘરમાં નાના બાળકની ચહલપહલની ખૂબ ઉમંગ-ઉત્સાહથી રાહ જોઈ રહ્યો હતો. આ ચહલપહલની મજા પહેલાં જ પરિવાર પર એવું આભ તૂટી પડ્યું કે તેમણે જીવનમાં ક્યારેય વિચાર્યું નહીં હોય. બે વર્ષ પહેલાં લગ્ન કરીને આવેલી ભાઈંદરમાં જ રહેતી ઝલક દોશીને ૮ મહિના અને ૪ દિવસ (૩૬ વીક)ની પ્રેગ્નન્સી હતી. જોકે તેને ડેન્ગી થતાં સારવાર દરમ્યાન ડેન્ગીએ પ્રથમ તેના બાળકનો અને ત્યાર બાદ ગઈ કાલે તેનો જીવ લીધો હતો. આ ઘટનાથી દોશીપરિવાર તેમ જ દિગંબર જૈન સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભાઈંદરમાં ગઈ કાલે બપોરે ઝલકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા એ વખતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ડેન્ગીથી મૃત્યુ થયું

સંપૂર્ણ ઘટના વિશે માહિતી આપતાં ઝલકના સસરા પ્રવીણ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝલકને આઠ મહિનાની પ્રેગ્નન્સી હતી. સપ્ટેમ્બરની ૨૮ તારીખે મારી વહુ ગોરેગામ તેની મમ્મીના ઘરે ડિલિવરી માટે ગઈ હતી. આ દરમ્યાન અમુક જ વાર તે અહીં આવી હતી. ત્યાં ઝલકને છેલ્લા પાંચ દિવસથી તાવ આવી રહ્યો હતો. એથી ત્યાંના સ્થાનિક ક્લિનિકમાંથી દવા લાવવામાં આવી હતી. છતાં આરામ ન થતાં ડૉક્ટરે હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. એથી અમે અંધેરીની બ્રહ્માકુમારી હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં રિપોર્ટમાં ડેન્ગી પોઝિટિવ આવ્યો હતો. ડેન્ગીની સારવાર દરમ્યાન ૩૦ નવેમ્બરે બાળકનું અને ગઈ કાલે ઝલકનું મૃત્યુ થયું હતું.’

પરિવાર ભારે ઉત્સાહમાં હતો

આંખમાં આંસુ સાથે પ્રવીણભાઈએ કહ્યું હતું કે ‘મને એક દીકરો ગુંજન છે અને એક દીકરી છે. છેલ્લા ઘણા વખતથી અમારા ઘરમાં નાના છોકરાની ચહલપહલ માટે અમારા કાન તરસી ગયા હતા. ગુંજનનાં લગ્ન બાદ બે વર્ષે આ સમાચાર સાંભળવામાં આવ્યા. એથી આખો પરિવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહમાં હતો. ભારે ઉત્સાહમાં આખા પરિવારે બાળકના વેલકમ કરવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી હતી. જોકે આ ઘટનાથી અમારો આખો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.’

ડૉક્ટરનું શું કહેવું છે?

અંધેરી (વેસ્ટ)માં આવેલી બ્રહ્મકુમારી હૉસ્પિટલમાં ઝલકની સારવાર કરી રહેલા ડૉક્ટરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ઝલક અહીં દાખલ થઈ હતી અને સારવાર દરમ્યાન પ્રથમ બાળકનું અને ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું. આ સિવાય વધુ માહિતી અમે નહીં આપી શકીએ.’