જૈન ઉપાશ્રયને પાર્ટી હૉલમાં ફેરવી દેવાથી સમાજમાં રોષ

11 December, 2012 07:34 AM IST  | 

જૈન ઉપાશ્રયને પાર્ટી હૉલમાં ફેરવી દેવાથી સમાજમાં રોષ





ઉપાશ્રયમાં ધમાલ : હૉલમાં ડીજે પાર્ટી દરમ્યાન ઉપયોગમાં લેવાયેલાં લાઉડસ્પીકર અને ઉડાવવામાં આવેલી નોટો (ઉપર). હવે ઉપાશ્રયને તાળું મારી દેવામાં આવ્યું છે. તસવીરો : હનીફ પટેલ



(પ્રીતિ ખુમાણ)

નાલાસોપારા, તા.૧૧

નાલાસોપારા (ઈસ્ટ)ના આચોલે રોડ પર આવેલા સ્થાનકવાસી ઝાલાવાડ સમાજના ઉપાશ્રયના સામાજિક કામકાજ માટેના વિવિધલક્ષી હૉલમાં બીજા સમાજના યંગસ્ટરો દ્વારા ડીજે પાર્ટી કરવામાં આવતાં રોષે ભરાયેલા ઝાલાવાડ પાર્ક પરિસરના લોકોએ પાર્ટી બંધ કરાવીને યંગસ્ટરોને બહાર કાઢી મૂક્યા હતા અને ઉપાશ્રયને તાળું મારીને બંધ કરી દીધું હતું. અહીં રહેતા સમાજના લોકોની માગણી છે કે જ્યાં સુધી ઉપાશ્રય વિશે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉપાશ્રયનું તાળું ખોલવામાં નહીં આવે.

શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા મુંબઈ-૨ દ્વારા સંચાલિત બે માળનું શ્રી નંદલાલ તારાચંદ વોરા જૈન ઉપાશ્રય છેલ્લાં લગભગ આઠ વર્ષથી ઝાલાવાડ પાર્કમાં છે. ગ્રાઉન્ડ ફ્લોર સમાજના સાધુ-સંતો માટે અને ઉપરના બે માળ સમાજના લોકોને વિવિધ પ્રસંગો માટે આપવામાં આવે છે. શનિવારે બીજા સમાજના યંગસ્ટરોએ ઉપાશ્રયના પહેલા માળે સાંજે પાંચેક વાગ્યાથી પાર્ટી શરૂ કરી હતી. લાઉડસ્પીકરનો જોર-જોરથી અવાજ આવતાં પરિસરમાં રહેતી સમાજની ૬૦થી ૭૦ વ્યક્તિઓ હૉલ પાસે ભેગી થઈ હતી. તેમણે વૉચમૅનને બોલાવીને દરવાજો ખોલાવ્યો ત્યારે ત્યાં મોટાં લાઉડસ્પીકર વગાડીને પાર્ટી ચાલી રહી હતી. યંગસ્ટરો સૉફ્ટ ડ્રિન્ક પી રહ્યા હતા તેમ જ લાઉડસ્પીકરની આસપાસ નોટો પડેલી જોવા મળતાં સમાજના લોકો રોષે ભરાયા હતા. તેમણે તરત જ બધા યંગસ્ટરોને બહાર કાઢી મૂકીને ઉપાશ્રયને તાળું મારી દીધું હતું અને તરત જ ટ્રસ્ટીઓને આ વિશે જાણ કરી હતી. હવે સમાજના લોકોની માગણી છે કે જ્યાં સુધી ટ્રસ્ટીઓ અહીં આવીને આ ઉપાશ્રય વિશે કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી તાળું ખોલવામાં નહીં આવે.

સમાજના લોકોનું શું કહેવું છે?


ઝાલાવાડ પાર્કમાં રહેતા સમાજના ગિરીશ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉપાશ્રયમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને અમારો ધર્મ પરવાનગી નથી આપતો. મુંબઈમાં ઘણાં ઉપાશ્રય છે, પણ ક્યાંય હૉલને બીજા કોઈ પણ સમાજના લોકોને આપવામાં આવતો નથી અને કોઈ વખત હૉલમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં નથી આવતો. શનિવારથી અમારા ઉપાશ્રયનો હૉલ એક બ્રાહ્મણ સમાજની વ્યક્તિને લગ્નપ્રસંગે ૩ દિવસ માટે ભાડે આપવામાં આવ્યો હતો એથી યંગસ્ટરોએ હૉલમાં પાર્ટી કરી હતી. આ ઘટના શરમજનક છે. અમે ઉપાશ્રયને તાળું મારી દીધું છે.’

રવિ મહેતાએ ‘મિડ-ડે’ને આ બાબતે કહ્યું હતું કે ‘આ પરિસરમાં અમારા સમાજના ૨૦૦થી વધુ ફ્લૅટ છે. ઉપાશ્રયનું સંચાલન કરનારાઓને હૉલ ભાડે આપવાની ના પાડી છે છતાં આવી પ્રવૃત્તિ થતી હોવાથી અમે કંટાળીને આવું પગલું ભર્યું છે. હવે જ્યાં સુધી મુંબઈના ટ્રસ્ટીઓ અહીં આવીને અમારી સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી અમે ઉપાશ્રયને ખોલીશું નહીં.’

બાળકો માટેની પાર્ટી


જેને હૉલ ભાડે આપવામાં આવેલો એ કિશોર દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરાનાં લગ્ન હતાં એથી શનિવારથી અમે હૉલ ભાડે લીધો હતો. અમારું ઘર નાનું હોવાથી મહેમાનોને રાખવા માટે જગ્યા ન હોવાથી અમારે હૉલ લેવો જરૂરી હતો એથી અમે આ હૉલ ૩ દિવસ માટે લીધો હતો. લગ્ન હોવાથી શનિવારે અમે હૉલમાં બાળકો માટે પાર્ટી રાખી હતી એટલે બાળકો હૉલમાં નાચી રહ્યાં હતાં. અમે હૉલ લેતાં પહેલાં ખાતરી કરાવી હતી કે અમે હૉલમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકીએ છીએ. પાર્ટીમાં ફક્ત યંગસ્ટરો જ હતા એથી અમને ખબર પડી કે સમાજના લોકો ત્યાં આવીને ધમાલ કરી રહ્યા છે એટલે અમે વડીલો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. અમને ખબર હોત કે આ સમાજના હૉલમાં લાઉડસ્પીકર વગાડી ન શકાય તો અમે ક્યારેય વગાડ્યું જ નહોત.’

નાલાસોપારાના ટ્રસ્ટી અને ઉપાશ્રયનું સંચાલન કરતા દિલીપ શાહનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ઉપાશ્રય અને વિવિધલક્ષી હૉલ બન્ને જુદાં છે. આટલું કહીને દિલીપ શાહે કહ્યું હતું કે રૂબરૂ મળીને જે વાત કરવી હોય એ કરો અને ત્યાર બાદ તેમણે ફોન કાપી નાખ્યો હતો.

ડીજે = ડિસ્ક જૉકી