હાઇજૅકના ધમકીભર્યા ફોનથી જેટ ઍરવેઝનું પ્લેન મોડું પડ્યું

23 October, 2012 05:12 AM IST  | 

હાઇજૅકના ધમકીભર્યા ફોનથી જેટ ઍરવેઝનું પ્લેન મોડું પડ્યું



મુંબઈ-બૅન્ગ્ાલોર-મુંબઈની ફ્લાઇટ નંબર ૨૧૦૫ ગઈ કાલે ઉડાણ માટે તૈયાર જ હતી એના થોડા સમય પહેલાં જેટ ઍરવેઝના કૉલ-સેન્ટરમાં આ વિમાનને હાઇજૅક કરવાનો ધમકીભર્યો નનામો ફોન આવ્યો હતો જેને પગલે ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી. મુંબઈ ઍરપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ ગઈ કાલે ફ્લાઇટના ડિપાર્ચર થવાના અડધો કલાક પહેલાં બપોરે લગભગ ૩.૪૦ વાગ્યે ફોન આવ્યો હતો. આ વિમાનમાં ૫૦ પૅસેન્જર્સ અને ક્રૂ-મેમ્બર્સ હતા. ધમકીભર્યો ફોન આવ્યા બાદ ઘટનાસ્થળે સુરક્ષા-અધિકારીઓ પહોંચી ગયા હતા અને પ્લેનને રિમોટ પાર્કિંગ એરિયામાં લાવવામાં આવ્યું હતું અને સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.

અગાઉ ૭ મેએ આવો જ ધમકીભર્યો કૉલ કરનારાને પોલીસે ઓળખી કાઢ્યો હતો. વિકાસ યાદવ નામના આ માણસે ૭ મેએ પણ જેટ ઍરવેઝની મુંબઈ-બૅન્ગલોર ફ્લાઇટને હાઇજૅક કરવાની ધમકી આપતો ફોન કર્યો હતો. અત્યારે સુરક્ષા એજન્સી આ પૂરા બનાવની તપાસ કરી રહી છે.