લૉકડાઉનમાં જ્વેલર્સની કંપનીમાંથી થઈ ૬.૧૪ કરોડના દાગીનાની ચોરી

29 June, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં જ્વેલર્સની કંપનીમાંથી થઈ ૬.૧૪ કરોડના દાગીનાની ચોરી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લીધે અચાનક લૉકડાઉન કરાતાં તમામ કામકાજ બંધ થઈ ગયા બાદ તબક્કાવાર ફરી કામધંધા શરૂ થઈ રહ્યા છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. ભાઈંદરમાં લૉકડાઉન થયું ત્યારે ડાયમંડ જ્વેલરી બનાવતી કંપનીની તિજોરીમાં રાખેલા ૬.૧૪ કરોડ રૂપિયાના દાગીના ચોરી થવાની જાણ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તપાસમાં કંપનીના એક કર્મચારીએ જ કરોડો રૂપિયાના દાગીના તિજોરીમાંથી કાઢીને બારોબાર વેચી નાખ્યા હોવાનું જણાતાં પોલીસે આ કેસમાં બેની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી સુભાષ જૈન ભાઈંદર (પૂર્વ)માં ડાયમંડના દાગીના બનાવવાની કંપની ધરાવે છે. કંપનીને એક જાણીતી કંપનીનો ડાયમંડ જ્વેલરીનો ઑર્ડર મળ્યા બાદ કંપનીએ આવા ૧૪૬ દાગીના બનાવીને તૈયાર કર્યા હતા. જોકે આ દરમ્યાન અચાનક લૉકડાઉન કરાતાં માલિકે કંપનીના વિશ્વાસુ કર્મચારી રિંકેશ મુકેશ સિરોયાને તિજોરીની ચાવી આપીને તૈયાર દાગીના મૂકવાનું કહ્યું હતું. ફરિયાદ મુજબ બાદમાં પણ તિજોરીની ચાવી રિંકેશ પાસે જ હતી.

ફરિયાદીએ આગળ નોંધ્યું હતું કે લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ ૧૧ જૂને કંપની ફરી શરૂ કરાઈ હતી. આ સમયે જે કંપનીએ ડાયમંડના દાગીના બનાવવાનો ઑર્ડર આપ્યો હતો તેણે માલની ડિલિવરી કરવાનું કહ્યું હતું. જોકે કંપનીના મૅનેજરે તિજોરીમાંથી ડાયમંડના દાગીના ગાયબ હોવાનું કહેતા આ કામ રિંકેશનું હોવાની શંકાને આધારે તેને તાત્કાલિક કંપનીમાં બોલાવાયો હતો. રિંકેશે કબૂલ કર્યું હતું કે તેણે ક્રિકેટના સટ્ટામાં મોટી રકમ ગુમાવી હોવાથી તિજોરીમાં રાખેલા દાગીનાની ચોરી કરીને વેચી નાખ્યા છે.

ડાયમંડ કંપનીના માલિકે ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આરોપી રિંકેશ સિરોયા અને વિનય કેવલચંદ બંબોલી સામે ૧૧ જૂન ૨૦૨૦ના રોજ કેસ (એફઆઇઆર નં. ૦૧૮૯) નોંધીને તેમની ૧૨ અને ૧૩ જૂને ધરપકડ કરી હતી. ૨૬ જૂને આરોપીઓની પોલીસ રિમાંડ પૂરી થયા બાદ તેઓ જામીન પર છૂટ્યા હતા.

નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬.૧૪ કરોડ રૂપિયાના ડાયમંડના દાગીના ચોરી કરવાના આરોપસર અમે બે આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનારાઓની તપાસ ચાલી રહી હોવાથી વધારે માહિતી હમણાં નહીં આપી શકાય.’

coronavirus covid19 lockdown mumbai mumbai news bhayander