JCAF દ્વારા મુંબઈના વિવિધ રેલવે સ્ટેશન પર બ્લડ ડોનેશન ડ્રાઇવનું સફળ આયોજન

28 May, 2022 06:45 PM IST  |  Mumbai | Karan Negandhi

કેમ્પ મારફતે કુલ ૮૬૨ બોટલ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું

તસવીર સૌજન્ય: JCAF

જૈન ઇન્ટરનેશનલ ઑર્ગનાઇઝેશન ઍન્ડ જૈન ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ફેડરેશન દ્વારા મુંબઈમાં બ્લડ ડોનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ૨૬ અને ૨૭ મેના રોજ જુદા-જુદા રેલવે સ્ટેશને કુલ ૯ કેમ યોજાયા હતા. સીએસટી, અંધેરી અને દાદર સ્ટેશન પર બે કેમ્પ તો ઘાટકોપર, ભાઇંદર અને વાશી રેલવે સ્ટેશન પર એક-એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મારફતે કુલ ૮૬૨ બોટલ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

આ વિશે સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું કે “અમારા JCAF સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે, અમે એક સાર્વજનિક આઉટરીચ પ્રોગ્રામ કરવા માગતા હતા. અમે અનિલ ગારે સાથે જોડાયા અને તેમણે આ શિબિરો માટે જરૂરી બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાની ખાતરી કરી. ગર્વની વાત છે કે આ મહત્ત્વપૂર્ણ અવસર પર અમે આ સપ્તાહમાં મુંબઈ સહિત પુણે, માલવા, ઔરંગાબાદમાં પણ રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે.”

સંસ્થા તરફથી ઉમેરવામાં આવ્યું કે “એક દાન ત્રણ જીવન બચાવી શકે છે. એક રક્તદાન વિવિધ રક્ત ઘટકો પ્રદાન કરે છે જે ત્રણ અલગ-અલગ લોકોને મદદ કરી શકે છે. લોહીનું ઉત્પાદન કરી શકાતું નથી. તબીબી અને તકનીકી પ્રગતિ હોવા છતાં, રક્ત બનાવી શકાતું નથી, તેથી દાન એ એકમાત્ર રસ્તો છે જેને આપણે લોહીની જરૂર હોય તેમને આપી શકીએ.”

સંસ્થા તરફથી ‘રક્તદાન કરવાનું એક કારણ - તે વિશ્વની કોઈપણ ફેક્ટરીમાં બની શકતું નથી, ચાલો એક જીવન બચાવીએ’ના નારા સાથે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં CA શાંતિલાલ કોચરની આગેવાની હેઠળ 35-40 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ટીમે મુંબઈની 9 કૉલેજના 20-25 NSS વિદ્યાર્થીઓ સાથે અથાક મહેનત કરી હતી અને મેડિકલ ટીમે આ ઈવેન્ટને ખૂબ જ સફળ બનાવી હતી.

જૈન ઇન્ટરનેશનલ ઑર્ગનાઇઝેશન ઍન્ડ જૈન ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ફેડરેશનના પીઆરઓ સીએ વિરાગ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું માનું છું કે આપવાનો ખુશી સાથે સીધો સંબંધ છે. સારા હેતુ માટે મદદ કરવી તમને આનંદ આપે છે. રક્તદાન એ ખૂબ જ ઉમદા કાર્ય છે. તે દાતા માટે પણ સારું છે. મેં ઘણી વખત રક્તદાન કર્યું છે. મને લાગ્યું કે આ ફેડરેશનના સક્રિય સભ્ય તરીકે મારે એક સારા હેતુમાં યોગદાન આપવાની જરૂર છે.”

ઉલ્લેખનીય છે કે આ કાર્યને ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાની પશ્ચિમ ભારત પ્રાદેશિક પાંખ, બેન્ક ઑફ બરોડા, બિકાજી, ડૉ. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ, ગોવિંદનગર ચેરિટેબલ ટ્રસ્ટ, ગિરધારીલાલ & ઊર્મિલા વૈદ્ય ઍન્ડ અ વેલવિશર, કોચર એસોશિએટ્સ, જે. કાલા & એસોશિએટ્સ અને સીએ પ્રદીપ આર. કાપડિયાએ સ્પોન્સર કર્યું હતું.

mumbai mumbai news