મોડાં થશે રિઝલ્ટ્સ: કન્ફ્યુઝન નામે ઈવીએમ અને વીવીપીએટી

22 May, 2019 07:58 AM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

મોડાં થશે રિઝલ્ટ્સ: કન્ફ્યુઝન નામે ઈવીએમ અને વીવીપીએટી

વોટિંગ

લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને હવે પરિણામ આવવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજી પણ ઇવીએમ અને આ વખતની ચૂંટણીમાં સાથે મુકાયેલા વીવીપેટ મશીનને કારણે શંકાનાં અનેક વાદળો ઘેરાયાં છે. મતદાન પૂરું થયાની ગણતરીની મિનિટોમાં જ અનેક એજન્સી દ્વારા બહાર પડેલા એક્ઝિટ પોલને કારણે કોંગ્રેસ સહિત વિપક્ષના પેટમાં તેલ રેડાવાનું શરૂ થઇ ગયું હતું. કારણ કે બીજેપીની આગેવાની હેઠળની એનડીએ જ બહુમતી મળવાની છે એવું એક્ઝિટ પોલમાં જાણ્યા બાદ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પક્ષોએ ઇવીએમ મશીન પર શંકા ઉઠાવીને કાગારોળ મચાવવાની શરૂ કરી દીધી છે. આવતી કાલે મતગણતરી વખતે પણ વિપક્ષો ભારે બૂમરાણ મચાવશે અને ઇવીએમ સામે શંકા ઉઠાવશે એ નક્કી. આવી પરિસ્થિતિમાં અનેક સ્થળે તંગદિલી તો સર્જાશે પરંતુ સાથે-સાથે પરિણામો ઘણાં મોડાં થઈ શકે એવી શક્યતા છે.

ઇવીએમ અને વીવીપેટ મશીનને કારણે અનેક મૂંઝવણો ઊભી થઇ છે ત્યારે ગુરુવારે લોકસભાની ચૂંટણીનાં પરિણામો મોડાં પડી શકે એટલું તો નક્કી જ છે. ખુદ દિલ્હીના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર રણબીર સિંહે પણ કહ્યું છે કે વીવીપેટને કારણે મતગણતરીમાં થોડો વિલંબ થઇ શકે છે અને સામાન્ય કરતાં પાંચથી છ કલાક પરિણામ મોડાં આવવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં પડેલા મતની ગણતરી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર વોટર-વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ) મશીનમાં પડેલા મતની પણ ગણતરી કરવી પડશે. આને કારણે જ આ વખતનાં પરિણામ ધાર્યા કરતાં ઘણાં મોડાં આવવાની શક્યતા છે. પ્રા માહિતી અનુસાર સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ રાતના સાડાઅગિયાર સુધી પરિણામ આવી શકે છે. કદાચ અમુક ઠેકાણે પરિણામ બીજે દિવસે પણ આવવાની શક્યતા જણાય છે.

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં જ વિપક્ષે ફરી એક વાર ઇવીએમની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને ચાંદૌલીમાં બનેલી ઘટના બાદ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે સ્ટ્રોન્ગ રૂમને લઇને ઉમેદવારોએ જે સવાલો ઊભા કર્યા છે એને ઉકેલી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે દરેક કાઉન્ટિંગ સેન્ટર પર ઇવીએમ અને વીવીપેટને રાજકીય પક્ષો સમક્ષ વિડિયોગ્રાફી કરીને સુરક્ષિત રખાયાં છે. એને એવી જગ્યાએ રખાયાં છે જ્યાં સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષામાં સીપીએએફના જવાનોને તહેનાત કરાયા છે. ઉમેદવારોને પણ સ્ટ્રોન્ગ-રૂમમાં જવાની પરવાનગી અપાઇ છે ત્યારે ચૂંટણી પચ પર ઇવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવીને આરોપ લગાવવા એ નિરાધાર છે. ગાઝીપુર અને ચાંદોલીમાં ઇવીએમ સુરક્ષા વિના રાખવામાં આવ્યા હોવાથી મોટા પાયે ગોલમાલ થવાની ધાસ્તી વિપક્ષોએ વ્યક્ત કરી હતી.

દરમ્યાન લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના કાર્યકરોને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : મુંબઈ: ફાંસીના અપરાધીઓ પર સૌથી વધુ મહેરબાન પ્રતિભા પાટીલ

વીવીપેટની ગણતરી થશે છેલ્લે

ગુરુવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થનારી મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ અને ત્યાર બાદ ઇવીએમ અને સૌથી છેલ્લે વીવીપેટના મતની ગણતરી કરવામાં આવશે. થાણેના જિલ્લાધિકારી રાજેશ નાર્વેકરે જણાવ્યું હતું કે ૪૫ મિનિટનો એક રાઉન્ડ ઇવીએમનો, જ્યારે વીવીપેટના મત ગણવા માટે એક કલાકનો સમય જશે. એક વિધાનસભા મતદારસંઘમાં ૧૪ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. મીરા-ભાઇંદર અને મુરબાડ ખાતે ૪૫૦ મતદાનકેન્દ્રો છે, જ્યારે અમુક ઠેકાણે ૨૮૦ મતદાન કેન્દ્રો છે. તે અનુસાર ત્યાંની મતગણતરી કરતાં ઘણો સમય નીકળી જશે. થાણે અને ભિવંડી ખાતે મતગણતરી કરતાં ૧૩થી ૧૫ કલાકનો સમય થઇ જશે.

Lok Sabha Election 2019 mumbai mumbai news