સરકારના માંસાહારના સર્વે સામે જૈનોએ ચડાવી બાંયો

21 May, 2022 07:46 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈન સમાજના અગ્રણીઓ અને સાધુભગવંતોએ રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના આંકડા સિદ્ધ કરવાનો અથવા તો એને પાછો ખેંચવાનો પડકાર ગવર્નમેન્ટને ફેંક્યો

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના જાહેર થયેલા અહેવાલ પ્રમાણે આપણા દેશમાં છેલ્લાં છ વર્ષમાં માંસાહાર કરનારા લોકોના પ્રમાણમાં વધારો થયો છે. આ સર્વેક્ષણ દેશના ૭૦૭ જિલ્લાના ૧૫થી ૪૯ વર્ષની વયના ૬.૧૦ લાખ નાગરિકો પાસેથી મેળવેલી માહિતીના આધારે કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે જે મુજબ જૈન ધર્મમાં ૧૪.૯ ટકા પુરુષો અને ૪.૩ ટકા મહિલાઓ તેમના ભોજનમાં માંસાહારનો ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના જાહેર થયેલા આ આંકડાઓથી જૈન સમાજમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે. જૈન સમાજના અગ્રણીઓ અને સાધુભગવંતો દ્વારા આ સર્વેક્ષણને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું છે. 
આ આંકડાવારી પ્રમાણે માંસાહાર ખોરાકનો ઉપયોગ કરતા જૈન પુરુષોની ૨૦૧૫-’૧૬માં સંખ્યા ૩.૫ ટકા હતી જે વધીને ૨૦૧૯-’૨૧માં ૧૪.૯ ટકાએ પહોંચી હતી. એની સામે મહિલાઓની સંખ્યા ૨૦૧૫-’૧૬માં ૮.૬ ટકા હતી જે ઘટીને ૨૦૧૯-’૨૧માં ૪.૩ ટકાએ પહોંચી હતી.  
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના આંકડા બાબતે જૈન સમાજના સાધુ અને અગ્રણીઓએ એને સાવ જ તથ્યહીન અને ખોટું હોવાનું જણાવ્યું હતું. 
જૈન સમાજ પર જૂઠા આરોપ
સુનીલ મોહનલાલ ચોપડા
સમન્વયક, સકલ જૈન સંગઠન, નાશિક-મહારાષ્ટ્ર
કેન્દ્ર સરકારના આ સર્વેક્ષણ અહેવાલનો અને એના નિષ્કર્ષનો અમે જાહેરમાં નિષેધ કરીએ છીએ. અમે ખુલ્લેઆમ આહવાન કરીએ છીએ કે આ જૈન સમાજને બદનામ કરવાનો પ્રયાસ છે. આનાથી જૈન સમાજની ભાવનાઓ દુભાઈ છે. એથી અમે માગણી કરીએ છીએ કે જૈન સમાજના પ્રતિનિધિઓ સમક્ષ તમારા આંકડા સિદ્ધ કરીને બતાવો. નહીંતર તમે કરેલા દાવાનો પાછો ખેંચી લો.

આ સર્વેક્ષણ સ્વીકાર્ય નથી
મુનિ  ભુવનહર્ષવિજયજી 
મીરા રોડ - ભાઈંદર
આ સર્વેક્ષણ ભૂલભરેલું લાગે છે. યુવાનીના જોશમાં કે જમાનાવાદની હોડમાં કોઈએ એકાદ વાર ભૂલ કરી હોય તો તેને કાયમ એવો ન ઠેરવી શકાય. આ સર્વેક્ષણનાં સંપૂર્ણ તથ્યો બહાર આવવાં જોઈએ. કયા પ્રશ્નોના આધારે સર્વે થયો? કયા વિસ્તારોમાંથી થયો? કયા  માધ્યમથી થયો? સર્વેક્ષણ સમયે જૈન પ્રતિનિધિઓ હાજર હતા કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબો પારદર્શકતા સાથે બહાર આવવા જોઈએ. જૈન સંઘોએ આ સર્વેક્ષણને એકઅવાજે  વખોડી નાખવું જોઈએ. પ્રવર સમિતિ અને જૈન સમાજની અગ્રણી સંસ્થાઓએ આનો વિરોધ કરવો જોઈએ. આ સમયે આંતરિક ભેદભાવોને ભૂલી જવા જોઈએ. જૈન શાસન પર થતાં આવાં બાહ્ય આક્રમણોનો મક્કમતાથી પ્રતિકાર થવો જોઈએ. જૈન સમાજની અગ્રણી સંસ્થાઓની શાહમૃગ નીતિથી શાસનને ઘણું નુકસાન વેઠવું પડે છે. 

