14 November, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑક્ટોબર મહિનામાં વસ્તુઓ અને સર્વિસ સેક્ટરનો સમાવેશ કરતી ભારતની કુલ નિકાસ વાર્ષિક ધોરણે ૨૯.૯ ટકા વધીને ૮૯.૯૯ અબજ ડૉલર થઈ છે, જે એક વર્ષ અગાઉ ૬૯.૨૭ અબજ ડૉલર હતી. આના કારણે એકંદરે વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ઘટીને ૨૦.૦૯ અબજ ડૉલર થઈ છે, જે અગાઉ ૨૫.૧૫ અબજ ડૉલર હતી.
વસ્તુઓની નિકાસ ૪૫.૦૬ ટકા વધીને ૪૯.૪૭ અબજ ડૉલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જ્યારે સર્વિસની નિકાસ ૪૦.૫૧ અબજ ડૉલર હોવાનો અંદાજ છે. જોકે આયાતમાં થયેલા વધારાને કારણે વસ્તુઓના વેપારની ખાધ વધીને ૩૯.૮૮ અબજ ડૉલર થઈ ગઈ છે, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલૉજી (IIT)-દિલ્હીએ જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડ્વાન્સ્ડ 2027 પરીક્ષા માટે અધિકૃત વેબસાઇટ શરૂ કરી છે. jeeadv.ac.in નામની આ વેબસાઇટ JEE એડ્વાન્સ્ડ 2027 દ્વારા પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે માહિતીના અધિકૃત સ્ત્રોત તરીકે કામ કરશે. IIT-દિલ્હીએ આ પોર્ટલ પર પરીક્ષામાં બેસવા માટેના પાત્રતા-માપદંડો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ પરીક્ષા 2027માં ૨૩ મેએ યોજાશે, જે દિવસે રવિવાર છે.
JEE એડ્વાન્સ્ડ 2027માં સામેલ થનારા ઉમેદવારોને પરીક્ષા દરમ્યાન ઑન-સ્ક્રીન બેઝિક કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ કૅલ્ક્યુલેટર નૉન-સાયન્ટિફિક હશે અને એમાં ૧૦થી ૧૨ અંકોનું ડિસ્પ્લે હશે. આ જાહેરાતમાં કૅલ્ક્યુલેટરની સુવિધાના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે, જ્યારે પરીક્ષા સંબંધિત અન્ય માહિતી માટે અધિકૃત વેબસાઇટ જોવાનું કહેવામાં આવ્યું છે.
ઑક્ટોબર મહિનાથી બજાર સ્થિર રહ્યું છે. સિટીમાં ૧૨,૬૯૦ મિલકતની નોંધણીઓ થઈ હતી જે વાર્ષિક ધોરણે ૯ ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરીથી ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે ૭ ટકાનો વધારો થઈને કુલ ૧,૩૨,૦૪૦ યુનિટ્સ નોંધાયા છે. રજિસ્ટ્રેશનમાં જોવા મળેલી આ સતત વૃદ્ધિ મકાનોની ડિમાન્ડ સૂચવે છે જેમાં તહેવારોની મોસમ દરમ્યાન પણ ઘર ખરીદનારાઓની સક્રિયતા જળવાઈ રહી છે.
શ્રાદ્ધથી લઈને નવરાત્રિ સુધી નોંધણી-પ્રક્રિયા સક્રિય રહી હતી. ૨૦૨૬માં શ્રાદ્ધ દરમ્યાન ૨૬ સપ્ટેમ્બરથી ૧૦ ઑક્ટોબર જે સમયગાળો પરંપરાગત રીતે મિલકત ખરીદવા માટે અશુભ માનવામાં આવે છે એમાં મુંબઈમાં ૩૪૧૯ પ્રૉપર્ટી રજિસ્ટર થઈ હતી. ત્યાર બાદ નવરાત્રિ દરમ્યાન ૧૧થી ૧૯ ઑક્ટોબર દરમ્યાન ૪૬૮૦ રજિસ્ટ્રેશન થયાં હતાં.
ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સના કારણે શહેરનો દેખાવ તો બગડે જ છે પણ સાથે-સાથે એના પડી જવાથી દુર્ઘટનાઓ પણ બનતી હોય છે જેને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મુંબઈમાં લગાવવામાં આવેલાં ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સ હટાવવાની કડક કાર્યવાહી ઑક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત ૮ ઑક્ટોબરથી ૧૨ નવેમ્બર દરમ્યાન આવાં ૧૨,૩૯૬ ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યાં હતાં અને નિયમોનું ઉલ્લંઘન કરવા વિરુદ્ધ ૧૫ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા.