જૈનો જબરદસ્ત અસમંજસમાં

25 January, 2021 08:14 AM IST  |  Mumbai | Alpa Nirmal

જૈનો જબરદસ્ત અસમંજસમાં

પાલિતાણા

છેલ્લા ત્રણ દિવસથી જૈનોમાં તેમના પાવન યાત્રાધામ પાલિતાણામાં આદેશ્વર ભગવાનની પૂજા-અર્ચના પહેલાંની જેમ ફરી કરવા મળશે કે નહીં એને લઈને જબરદસ્ત કન્ફ્યુઝન ચાલી રહ્યું છે અને એનું કારણ છે વાઇરલ થયેલા બે પત્રો. પહેલો પત્ર સ્થાનિક કલેક્ટર-ઑફિસે ૨૨ જાન્યુઆરીએ શ્રી પાલિતાણા સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને મોકલ્યો છે એ અને બીજો પત્ર એ જ દિવસે શ્રી સંઘ જોગના માથાળા સાથે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ બહાર પાડ્યો એ.

સ્થાનિક કલેક્ટર અને જિલ્લા મૅજિસ્ટ્રેટ કચેરી તરફથી અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટની સહી સાથે શ્રી પાલિતાણા સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને જે પત્ર મોકલવામાં આવ્યો છે એમાં સરકારે વખતોવખત કોવિડ-19ના અનુસંધાનમાં બહાર પાડેલી માર્ગદર્શિકાનો રેફરન્સ આપીને લખવામાં આવ્યું છે કે ‘સરકારશ્રીની ઉક્ત માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવાની શરતે સંદર્ભપત્રથી કરેલી માગણી અનુસાર સેવાપૂજા કરવામાં આવે તો અત્રેને હરકત સરખું નથી, જે જાણ થવા વિનંતી.’

કલેક્ટર-ઑફિસનો આ પત્ર એવો વાઇરલ થયો કે બધાને થયું કે સરકારે

પૂજા-અર્ચના કરવા માટેની પરવાનગી આપી દીધી છે અને ૨૬ જાન્યુઆરીની રજાને લીધે લૉન્ગ વીક-એન્ડ હોવાથી અમુક જૈનો જબરદસ્ત અસમંજસમાં.

શ્રાવકોએ તો ત્વરિત આદેશ્વરદાદાની પૂજા-અર્ચના કરવાનું નક્કી પણ કરી લીધું, પરંતુ લેટરનું ખોટું અર્થઘટન થયું હોવાથી પેઢી તરફથી તરત જ શ્રી સંઘ જોગના મથાળા હેઠળ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે ‘અમે ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન, ભાવનગરના કલેક્ટર તથા જૂનાગઢના કલેક્ટરને શ્રી શત્રુંજય ગિરિરાજ તથા શ્રી ગિરનારજી પર્વતાધિરાજ પરનાં જિનાલયોમાં પરમાત્માની પૂજા કરવા માટેની મંજૂરી માગતો પત્ર લખ્યો હતો જેના જવાબમાં કલેક્ટર-ઑફિસે માર્ગદર્શિકાને આધીન જેમાં મૂર્તિને અડવાનું વર્જ્ય છે એ રીતે પરવાગની આપતો પત્ર પેઢીને આપેલો, પરંતુ રાજ્ય સરકારે હજી સુધી પરવાનગી આપી નથી માટે પેઢીએ આ જાહેરાત કરી નહોતી. ટૂંક સમયમાં માર્ગદર્શિકાને આધીન સરકારશ્રી મૂર્તિપૂજાની મંજૂરી આપે કે તરત જ અનુશાસન જળવાય એવી સાવધાનીના નિયમોને આધીન પેઢી યોગ્ય જાહેરાત કરશે માટે અત્યારે પૂજા શરૂ કરી શકાય નહીં.’

સરકારની જે માર્ગદર્શિકા છે એ મુજબ મૂર્તિને સ્પર્શ કરવાની અત્યારે પરવાનગી નથી. જોકે શ્રાવકોનું કહેવું છે કે આખો દેશ ખૂલી ગયો છે. બધાં મંદિર શરૂ થઈ ગયાં છે તો અમને પૂજાની પરવાનગી કેમ આપવામાં નથી આવતી. એટલું જ નહીં, વાઇરલ થયેલા કલેક્ટર-ઑફિસના લેટરના આધારે મોટી સંખ્યામાં લોકો એવું માની રહ્યા છે કે સરકારે પરવાનગી આપી દીધી છે તો પછી પેઢી અમને કેમ રોકી રહી છે?

એ સંદર્ભે પાલિતાણા સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ ભાવેશ બી. શેઠ ‘મિડ-ડે’ને કહે છે, ‘બધું જ ખૂલી રહ્યું છે, પરિસ્થિતિ થાળે પડી રહી છે છતાં પેઢીના ઉદાસીન વલણને કારણે પર્વત પરનાં જિનાલયોમાં પૂજા સંબંધે કોઈ નિર્ણય નહોતા લેવાઈ રહ્યા એથી અમે ૨૨ જાન્યુઆરીએ ભાવનગરના કલેક્ટરશ્રીને આદેશ્વર ભગવાનની પૂજા શરૂ કરવા બાબતે અરજી કરી હતી અને રૂબરૂ મળવા ગયા હતા. કલેક્ટરે અમારી રજૂઆત સાંભળી, સરકારના નિયમોની મર્યાદામાં રહીને પૂજા શરૂ કરવાની મૌખિક અને લેખિત પરવાનગી આપી હતી અને એ જ પત્ર સોશ્યલ મીડિયામાં બહુ ફર્યો હતો.’

જોકે આ કાર્યવાહી કરતાં પૂર્વે પાલિતાણા સમસ્ત શ્વે. મૂ. જૈન સંઘ અને સ્થાનિકે રહેલા સાધુ મહારાજસાહેબે શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ સાથે આ બાબતે અનેક વખત વાત કરી હતી અને તેઓએ ૧૪ જાન્યુઆરી સુધીમાં આ વિષય પર ઘટતું કરવાની બાંયધરી પણ આપી હતી, પરંતુ એના અઠવાડિયા બાદ પણ પેઢી તરફથી કોઈ પગલાં ન લેવાતાં પાલિતાણાના સ્થાનિક સંઘે કલેક્ટરને અરજી કરી હોવાનું સંઘના કાર્યકર અજય શેઠે કહ્યું હતું.

આના સંદર્ભમાં આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી સંવેગ લાલભાઈનો તેમની બાજુ જાણવા માટે સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, પણ તેમના ફોનમાં રિંગ જ વાગતી હતી. ‘મિડ-ડે’એ તેમને ટેક્સ્ટ મેસેજ મોકલાવ્યા હતા, પણ એનો ઉત્તર નહોતો મળ્યો. ત્યાર બાદ પેઢીના બીજા એક ટ્રસ્ટી શ્રીપાલભાઈ રસિકલાલને ફોન કર્યો હતો, પરંતુ તેઓ એક સોશ્યલ ફંક્શનમાં હોવાથી ‘મિડ-ડે’ સાથે વાત કરવા અસમર્થ હતા. ત્યાર બાદ તેમને પણ ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો, પણ એનો ઉત્તર નહોતો મળ્યો.

mumbai mumbai news alpa nirmal