મહારાષ્ટ્ર સિક્યૉ‌રિટી ફોર્સના જવાને ટ્રૅક પર કૂદકો મારીને બચાવ્યો જીવ

07 July, 2019 09:43 AM IST  |  મુંબઈ

મહારાષ્ટ્ર સિક્યૉ‌રિટી ફોર્સના જવાને ટ્રૅક પર કૂદકો મારીને બચાવ્યો જીવ

મહારાષ્ટ્ર સિક્યૉ‌રિટી ફોર્સના જવાને ટ્રૅક પર કૂદકો મારીને બચાવ્યો જીવ

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને શુક્રવારે સાંજે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર એક વૃદ્ધને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (એમએસએફ)ના બે બહાદુર જવાનોએ બચાવી લીધો હતો. સાયનમાં રહેતા ૬૪ વર્ષના વામન ગોવિંદ કાંબળેએ ઘરના કંકાસથી કંટેળીને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે મોટરમૅને દાખવેલી સમયસૂચકતા અને એમએસએફના જવાનોએ દાખવેલી બહાદુરીને કારણે વામન કાંબળેનો જીવ બચી ગયો હતો. મનોજ અશોક ધોડકે અને રવીન્દ્ર આર. વિસે નામના કૉન્સ્ટેબલો રેલવે પોલીસ ફોર્સ સાથે જોડાયેલા છે.

મુંબઈ સેન્ટ્રલ લોકલના આરપીએફના સિનિયર ઇન્સ્પેક્ટર કે. પી. સિંગે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સાયનમાં રહેતા ૬૪ વર્ષના એક વૃદ્ધે શુક્રવારે સાંજે ૫.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી ઊતરી ટ્રેનની નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટેશને તહેનાત અશોક અને મનોજે તાત્કાલિક ટ્રૅક પર કૂદીને વૃદ્ધને બચાવી લીધો હતો. જોકે ટ્રેનના મોટરમૅને સમયસૂચકતા વાપરીને ટ્રેનને અમુક અંતર પહેલાં જ રોકી હતી. પારિવારિક પ્રૉબ્લેમને કારણે તેમણે આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.’ જોકે પરિવારમાં નીચાજોણું ન થાય એ માટે નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે એવું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મુંબઈ મરિન ડ્રાઈવ પાસે સમુદ્રમાં 2 લોકો ડૂબ્યા, સર્ચ ઓપરેશન ચાલું

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ છે અને વિડિયો-ક્લિપમાં સ્પષ્ટ દેખાય છે કે સફેદ કપડાં પહેરેલા વામન કાંબળે જીવન ટૂંકાવવા માટે પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પરથી વિરાર જતી ટ્રેન નીચે ઝંપલાવવા નીચે ઊતર્યા હતા. ટ્રેન અમુક મીટરના અંતરે હતી ત્યારે મનોજ અને અશોકે ટ્રૅક પર કૂદીને વૃદ્ધને બચાવી લીધા હતા. જોકે એ દરમ્યાન બે નંબરના પ્લૅટફૉર્મ પર ચર્ચગેટ તરફ જતી ટ્રેનના મોટરમૅન લક્ષ્મણ સિંગ મીના અને ગાર્ડ યોગેન્દ્ર પ્રસાદે સમયસૂચકતા વાપરીને ટ્રેનને અટકાવી હતી. કાંબળેને પાટા પરથી પ્લૅટફૉર્મ પર લાવ્યા બાદ જીઆરપીના હવાલે કરવામાં આવ્યા હતા અને સમજાવ્યા બાદ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા.

mumbai mumbai news