મશ્કરીનો બદલો મોત, ઍરફોર્સના જવાનનું મોતનું તાંડવ

28 May, 2014 03:43 AM IST  | 

મશ્કરીનો બદલો મોત, ઍરફોર્સના જવાનનું મોતનું તાંડવ




સૌરભ વક્તાણિયા

ઇન્ડિયન ઍરફોર્સના એક હતાશ સિક્યૉરિટી ગાર્ડે તેની ગેરહાજરીમાં મશ્કરી અને પજવણી કરતા બે સાથી ગાર્ડને ગઈ કાલે પરોઢિયે ઊંઘતા હતા ત્યારે ગોળીઓથી વીંધી નાખ્યા હતા. સાંતાક્રુઝ (ઈસ્ટ)ના પટેલનગરમાં આવેલા ઍરફોર્સ સ્ટેશને ઑન ડ્યુટી સાથી ગાર્ડ્સની હત્યા કર્યા બાદ તે નાસી ગયો હતો, પરંતુ ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પકડાઈ ગયો હતો અને તેને નર્મિલનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

મૃત્યુ પામેલા ગાર્ડ્સનાં નામ બાવન વર્ષનો એચ. આર. સિંહ અને ૫૩ વર્ષનો સોમદત્ત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ૪૯ વર્ષનો આરોપી રોહિતાસ યાદવ ઍરફોર્સના ડિફેન્સ સિક્યૉરિટી કૉર્ઝ યુનિટમાં છેલ્લાં કેટલાંક વર્ષથી કામ કરતો હતો. આ યુનિટમાં લશ્કરમાંથી નિવૃત્ત થનારા જવાનોને વિવિધ મિલિટરી સ્ટેશનોએ સિક્યૉરિટી ગાર્ડ્સ તરીકે કામે રાખવામાં આવે છે.

કાયમી પજવણીથી પરેશાન

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રોહિતાસ તેના સાથીઓ અને ઑફિસરોથી નારાજ અને હતાશ રહેતો હતો. નર્મિલનગર પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘તેણે જેમને મોતને ઘાટ ઉતાર્યા તે બન્ને સાથી ગાર્ડ્સ હંમેશાં તેની મશ્કરી કરતા રહેતા. હંમેશાં તેઓ ગ્રુપમાં તેની હાંસી ઉડાવતા અને બધાની હાજરીમાં તેને ઉતારી પાડતા હતા.’

તેની દિવસની શિફ્ટમાં ડ્યુટી હોવા છતાં પરાણે નાઇટ-ડ્યુટી પણ કરાવતા. પોલીસના જણાવ્યા પ્રમાણે એ બન્ને ગાર્ડે તેમના ઑફિસર સમક્ષ આરોપી વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ કરી હતી. જોકે જ્યારે રોહિતાસે સામે ફરિયાદ કરી ત્યારે અધિકારીએ કોઈ જ પગલાં લીધાં નહોતાં. આવાં બધાં કારણોસર તે પરેશાન હતો. આ તમામ ગાર્ડ સાયનની મેસમાં રહેતા હતા.

રાત્રે શું બન્યું?

સોમવારે રાત્રે ડ્યુટી વખતે આ બન્ને ગાર્ડ ટીવી જોતા હતા ત્યારે આરોપી ગાર્ડે તેમને કામ પર જવાનું કહેતાં બન્ને ગાર્ડે તેને ગાળો આપીને ચૂપ રહેવાનું કહ્યું હતું અને ઉત્તર પ્રદેશના આ ગાર્ડનો પિત્તો ગયો હતો. તેણે પોતાના રોજિંદા અપમાનનો બદલો લેવાનું મનમાં નક્કી કર્યું હતું. સોમવારે મધરાત બાદ બે વાગ્યે તેણે પોતાની સેલ્ફ-લોડેડ રાઇફલ ઉઠાવીને તેના સાથી ગાર્ડ સૂતા હતા એ રૂમમાં જઈને ધનાધન ગોળીબાર કર્યો હતો અને તેમને ઢાળી દીધા હતા.

બાજુની રૂમમાં પણ ગોળીબાર કર્યો

ત્યાંથી તે બાજુની રૂમમાં ગયો હતો અને ત્યાં પણ ગોળીબાર કર્યો હતો, પરંતુ એ પહેલાં જ ગોળીબાર સાંભળીને સાબદા થઈ રહેલા આ રૂમના બે ગાર્ડ સી. બી. થાપા અને ભીમસિંહ બચી ગયા હતા. છતાં થાપાને કમરથી ઉપરના ભાગમાં અને ભીમસિંહને પગમાં ગોળી વાગી હતી. હાલમાં આ બન્ને ઈજાગ્રસ્ત ગાર્ડ્સ કોલાબામાં નેવીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ રૂમમાં હાજર ત્રીજો ગાર્ડ વીરેન્દ્ર સિંહ બારણા પાછળ છુપાઈ ગયો હતો અને તેને કોઈ જ ઈજા થઈ નહોતી. જોકે કાળદૂત બનીને બેફામપણે ગોળીબાર કરી રહેલા આ ગાર્ડને સિંહે કાંઠલેથી ઝાલ્યો હતો અને તેની રાઇફલ હાથમાંથી નીચે પડી ગઈ હતી.

પોલીસના હાથમાં કેવી રીતે આવ્યો?

રાઇફલ પડી ગયા બાદ આ ગાર્ડ કૅમ્પસ છોડીને નાસી ગયો હતો અને યુનિફૉર્મ પહેરેલો હોવાથી તેને કોઈએ રોક્યો નહોતો. તેણે કૅમ્પસની બહાર નીકળીને રિક્ષા પકડી હતી અને બોરીવલી તરફ જઈ રહ્યો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા એટલે ગોરેગામ રોકાવું પડ્યું હતું. વનરાઈ પોલીસ સ્ટેશનના એક બીટ-માર્શલને તે શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસ-સ્ટેશન લઈ ગયો હતો અને તેણે પોલીસ સામે આખી ઘટના વર્ણવી હતી. મૃત્યુ પામેલા બન્ને ગાર્ડ્સ હરિયાણાના હતા અને ઍરફોર્સે આ મામલે તપાસ શરૂ કરી છે.