બાળદીક્ષા વિશેની બનાવટનો ભાંડો સ્વયં એક મહારાજસાહેબે જ ફોડ્યો

16 November, 2011 06:52 AM IST  | 

બાળદીક્ષા વિશેની બનાવટનો ભાંડો સ્વયં એક મહારાજસાહેબે જ ફોડ્યો



(રોહિત પરીખ)

મુંબઈ, તા. ૧૬

કેન્દ્ર સરકારના વિમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલયે જૈન સમાજમાં થતી બાળદીક્ષાની તરફેણ કરતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે એવી જાહેરાત કરીને એ નોટિફિકેશનની કૉપીઓ જૂન ૨૦૦૯માં જાહેરમાં વહેંચીને અમુક વ્યકિતઓએ જૈન સમાજને ગુમરાહ કરવાનું કલંકિત કામ કર્યું છે. આવું કોઈ જ નોટિફિકેશન બહાર પાડ્યું ન હોવાની કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટ હેઠળ કબૂલાત કરી હોવા છતાં લાગતીવળગતી વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કાનૂની પગલાં લેવામાં નથી આવ્યાં એટલું જ નહીં, એ વ્યક્તિઓ સામે એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ) નોંધવામાં પણ પોલીસ ઢીલાશ કરતી હોવાથી હવે આ આખા બનાવની તપાસ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ કરવી જોઈએ.

જૈન સમાજમાં ખળભળાટ મચાવી શકે એવી આ માગણી ખુદ એક જૈન સંત ગણિવર્ય શ્રી ભુવનરત્નવિજયજી મહારાજસાહેબે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર. આર. પાટીલ પાસે લેખિતમાં કરી છે, જેની કૉપી ‘મિડ-ડે’ પાસે છે.

આ નોટિફિકેશનની વહેંચણી મુંબઈના વી. પી. રોડ પોલીસ-સ્ટેશનની હદમાં થઈ હતી એટલે ત્યાં તથા એનું પ્રકાશન અમદાવાદમાં થયું હતું એવી ખબર પડતાં ત્યાંના કાળુપુર પોલીસ-સ્ટેશનમાં પણ મહારાજસાહેબે ફરિયાદ કરી છે, પણ એનાથી કંઈ વળ્યું નથી એટલે તેઓ સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છે.

ગણિવર્ય શ્રી ભુવનરત્નવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને આપેલી મુલાકાતમાં આ આખી ઘટના વિશે વિગતવાર વાત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના શેઠ મોતીશા લાલબાગ જૈન ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપાશ્રયમાં ૨૦૦૯ની ૭ જૂને અતિઉત્સાહમાં આવીને આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં એવા બનાવટી નોટિફિકેશનની કૉપીઓ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકારના વિમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલયે લખ્યું છે કે બાળદીક્ષાના કેસને જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ ૨૦૦૦ લાગુ ન કરી શકાય. જૈન સમાજની આ ઉજવણીની મુંબઈનાં અનેક નામાંકિત વર્તમાનપત્રોએ નોંધ પણ લીધી હતી. ત્યારે કોઈને જ ખબર નહોતી કે જેના આધાર પર જૈન સમાજ ઉજવણી કરી રહ્યો છે એ નોટિફિકેશન તો બનાવટી છે, પરંતુ આ નોટિફિકેશન બાબતની તપાસ કરતાં મને આરટીઆઇમાંથી જાણવા મળ્યું હતું કે સરકાર તરફથી આવું કોઈ જ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું, જેના આધાર પર મુંબઈના વી. પી. રોડ અને અમદાવાદના કાળુપુર પોલીસ-સ્ટેશનમાં અનેક વાર લેખિત ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી જૈન સમાજને ગુમરાહ કરતું નોટિફિકેશન ક્યાંથી અને કોણે બહાર પાડ્યું એની તપાસમાં ખૂબ જ ઢીલ ચાલી રહી હોવાથી આખરે મેં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર. આર. પાટીલને આ તપાસ સીબીઆઇને સોંપવાનો અનુરોધ કર્યો છે.’

