પરીક્ષાની ચિંંતાના લીધે સીલિન્ક પરથી CSના વિદ્યાર્થીએ ઝંપલાવ્યાની શક્યત

14 July, 2019 11:03 AM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

પરીક્ષાની ચિંંતાના લીધે સીલિન્ક પરથી CSના વિદ્યાર્થીએ ઝંપલાવ્યાની શક્યત

પરીક્ષાની ચિંતાથી કરી આત્મહત્યા!

શુક્રવારે બાંદરા-વરલી સી લિન્ક પરથી મોતની છલાંગ મારનારા બાવીસ વર્ષના પાર્થ શાહે પરીક્ષાના ટેન્શનને કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા તેના કચ્છથી મુંબઈ આવી પહોંચેલા પિતાએ વ્યક્ત કરી છે. ભણવામાં હોશિયાર અને શાંત સ્વભાવનો પાર્થ આ સિવાય કોઈ કારણ વિના આ રીતે જીવન ટૂંકાવી ન નાખે.
પાર્થના મૃત્યુના સમાચાર મળ્યા બાદ મુંબઈ આવી પહોંચેલા તેના પિતા નરેન્દ્ર શાહે પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલા નિવેદન અનુસાર પાર્થ પરીક્ષા પહેલાંની રજાઓમાં મે મહિનામાં કચ્છ આવ્યો હતો. એક મહિનો રોકાયા બાદ તે ચોથી જૂને પરીક્ષા હોવાથી પહેલી જૂને પાછો મુંબઈ ગયો હતો. અમને લાગે છે કે પાર્થે કદાચ પરીક્ષાનું ટેન્શન વધુપડતું લઈ લીધું હશે.
સીએસનો કોર્સ કરવા કચ્છથી મુંબઈ આવેલા પાર્થ શાહે આત્મહત્યા શા માટે કરી એનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. બે મહિના પહેલાં જ રજાઓના દિવસોમાં પોતાના વતન કચ્છ ગયેલા પાર્થે પિતાને પરીક્ષાનું થોડું ટેન્શન હોવાની વાત કરી હતી.
પાર્થ શાહે શુક્રવારે બપોરે બાંદરા-વરલી સી લિન્ક પરથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું. લાંબી શોધખોળ બાદ મોડી સાંજે પાર્થનો મૃતદેહ બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પાસે મળ્યો હતો. પાર્થના મૃતદેહને ભાભા હૉસ્ટિપટલમાં
લઈ જવાયો હતો અને ત્યાર બાદ નાયર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
કચ્છથી ભણવા આવેલા પાર્થે આત્મહત્યા કરી એને કારણે પરિવારજનો અને સગાંસંબંધીઓ, મિત્રો તથા સમાજને ઘેરો આઘાત લાગ્યો છે. બપોરે સાડાત્રણ વાગ્યે તમામ કાનૂની વિધિ પતાવ્યા બાદ પાર્થનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પાર્થની અંતિમયાત્રા શનિવારે તેમના પરિવારજનો અને સભાંસંબંધીઓની હાજરીમાં નાયર હૉસ્પિટલથી મોડી સાંજે નીકળી હતી અને વરલીની સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
 બે દિવસથી ઉદાસ હતો, પણ ટેન્શનની ખબર ન પડી
સીએસનું ભણવા આવેલો અને મુલુંડના મીઠાનગર રોડ પર આવેલી કચ્છી માહેશ્વરી સમાજની હૉસ્ટેલમાં છેલ્લાં ત્રણ વર્ષથી રહેતો પાર્થ છેલ્લા બે-ત્રણ દિવસથી અપસેટ હતો. હૉસ્ટેલમાં સીએનું ભણતા પાર્થના માસિયાઈ ભાઈ ઋષિક શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાર્થ ક્યારેય કોઈને પોતાની અંગત વાત કરતો નહીં. તે હંમેશાં ગુમસુમ જ રહેતો હતો. ગુરુવારે મારો બર્થ-ડે હતો ત્યારે અમે બધા કઝિન્સ થાણેના વિવિયાના મૉલમાં પાર્ટી મનાવવા ગયા ત્યારે પણ તેનો ચહેરો થોડો પડેલો હતો. અમે તેને પૂછ્યું કે શું થયું છે ભાઈ, આટલો ઉદાસ કેમ છે? ત્યારે તેણે કોઈ જવાબ નહોતો આપ્યો.’ 
માતા-પિતાને આઘાત ન લાગે એ માટે જાણ નહોતી કરી
દીકરાએ આત્મહત્યા કરી હોવાની વાત કચ્છમાં રહેતાં તેનાં માતા-પિતાને કરવામાં નહોતી આવી. તેમને આઘાત ન લાગે એ માટે પાર્થનાં માતા-પિતા નરેન્દ્રભાઈ અને માયાબહેનને એ વાતથી અજાણ રાખવામાં આવ્યાં હોવાનું તેમના એક સંબંધીએ જણાવ્યું હતું. પાર્થની તબિયત લથડી હોવાનું અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જ માતા-પિતા અને બહેન પાયલને કહ્યું હતું. શુક્રવારે સાંજે કચ્છથી રવાના થયેલો પાર્થના પરિવારજનો શનિવારે બપોરે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં અાવી હતી. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા અને બહેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં.

પાર્થ મારે ત્યાં દોઢ વર્ષથી કામ કરતો હતો
પાર્થ જે સીએ ફર્મમાં કામ કરતો હતો એ વિશાલ કરવા અન્ડ અસોસિયેટ્સના વિશાલ કરવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું પાર્થના પરિચયમાં છેલ્લા દોઢેક વર્ષથી હતો. હું હુબલી રહું છું, પણ મારા કૉર્પોરેટ્સ ક્લાયન્ટ્સ મુંબઈના છે એટલે મારે વારંવાર મુંબઈ આવવાનું થાય છે. પાર્થ મારે ત્યાં દોઢેક વર્ષથી કામ કરતો હતો. હમણાં બે દિવસ પહેલાં જ એક પ્રોજેક્ટ પર મેં તેને કામ સોંપ્યું હતું. મારી સાથેની વાતચીતમાં તો કોઈ પણ રીતે તે ડિપ્રેશનમાં હોય એવું મને જણાયું નહોતું. જોકે તેના દુખદ સમાચાર સાંભળતાં જ હું તાબડતોબ મુંબઈ દોડી આવ્યો હતો.’
ખૂબ જ શાંત સ્વભાવનો હતો
મુલુંડમાં કચ્છી માહેશ્વરી સમાજની હૉસ્ટેલમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા કિરીટ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્થ એકદમ શાંત સ્વભાવનો હતો. તે ક્યારેય કોઈની સાથે વધારે વાતચીત કરતો નહોતો. તે હૉસ્ટેલના નિયમોનું બરાબર પાલન કરતો હતો. તેના શાંત સ્વભાવને કારણે અમે ક્યારેય તેની વધારે પૂછપરછ કરતા નહોતા. પાર્થે જીવન ટૂંકાવવાનો ફેંસલો કર્યો હોવાનું જાણીને અમને નવાઈ લાગી રહી છે.’

mumbai kutch gujarat