સર્વેક્ષણ પૂર્વગ્રહથી ગ્રસિત છે
ઘેવરચંદ જૈન
ટ્રસ્ટી, શેઠ મોતીશા રિલિજિયસ ઍૅન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ, ભાયખલા
કેન્દ્ર સરકારનો જૈનોમાં માંસાહાર બાબતનો સર્વે સત્યથી પર છે. આ સર્વે કરનાર જૈનો પ્રત્યે પૂર્વગ્રહથી ગ્રસિત છે. અમે એનો નિષેધ કરીએ છીએ. જે જૈનો જીવદયા માટે કરો યા મરો માટે તૈયાર હોય. સૂક્ષ્મ જીવોની હત્યા ન થાય એ માટે પાણી ગાળીને વાપરે, કીડીથી લઈને ગાય, બળદ, કૂતરાને બચાવવા માટે પાંજરાપોળ બનાવે અને કરોડો રૂપિયાનું દાન કરે એવા જૈનોમાં માંસાહાર વધ્યો છે એવો સર્વેનો રિપોર્ટ કહતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવો છે. અમારા જૈનોનું પેટ કોઈ કબ્રસ્તાન નથી કે ત્યાં અમે મરેલા જીવોનું ભક્ષણ કરીએ.

સરકાર પાસે જૈનોની સાચી વસ્તીના આંકડા છે?
અતુલ વ્રજલાલ શાહ (દાઢી)
ટ્રસ્ટી, શ્રી વર્ધમાન પરિવાર, કાંદિવલી-ઈસ્ટ
આ સર્વેનો અમે સ્વીકાર કરતા નથી. સરકારના સેન્સસ પ્રમાણે ૪૪ લાખ જૈનોની વસ્તી છે. એના આધારે તેમણે આ ટકાવારી કાઢી હોય એમ દેખાય છે. ફક્ત મુંબઈમાં જ લાખો જૈનો છે તો આખા ભારતમાં કેટલા હશે એ સમજી શકાય એમ છે. જૈનોની સાચી વસ્તીનો સરકારના રૅકોર્ડ પર આંકડો જ નથી. ગુજરાતની છ કરોડની વસ્તીમાં તમે ફક્ત ચારથી પાંચ ટકા જૈનોની વસ્તી ગણો તો પણ ૩૦ લાખ જૈનો થઈ જાય. તેમણે ક્યાં અને કયા વિસ્તારોમાં સર્વે કર્યો છે એ પણ મહત્ત્વનું છે. મુંબઈમાં તેમને ૦૦૦૦૧ ટકા જૈનો પણ માંસાહારી મળશે નહીં. આજના યુવાવર્ગમાં એટલી જાગૃતિ છે કે તેઓ કંદમૂળનો પણ ત્યાગ કરે છે તો માંસાહારનો તે સવાલ જ ઉપસ્થિતિ થતો નથી. સરકાર માંસાહારને કેમ સબસિડી આપે છે? પાંજરાપોળોને સબસિડીની જરૂર છે ત્યાં મળતી નથી. સરકાર જ જાહેરાતના માધ્યમથી માંસાહારનો પ્રચાર કરે છે. આ વખતે વસ્તીગણતરીમાં ધર્મની કૉલમ જ કાઢી નાખવામાં આવી છે તો જૈનોની સાચી વસ્તી કેવી રીતે ખબર પડશે? અમે આ સર્વેને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. આ સર્વે જૈન ધર્મને બદનામ કરવાની ચાલ હોય એ પ્રતીત થાય છે.

