33 લાખથી વધુ જગ્યા ખાલી પડી પણ નોકરી મળી માત્ર 8 લાખને

22 April, 2019 11:52 AM IST  |  | જયેશ શાહ

33 લાખથી વધુ જગ્યા ખાલી પડી પણ નોકરી મળી માત્ર 8 લાખને

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા જનસંપર્ક નિર્દેશાલય તરફથી ૨૦૧૩થી ૨૦૧૯ માર્ચ સુધીમાં કયા વિભાગમાં કેટલી નોકરીનું સર્જન થયું છે અને રાજ્યમાં કેટલી બેરોજગારી વધી છે તેમ જ રાજ્ય સરકાર તરફથી રોજગારી વધારવા માટે કયાં પગલાં લેવામાં આવ્યાં છે એ સંબંધી જાણકારી ઍક્ટિવિસ્ટ શકીલ અહેમદ શેખે રાઇટ ટુ ઇન્ફર્મે‍શન (આરટીઆઇ) ઍક્ટ હેઠળ માગી હતી, એના જવાબમાં અપાયેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં જાન્યુઆરી ૨૦૧૩થી માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩૪,૨૩,૨૪૩ રિક્ત નોકરીમાંથી ફક્ત ૯,૩૭,૭૫૬ પદો પર નિયુક્તિ કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે અંદાજે ૩૪ લાખ નોકરી ખાલી હતી અને એમાંથી ૯ લાખથી થોડી વધુ જગ્યા ભરવામાં આવી તથા પચીસ લાખ જેટલા હોદ્દા ખાલી છે છતાં રાજ્યમાં રોજગારી માટે ૩૫,૨૩,૨૭૨ બેરોજગારોએ નોંધણી કરાવી છે.

જોકે ૨૦૧૪થી બીજેપી-શિવસેના યુતિ મહારાષ્ટ્રમાં સત્તા પર છે અને એ દરમ્યાન ૩૩,૦૪,૩૦૫ જાહેર કરાયેલાં ખાલી પદોમાંથી ફક્ત ૮,૨૩,૧૦૭ પદો પર નિયુક્તિ થઈ શકી છે. એ આંકડો સૂચવે છે કે સરકાર મોટા પ્રમાણમાં બેરોજગારોને નોકરી આપવાની તક ઊભી કરી શકી નથી.

આરટીઆઇ કાર્યકર શકીલ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે રાજ્યમાં રોજગાર વધારવા માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય રોજગાર મેળો, રોજગાર પ્રોત્સાહન કાર્યક્રમ, આદિવાસી ઉમેદવારોને પ્રશિક્ષિત કરવા તથા બીજી અનેક રાહત લઈને બેરોજગાર સેવા સહકારી સમિતિઓને આર્થિક રૂપે મજબૂત બનાવવા જેવા અનેક ઉપાય શરૂ કર્યા છે, પરંતુ ૨૦૧૪થી બીજેપી-શિવસેના યુતિ મહારાષ્ટ્રમાં સત્તા પર છે એ દરમ્યાન ૩૩,૦૪,૩૦૫ જાહેર કરાયેલાં ખાલી પદોમાંથી ફક્ત ૮,૨૩,૧૦૭ પદો પર નિયુક્તિ થઈ શકી છે. આ આંકડો સૂચવે છે કે સરકાર બેરોજગારોને નોકરી આપવા ગંભીર નથી.’

આ પણ વાંચો : બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતાં પહેલાં એની થાણે ખાડી પરની અસરનો અભ્યાસ કરવા આદેશ

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ શકીલ શેખનું કહેવું છે કે ‘૨૦૧૩થી માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩૫,૨૩,૨૭૨ લોકોએ બેરોજગાર લિસ્ટમાં નામ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે, પરંતુ યુતિ સરકારના કાર્યકાળ દરમ્યાન ૨૦૧૪થી ૨૦૧૯ સુધીમાં બેરોજગાર યુવાનોના રજિસ્ટ્રેશનની સંખ્યાને જોતાં નોકરીની તકો ઓછી મળી છે, જે દર્શાવે છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અને રાજ્યમાં નોકરી મેળવવી મુશ્કેલ છે.’

mumbai mumbai news