મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી જીપના કેસમાં ટેરર ઍન્ગલ નથી લાગતો

28 February, 2021 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી જીપના કેસમાં ટેરર ઍન્ગલ નથી લાગતો

મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કૉર્પિયો કારના કેસમાં પોલીસે પુણેથી બે જણને પકડીને તેમની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બે જણનો આ કેસ સાથે શું સંબંધ છે એ હજી જાણી નથી શકાયું, પણ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ સિવાય ગઈ કાલે પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં ટેરર ઍન્ગલ બહાર નથી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી આ કેસના સંદર્ભમાં ૨૫ જણનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. જોકે તેઓ મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની નજીક સ્કૉર્પિયો કાર મૂકીને ઇનોવા કારમાં ભાગી જનાર આરોપીની સાથે બીજી એક કારની પણ શોધ ચલાવી રહ્યા છે. સીસીટીવી ફુટેજના આધારે તેમને ઍન્ટિલિયાની આસપાસ એક કારની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતાં તેઓ આ કારની શોધ ચલાવી રહ્યા છે.

પોલીસે અત્યાર સુધીમાં સેંકડો સીસીટીવી ફુટેજ જોઈ લીધાં છે, પણ એમાંથી તેમને કંઈ મળ્યું નથી. બુધવારે મધરાત બાદ એક વાગ્યે સ્કૉર્પિયો મુકેશ અંબાણીના ઘર પાસે મૂકવામાં આવી હતી. જે વ્યક્તિએ આ જીપ ત્યાં મૂકી હતી તે ત્યાં પહોંચતાં પહેલાં ૧૦ મિનિટ જીપ સાથે હાજી અલી પાસે રોકાયો હતો. ત્યાર બાદ જીપ ત્યાં પાર્ક કરીને બે કલાક એમાં બેસી રહ્યો હતો એટલું જ નહીં, જીપમાંથી ઊતરવા માટે તે ડ્રાઇવરની સીટ પરથી પાછળ ગયા બાદ પાછળનો દરવાજો ખોલીને સફેદ ઇનોવા કારમાં ભાગી ગયો હતો. જે રીતે આરોપી ત્યાંથી જતો રહ્યો હતો એ જોતાં પોલીસને એવું લાગે છે કે તેણે આ વિસ્તારની રેકી કરી હશે.

mumbai mumbai news mukesh ambani mumbai police