મીરા રોડમાં જ્વેલર્સની છ દિવસની હડતાળમાં પચીસ લાખનું નુકસાન

04 October, 2012 07:30 AM IST  | 

મીરા રોડમાં જ્વેલર્સની છ દિવસની હડતાળમાં પચીસ લાખનું નુકસાન



પોલીસના અત્યાચારના વિરોધમાં મીરા રોડના જ્વેલર્સ ૬ દિવસ હડતાળ પર ગયા હતા તેથી મીરા રોડના ૧૨૦ જ્વેલર્સની દુકાનો બંધ હોવાથી જ્વેલર્સને ૨૫ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એમાં વળી આ હડતાળ ગણપતિ જેવા તહેવારમાં હોવાથી ગ્રાહકોને સમયસર દાગીનાની ડિલિવરી ન મળતાં ગ્રાહકો પણ નિરાશ થયા હતા. મીરા-ભાઈંદરના જ્વેલર્સે ચીમકી આપી હતી કે જો તેમને ન્યાય નહીં મળે તો મીરા-ભાઈંદરના બધા જ્વેલર્સ બેમુદત હડતાળ પર જશે. અંતે ૬ દિવસ પછી શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની મધ્યસ્થી બાદ જ્વેલર્સ અને પોલીસ-અધિકારીની સંયુક્ત બેઠકને અંતે થાણે ગ્રામીણના એસપી રવીન્દ્ર સેન ગાંવકરે તપાસનું આશ્વાસન આપતાં મીરા રોડના જ્વેલર્સે હડતાળ પાછી ખેંચી હતી. એમ છતાંય જો જ્વેલર્સને ફરી પોલીસનો ત્રાસ વેઠવો પડશે તો તેઓ આંદોલન કરવામાં પણ પાછળ નહીં રહે.

૨૦૧૨ની ૨૪ સપ્ટેમ્બરથી લઈને ૨૯ સપ્ટેમ્બર સુધી મીરા રોડની જ્વેલર્સની બધી દુકાનો પર તાળાં મારેલાં જોવા મળ્યાં હતાં. પોલીસના વધતા જતા ત્રાસના વિરોધમાં મીરા રોડના જ્વેલર્સ બેમુદત હડતાળ પર ગયા હતા. હડતાળ દરમ્યાન મીરા-ભાઈંદરના જ્વેલર્સે આર. આર. પાટીલથી લઈને પોલીસ-કમિશનર બધાને જ લેખિતમાં જ્વેલર્સને ન્યાય આપવા વિનંતી કરી હતી. તેમ જ ચીમકી પણ આપી હતી કે જો તેમને ન્યાય નહીં મળે તો આખા મીરા-ભાઈંદરના જ્વેલર્સ એકસાથે બેમુદત હડતાળ પર જશે. એ બાદ મીરા-ભાઈંદરનાં ચારેય પોલીસ-સ્ટેશનના અધિકારીઓ, બધા જ્વેલર્સ અસોસિએશનના પદાધિકારીઓએ સંયુક્ત બેઠક લીધી અને એમાં પોલીસે જ્વેલર્સની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને તેમને થતી હેરાનગતિ પર ખાસ ધ્યાન આપવા જેવા નર્ણિય લીધા હતા તેથી જ્વેલર્સે બેમુદત હડતાળ પાછી ખેંચી હતી એમ મીરા-ભાઈંદર જ્વેલર્સ અસોસિએશનના અધ્યક્ષ ભંવરલાલ મહેતાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું.

જ્વેલર્સે હડતાળ ગણપતિ જેવા મુખ્ય તહેવારમાં જ કરી હોવાથી ગ્રાહકોને ભારે હેરાનગતિ થઈ હતી. ગ્રાહકો ગણપતિને સોનું ચડાવવા માટે પહેલેથી બુકિંગ કરીને જતા હોય છે. હડતાળ હોવાથી કેટલાય લોકો ભગવાનને સોનાની બુક કરેલી વસ્તુઓ પણ ચડાવી શક્યા ન હોવાથી ગ્રાહકો ભારે નિરાશ થયા હતા.

એસપી = સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