સર્વેક્ષણનો અહેવાલ તથ્યહીન છે
ભરત જૈન
શ્રાવક, ભિવંડી
જે સમાજ વિશ્વમાં સંસ્કારોમાં સૌથી આગળ છે, જે સમાજમાં મોટા ભાગના મારવાડીઓ અને ગુજરાતીઓ છે, જે સમાજમાં પાણીના જીવોની પણ જયણા કરવામાં આવે છે, જે ધર્મમાં કીડી જેવા સૂક્ષ્મ જીવને બચાવવા માટે લોકો સક્રિય રહે છે, જેના ભગવાન સર્વે જીવોને અભયદાન દેનારા છે, જૈન શાસ્ત્રોમાં જીવવિચાર અને કર્મસિદ્ધાંત જેવાં અદ્ભુત અકલ્પનીય સાહિત્યો છે એવા સમાજ માટે તથ્યહીન અને મરણાંત આક્ષેપો કરતા સર્વેનો અહેવાલ પ્રસિદ્ધ કરતાં પહેલાં સરકારે વિચારવાની જરૂર હતી. 
બૉક્સ
સર્વેક્ષણમાં બીજું શું છે?
આ સર્વેક્ષણ પ્રમાણે આપણા દેશમાં ૨૦૧૫-’૧૬માં ૭૮.૪ ટકા પુરુષો દરરોજ કે સાપ્તાહિક કે ક્યારેક-ક્યારેક ખોરાકમાં માંસાહાર ખાતા હતા, જે આંકડો વધીને ૨૦૧૯-’૨૧માં ૮૩.૪ ટકાએ પહોંચ્યો છે; જ્યારે પહેલાં મહિલાઓ ૭૦ ટકા માંસાહાર ખોરાક ખાતી હતી, જે વધીને આ આંકડો ૭૦.૬ ટકાએ પહોંચ્યો છે. સાપ્તાહિક માંસ ખાનારાઓના પ્રમાણમાં પણ વધારો થયો છે. ૨૦૧૫-’૧૬માં નોંધાયેલા આંકડા મુજબ ૪૮.૯ ટકા પુરુષો અને ૪૨.૮ ટકા મહિલાઓ હતી જે વધીને હવે ૫૭.૩ ટકા પુરુષો અને ૪૫.૧ ટકા મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર માછલી, ચિકન અથવા માંસ ખાતાં હોવાનું તાજેતરના સર્વેક્ષણમાં નોંધાયું છે. 
આરોગ્ય વિભાગે ધાર્મિક જૂથો પ્રમાણે આંકડા રજૂ કર્યા હતા. એમાં માંસાહારનું સૌથી વધુ પ્રમાણ ક્રિશ્ચિયનોમાં જોવા મળ્યું હતું. ક્રિશ્ચિયન પુરુષો અને મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત માંસાહારી ખોરાકનો સૌથી વધુ વપરાશ કરે છે. આ કમ્યુનિટીમાં ૧૫થી ૪૯ વર્ષની વયનાં ૮૦ ટકા પુરુષો અને ૭૮ ટકા મહિલાઓ માંસાહાર ખોરાક લે છે. એની સામે હિન્દુ પુરુષો ૫૨.૫ ટકા અને મહિલાઓ ૪૦.૭ ટકા, મુસ્લિમ પુરુષો ૭૯.૫ ટકા અને મહિલાઓ ૭૦.૨ ટકા, સિખ પુરુષો ૧૯.૫ ટકા અને મહિલાઓ ૭.૯ ટકા, બૌદ્ધ/નિયો-બૌદ્ધ પુરુષો ૭૪.૧ ટકા અને મહિલાઓ ૬૨.૨ ટકા જ્યારે જૈન પુરુષો ૧૪.૯ ટકા અને મહિલાઓ ૪.૩ ટકા માંસાહાર ખોરાકનો ઉપયોગ કરે છે. 

કા અને મહિલાઓ ૪.૩ ટકા માંસાહાર ખોરાકનો ઉપયોગ કરે છે. 

mumbai news mumbai