કૉલેજમાં ઍડ્મિશન અપાવવાના નામે ઠગનારો વિરારનો આરોપી

13 November, 2012 05:49 AM IST  | 

કૉલેજમાં ઍડ્મિશન અપાવવાના નામે ઠગનારો વિરારનો આરોપી



એમબીએ કરવા સારી કૉલેજમાં ઍડ્મિશન અપાવવાનું કહી સ્ટુડન્ટ્સને છેતરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાના આરોપસર વિરારનો જયેશ પીઠડિયા પોલીસના કબજામાં છે અને આ ગોરખધંધામાં તેને સાથ આપનાર પત્ની તૃપ્તિને પોલીસ શોધી રહી છે ત્યારે ‘મિડ-ડે’એ આ ગુજરાતી કપલનાં કારનામાં જાણવાની કોશિશ કરી છે. તેના આ ગોરખધંધામાં તેની વાઇફ પણ સાથ આપતી હોવાનું જાણવા મળ્યું છે એટલે સાંતાક્રુઝ પોલીસ હવે તેને શોધી રહી છે. લોકો સાથે જયેશે છેતરપિંડી કરી હોવાના એક નહીં, અનેક કેસ સામે આવી રહ્યા છે.

પતિ-પત્નીનો મનમેળ

વિરાર (વેસ્ટ)ના અગાસી રોડ પર આવેલા સુમન કૉમ્પ્લેક્સના પર્લ ચેમ્બર્સમાં સાળાના ફ્લૅટમાં છેલ્લાં પાંચેક વર્ષથી રહેતો અને દર મહિને અલગ-અલગ લક્ઝુરિયસ કાર તથા પૉશ રહેણીકરણી ધરાવતો જયેશ પીઠડિયા હંમેશાં મોટી-મોટી વાતો કરતો અને તેને જાણતા લોકોને મોટા-મોટા પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હોવાનું કહેતો. મીઠી જુબાન અને સ્ટાઇલિશ દેખાવને કારણે તે લોકોને ફસાવતો હતો. તેણે ફસાવવાનો પ્રયાસ કરનાર પરંતુ તેના કહેવામાં ન આવનાર એક યુવકે જયેશ વિશે કહ્યું હતું કે ‘તેણે માત્ર તેના બિલ્ડિંગવાળાઓને છોડીને કૉમ્પ્લેક્સના ઘણા લોકોને છેતર્યા છે. એક વ્યક્તિને તેણે બે ટકા કમિશન લઈને ન્યુ ઇન્ડિયા કૉ-ઑપરેટિવ બૅન્કમાંથી બે કરોડ રૂપિયાની લોન અપાવવાનું કહીને તેની પાસેથી ડૉક્યુમેન્ટ્સ લઈ લીધા હતા. ત્યાર બાદ એક કરોડ રૂપિયાનો બૅન્કનો ડ્રાફ્ટ આપીને એક કરોડ રૂપિયા પર બે લાખ રૂપિયાનું કમિશન પણ લઈ લીધું હતું. જ્યારે તે વ્યક્તિ બૅન્કમાં ડ્રાફ્ટ જમા કરાવવા ગઈ ત્યારે ખબર પડી કે ડ્રાફ્ટ બનાવટી હતો. એ માટે તેણે પોલીસ-ફરિયાદ પણ કરી હતી. તેના આવા ગોરખધંધાને કારણે તેના ઘરે અવારનવાર લેણદારો આવતા હતા અને તેમની વચ્ચે બોલાચાલી પણ થતી હતી. તેને આ બાબતે તેની વાઇફનો પણ સાથ મળતો હોવો જોઈએ, કારણ કે આવું અવારનવાર બનતું હતું, પરંતુ તેમની વચ્ચે ક્યારેય ઝઘડો નહોતો થતો. ઊલટું તૃપ્તિ જ્યારે કૉમ્પ્લેક્સમાં કોઈને મળતી ત્યારે તે પણ મોટી-મોટી વાતો કરતાં કહેતી કે અમારે તો પાઇપની ફૅક્ટરી છે, લોખંડવાલામાં ઘર છે વગેરે. એ ઉપરાંત દર મહિને અલગ-અલગ લક્ઝયુરિયસ કાર લેતો જયેશ દરરોજ તૃપ્તિને તેની પૉશ કારમાં સ્કૂલે મૂકવા જતો હતો. તૃપ્તિ વિરાર (વેસ્ટ)માં આવેલી મેટ્રિક્સ ઍકૅડેમી સ્કૂલના પ્લે ગ્રુપમાં ટીચરની જૉબ કરે છે.’

