આર્થિક મુશ્કેલીમાં આવેલા કુલી અને બુટ-પૉલિશવાળાઓને જૈનો આપશે અનાજ

15 January, 2021 11:45 AM IST  |  Mumbai | Mumbai correspondent

આર્થિક મુશ્કેલીમાં આવેલા કુલી અને બુટ-પૉલિશવાળાઓને જૈનો આપશે અનાજ

પ્રતીકાત્મક તસવીર

કોવિડની મહામારી અને લૉકડાઉનને કારણે દરેક વ્યક્તિઓ આર્થિક મુસીબતનો સામનો કરી રહી છે. આમાંથી ટ્રેનો બંધ હોવાથી કે ઓછી દોડતી હોવાથી રેલવે-સ્ટેશનો પર કામ કરી રહેલા કુલીઓ અને બુટ-પૉલિશ કરતા સેંકડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. યુવા હૃદયસમ્રાટ જૈનાચાર્ય શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા સ્થાપિત જૈન અલર્ટ ગ્રુપ–ભાયખલા અને એની સંલગ્ન શાખાઓએ આવતી કાલથી કુલીઓ અને બુટ-પૉલિશ કરતા મુંબઈના ૮૦૦થી વધુ લોકોમાં ૩૦ કિલો અનાજ વિતરણ કરવાનું બીડું ઝડપ્યું છે.
આ બાબતે માહિતી આપતાં જૈન અલર્ટ ગ્રુપ – ભાયખલાના મુખિયા જિનેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યં કે ‘એક દિવસ ભાયખલા સ્ટેશન પર ગયેલા અમારા કાર્યકરોને નજરમાં રેલવેના મુસાફરોનો માલ-સામાન ટ્રેનમાં લેવા-મૂકવાનું કામ કરતા કુલીઓ અને સ્ટેશનો પર બુટ-પૉલિશ કરનારાઓ કોવિડ મહામારી અને લૉકડાઉનને કારણે ભયંકર આર્થિક સંકટમાં આવી ગયા છે. ત્યાર પછી અમે આ બાબતની તપાસ બૉમ્બે સેન્ટ્રલ પર જઈને કરી હતી. ત્યાં રજિસ્ટર્ડ કુલીઓ અને બુટ-પૉલિશવાળાઓ સાથે વાતચીત કર્યા પછી અમને રેલવેના અધિકારીઓએ પણ તેમની આર્થિક વ્યથા જણાવી હતી. એ જ દિવસે અમે કરુણાના ભાવ સાથે આવા લોકોની વહારે આવવાનો નિર્ણય લીધો હતો.
અમે આવતી કાલથી મુંબઈથી વિરાર અને કલ્યાણ સુધીમાં કાર્યરત ૮૦૦થી વધુ રજિસ્ટર્ડ કુલીઓ અને બૂટ-પૉલિશવાળાઓમાં જઈને ૩૦ કિલો અનાજ વિતરણ કરીશું એમ જણાવતાં જિનેશ દોશીએ કહ્યું કે, ‘અમને મુંબઈ વિભાગના ડિવિઝનલ રેલવે મૅનેજરો પાસેથી મળેલા ડેટા પ્રમાણે અમારી ૧૬ શાખાના કાર્યકરોની અલગ-અલગ ટીમ બનાવી દીધી છે. તેઓ છત્રપતિ શિવાજી ટર્મિનસથી કલ્યાણ સુધી અને ચર્ચગેટથી વિરાર સુધીનાં બધાં જ સ્ટેશનોએ જઈને ત્યાંના સ્ટેશન-મૅનેજરની હાજરીમાં અનાજ વિતરણ કરશે. આવતી કાલથી શરૂ થતા અમારા અનાજ-વિતરણમાં અમારા અંદાજ પ્રમાણે અમને ૪૫ દિવસ લાગશે.

mumbai mumbai news