યુવા સેનાની પ્રથમ ઍનિવર્સરીની ઉજવણીમાં જલેબીબાઈ અને શીલા કી જવાની

19 October, 2011 09:06 PM IST  | 

યુવા સેનાની પ્રથમ ઍનિવર્સરીની ઉજવણીમાં જલેબીબાઈ અને શીલા કી જવાની

શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને શિવસેનાના સંસદસભ્ય મનોહર જોશી, યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે, વિધાનસભ્ય દિવાકર રાવતે અને મુંબઈનાં મેયર શ્રદ્ધા જાધવ જેવા અગ્રણી નેતાઓ હાજર હતા. હિન્દી અને મરાઠી ગીતો પર સ્ટેજ પર પર્ફોર્મ કરવામાં આવતું હતું ત્યારે શિવસેનાના યુવા સમર્થકોથી પૅક ઑડિટોરિયમમાં ચિચિયારીઓ પાડવામાં આવી રહી હતી. યુવાનો પક્ષના નેતાઓનો જયકાર કરતા હતા અને ગીતો પર નાચી રહ્યા હતા. શિવસેનાસુપ્રીમો વચ્ચે-વચ્ચે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સમર્થકોને સંબોધતા હતા. તેમણે યુવાનોને અખબારો વાંચવાની અને દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓથી વાકેફ રહેવાની સલાહ આપી હતી.

તેમણે કેન્દ્રની યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારની ભ્રષ્ટાચાર અને દેશમાં બેરોજગારીના મુદ્દે ઝાટકણી કાઢી હતી. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે યુવા સેના હંમેશાં યુવાનો અને ખાસ કરીને કૉલેજના વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ કરવામાં અગ્રેસર રહેશે.

યુવા સેના રાજકારણમાં પોતાની છાપ છોડશે : આદિત્ય ઠાકરે

યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ગઈ કાલે એવી ટિપ્પણી કરી હતી કે ‘હું કાયદાનો અભ્યાસ કરી રહ્યો છું. રાજકારણમાં કાયદાનું ઘણું મહત્વ છે. કયો કાયદો બનાવવો અને કયા કાયદાનું ઉલ્લંઘન કરવું એની માહિતી આમાંથી મળશે.’

આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘જો યુવા શબ્દને ઊંધો કરવામાં આવે તો એનો અર્થ વાયુ થાય છે અને એ હવે વંટોળમાં રૂપાંતરિત થઈ રહ્યો છે. પક્ષ મહારાષ્ટ્રમાં સારું કામ કરી રહ્યો છે, રાજસ્થાનમાં પણ સારું કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં કાશ્મીરમાં પોતાનું કામ શરૂ કરશે જે ભારત દેશનો એક ભાગ છે.’

રામલીલા મેદાનની પોતાની મુલાકાત વિશે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં શિવસૈનિકો એનો વિરોધ કરશે.