બૉલીવુડમાં ડ્રમર દીકરાનો મિજાજ

મચ્છુ પટેલ જ્ઞાતિના જયેશ પટેલના ફાધર પહેલાં અંધેરી રહેતા હતા અને તેમનો બે બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ હતો. તેમનો ધંધો હતો અને તેઓ સજ્જન હતા એમ તેમને જાણતી એક વ્યક્તિએ કહ્યું હતું. તેઓ થોડાં વર્ષોથી કાંદિવલી રહેવા આવ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. તૃપ્તિનાં માતા-પિતા બાંદરા રહે છે. મલાડમાં રહેતા એક સ્ટુડન્ટને જયેશે નવી મુંબઈની તેરણા કૉલેજમાં ઍડ્મિશન અપાવવાનું કહીને તેની પાસેથી ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ સ્ટુડન્ટના મધ્યમ વર્ગના પરિવારે દીકરાનું ભવિષ્ય ઉજ્જ્વળ બને એ માટે  વ્યાજે લાવીને કટકે-કટકે તેને રૂપિયા આપ્યા છે. તેઓ દર મહિને એનું હેવી વ્યાજ ચૂકવે છે. જયેશે તેમને પણ છેતર્યા છે. કૉલેજમાં જઈને આ બાબતે તેમણે તપાસ કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ કોઈ જયેશ પીઠડિયા નામની વ્યક્તિને ઓળખતા નથી. ત્યાર બાદ તેઓ જયેશને મળ્યાં અને રૂપિયા પાછા આપવા કહ્યું ત્યારે તે નામક્કર ગયો હતો. જોકે તૃપ્તિએ પછી તેમને કહ્યું હતું કે જયેશ તેમને થોડા વખતમાં રૂપિયા પાછા આપી દેશે. એ ફૅમિલી તેના વિરારના ઘરે પણ ગયું હતું અને કાંદિવલી (ઈસ્ટ)ના લોખંડવાલામાં જયેશની મમ્મી રહે છે ત્યાં પણ ગયું હતું. જોકે કાંદિવલીમાં તેમનું ભારે અપમાન કરવામાં આવ્યું હતું. જયેશનો દીકરો યશ જે બૉલીવુડ-સિંગર સુનિધિ ચૌહાણના ગ્રુપમાં ડ્રમર છે તેણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે ‘તમારે જે વ્યવહાર થયો છે એ મારા ફાધર જયેશ સાથે થયો છે. તમારે અહીં આવવાનું નહીં અને અમને પરેશાન કરવાનાં નહીં.’

એ પરિવારને તપાસ કરતાં જાણ થઈ હતી કે તેમને રૂપિયા પાછા આપવાનું કહેનારી તૃપ્તિએ તેમના રૂપિયા વ્યાજે ફેરવવા મૂકી દીધા છે. આ પરિવારે પણ પોલીસ-ફરિયાદ કરી છે.

કાંદિવલીમાં રહેતી એક યુવતીને એમબીએ કરવા સારી કૉલેજમાં ઍડ્મિશન અપાવવાનું કહી તેની પાસેથી પણ જયેશે ૩.૨૫ લાખ રૂપિયા પડાવ્યા છે. જોગેશ્વરીની એક હોટેલમાં થયેલા એ વ્યવહારને કારણે તેની ફરિયાદ આંબોલી પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે. 

એવું પણ સાંભળવા મળ્યું છે કે મુંબઈની એક વ્યક્તિને  મહાબળેશ્વરમાં જયેશે જમીન અપાવવાના બહાને એક કરોડ રૂપિયાની ડીલ કરીને છેતર્યો છે.

સાંતાક્રુઝ (ઈસ્ટ)માં રહેતા એક સ્ટુડન્ટ પાસે તેણે ઍડ્મિશન અપાવવાના બહાને ૭.૬૦ રૂપિયા પડાવ્યા હતા. એ સ્ટુડન્ટે કરેલી ફરિયાદના આધારે સાંતાક્રુઝ પોલીસે જયેશની ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી  

મારી દીકરી નિર્દોષ છે


બાંદરા (વેસ્ટ)ના નૂતનનગરમાં રહેતી તૃપ્તિની મમ્મીએ કહ્યું હતું કે ‘મારા જમાઈએ જે કર્યું હોય એ, પણ મારી દીકરી નિદોર્ષ છે. એમાં તેનું કોઈ ઇન્વૉલ્વમેન્ટ નથી. અત્યારે તે ક્યાં છે એની પણ અમને જાણ નથી. અમે દીકરીને લીધે બહુ ચિંતામાં છીએ. મારી દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી છે.’