મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા બાબતે જયંત પાટીલે ફેરવી તોળ્યું

22 January, 2021 11:50 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા બાબતે જયંત પાટીલે ફેરવી તોળ્યું

મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા બાબતે જયંત પાટીલે ફેરવી તોળ્યું

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને જળ સંપદા પ્રધાન જયંત પાટીલે હાલમાં ઇસ્લામપુરમાં એક સ્થાનિક ચૅનલ સાથે વાત કરતાં તેમણે મુખ્ય પ્રધાન બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી, પણ હવે એ વાત ચર્ચાના ચગડોળે ચડતાં જયંત પાટીલે ફેરવી તોળ્યું છે અને કહ્યું છે કે મારી વાતને ચૅનલે અલગ રીતે રજૂ કરી છે.
જયંત પાટીલે આ સંદર્ભે ખુલાસો કરતાં કહ્યું છે કે ‘મને એમ પૂછવામાં આવ્યું હતું કે શું તમને મુખ્ય પ્રધાન બનવાનું ગમશે? એના જવાબમાં મેં કહ્યું હતું કે હું અનેક વર્ષોથી કાર્યરત છું. આજે અમારું સંખ્યાબળ નથી. અમારા અંતિમ નિર્ણય પવારસાહેબ લેતા હોય છે. રાજકીય જીવનમાં સર્વોચ્ચ પદ મેળવવું એ દરેકની ઇચ્છા હોય છે અને એથી મેં પણ મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોયું છે.’
જોકે હવે મજા એ વાતની છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે જયંત પાટીલસાહેબે જે ઇચ્છા વ્યક્ત કરી છે એનું હું સમર્થન કરું છું.
જોકે રાજકીય નિરીક્ષકોના મતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવાની લાઇનમાં તેમનો નંબર બહુ પાછળ છે. તેમની આગળ અજિત પવાર, સુપ્રિયા સુળે, છગન ભૂજબળ, દિલીપ વળસે પાટીલ, એકનાથ ખડસે, નવાબ મલિક એમ અનેક જણ ઊભા છે.

mumbai news mumbai