 

 

આમાં મારો કોઈ જૈન સમુદાય, સાધુ કે ટ્રસ્ટીઓને બદનામ કરવાનો ઇરાદો નથી એમ જણાવતાં ગણિવર્ય શ્રી ભુવનરત્નવિજયજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘જે કોઈ વ્યક્તિએ બનાવટી નોટિફિકેશનનો આશરો લઈને અમારા જૈન સમાજને ગુમરાહ અને કલંકિત કર્યો છે એ હું કોઈ કાળે સહન નહીં કરી શકું. આ જ કારણે છેલ્લાં બે વર્ષથી હું મુંબઈ અને અમદાવાદ પોલીસને બનાવટી નોટિફિકેશન બનાવનાર, બનાવીને અમારા ટ્રસ્ટીઓને અને સાધુઓને આપનાર અને તેના દ્વારા સંપૂર્ણ જૈન સમાજને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિની તપાસ થવી જ જોઈએ એવી માગણી કરી રહ્યો છું. આ વ્યક્તિએ કોના કહેવાથી આ કાર્ય કર્યું અને એનાથી કોને ફાયદો થઈ રહ્યો છે એની તપાસ કરી આ વ્યક્તિ કે વ્યક્તિઓને પોલીસે જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ જેથી જૈનોના ઇતિહાસમાં ફરીથી ક્યારેય આવી કલંકિત ઘટનાનું પુનરાવર્તન ન થાય. બાળદીક્ષાઓ થવી જોઈએ, પરંતુ એના માટે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજોનો આશરો લેવો જોઈએ નહીં. આ જ વાત મેં વી. પી. રોડના સિનિયર ઇન્સ્પેક્ટર ઑફ પોલીસને અને પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓને લખીને જણાવી છે. આમ છતાં તેમના તરફથી કોઈ જ પગલાં લેવામાં ન આવતાં આખરે મેં આ માટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવે એમ આર. આર. પાટીલને અને સીબીઆઇની મુંબઈ ઑફિસને લેખિતમાં જણાવ્યું છે.’

જેના હેઠળ વી. પી. રોડ પોલીસ-સ્ટેશન આવે છે એ ઝોન-૨ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અનિલ ડી. કુંભારેએ આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને થોડા સમય પહેલાં જૈન ગુરુ ભુવનરત્નવિજયજી મહારાજસાહેબ તરફથી બનાવટી ગૅઝેટની હકીકતમાં તપાસ કરવાનો પત્ર મળ્યો હતો, જે મેં વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટરને મોકલી આપ્યો છે. એની વધુ માહિતી તમને ત્યાંથી જ મળશે.’

જૈન ગુરુ ભુવનરત્નવિજ્યજી મહારાજસાહેબ તરફથી અમને અનેક ફરિયાદો મળી છે એમ જણાવીને વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવ્ાાણે બનાવટી ગૅઝેટ પ્રકરણના સંદર્ભમાં પોલીસ-તપાસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ બાબતની સંપૂર્ણ તપાસ પછી અમને જાણવા મળ્યું છે કે મુંબઈના શેઠ મોતીશા લાલબાગ જૈન ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપાશ્રયમાં ૨૦૦૯ની ૭ જૂને બાળદીક્ષા વિશેના કોઈ પણ જાતના ગૅઝેટની વહેંચણી થઈ નથી. અહીં ફક્ત બાળદીક્ષાના પ્રશ્ને એક સભા યોજવામાં આવી હતી. ત્યાં ભુવનરત્નવિજયજી મહારાજસાહેબની ફરિયાદ પ્રમાણે કોઈ જ સરકારી ગૅઝેટની વહેંચણી થઈ હોવાનું અમારી તપાસમાં જાણવા નથી મળ્યું. અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું છે કે બાળદીક્ષા વિશે જે સરકારી ગૅઝેટની જૈન ગુરુ ભુવનરત્નવિજયજી તેમની ફરિયાદમાં વાત કરે છે એ ગૅઝેટ સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચાર, જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછિયાની પોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧થી પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. એના માટે અમે ૨૭ ઑક્ટોબરે ત્યાંના ડેપ્યુટી પોલીસ-કમિશનરને આમાં વધુ તપાસ કરી સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચાર પર પગલાં લેવા જણાવ્યું છે. આ બાબત કોર્ટમાં હોવાથી એમાં આનાથી વધુ સ્પષ્ટતા હું આપી શકું નહીં.’

વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવ્ાાણની વાતનો ઇન્કાર કરતાં સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચારના તંત્રી ડૉક્ટર રમેશ વોરાએ અમદાવાદથી ફોન પર વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં આવું કોઈ જ ગૅઝેટ નથી છપાયું. અમે ફક્ત મુંબઈથી મળેલા ગૅઝેટ માટેના સમાચાર અને ગૅઝેટની મળેલી કૉપીને ન્યુઝ તરીકે પ્રસિદ્ધ કરી હતી અને આ માટેની જવાબદારી મુંબઈમાં બેઠેલા એક ભાઈએ તેમના માથે લઈ પણ લીધી છે. તેમણે અમને બાળદીક્ષાના મુદ્દે જૈન શાસનનો જ્વલંત વિજય એવા સમાચાર અને ગૅઝેટની કૉપી મોકલી હતી, જેને અમે પ્રસિદ્ધ કરી હતી (બાળદીક્ષાના મુદ્દે જૈન શાસનનો જ્વલંત વિજયના સમાચાર સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચારના ૧૬-૦૮-૨૦૦૯ના રોજ અંક ૧૬માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતીમાં ગૅઝેટની કૉપી પણ છાપવામાં આવી હતી). આનાથી વિશેષ હું કંઈ જ જાણતો નથી.’

બાળદીક્ષા તો કૉન્ટ્રૅક્ટથી બંધાયેલા બાળક કરતાં પણ વધુ ખરાબ : બૉમ્બે હાઈ ર્કોટ

બાળદીક્ષા લેનારની હાલત કૉન્ટ્રૅક્ટથી બંધાયેલા બાળક કરતાં પણ વધારે દયનીય છે એમ બૉમ્બે હાઈ ર્કોટે ૧૫ વર્ષની એક જૈન બાળકીની દીક્ષાના કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું. હાઈ ર્કોટમાં આ પિટિશન મધ્ય પ્રદેશના અશોક બાગરીચાએ કરી હતી. તેમની પુત્રી પ્રિયલે ૨૦૦૪માં મલાડમાં ૮ વર્ષની ઉંમરે બાળદીક્ષા લીધી હતી. અશોક બાગરીચા અને વિવિધ જૈન ટ્રસ્ટોની એવી દલીલ હતી કે આ તેમની વર્ષોજૂની પરંપરા છે એથી એમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબ્લ્યુસી)એ દખલ દેવી નહીં. આ તરફ ર્કોટના આદેશને અનુસરતાં સીડબ્લ્યુસીએ દીક્ષા લીધેલી બાળકીની મુલાકાત પણ લીધી હતી, જેમાં એણે બાળદીક્ષા લેનાર પ્રિયલ કોઈની શિખામણ મુજબ બોલતી હોવાનું જણાવી તેને કોઈની કાળજીની તાત્કાલિક જરૂર હોવાનો રર્પિોટ આપ્યો હતો. મલાડના શ્રી જીવતલાલ ચંદ્રભાણ કોઠારી જૈન સંઘે બાળદીક્ષા લીધેલી સાધ્વી પ્રીતવર્ષાશ્રીજીના આ રર્પિોટને હાઈ ર્કોટમાં પડકાર્યો હતો. જૈન સંઘના વકીલ રુઇ રૉડ્રિગ્સે કહ્યું હતું કે જૈન ધર્મની પ્રથા અનુસાર આપવામાં આવતી બાળદીક્ષા, બાળસાધ્વી, બાળસંન્યાસી કે બાળસાધુ જુવેનાઇલ જસ્ટિસ અમેન્ડમેન્ટ ઍક્ટ-૨૦૦૬ હેઠળ નથી આવતાં. જસ્ટિસ પી. બી. મઝુમદારે કહ્યુંં હતું કે ૧૦૦ વર્ષ પહેલાંના કાયદા મુજબ સગીર વયનાં બાળકો સાથે કરેલો કોઈ પણ કરાર રદબાતલ થવાને પાત્ર છે; જ્યારે જૈન ધર્મ પ્રમાણે બાળદીક્ષા પામેલાં સાધુ કે સાધ્વીની હાલત તો એથી પણ ખરાબ છે, કારણ કે આ કૉન્ટ્રૅક્ટ તો બાળક ઇચ્છે તો પણ તોડી નથી શકતું. ર્કોટે વધુમાં કહ્યું હતું કે આ પ્રથા કદાચ વખાણવાલાયક હોઈ શકે, પરંતુ ત્રણથી ચાર વર્ષની વયનાં બાળકો આવી ધાર્મિક પ્રતિજ્ઞા માટે નાસમજ છે તેમ જ બાળકોને આવી દીક્ષા અપાવવાની કોઈ કુટુંબમાં પ્રથા તો નથી ચાલતી એની પણ તકેદારી રાખવી જોઈએ. ર્કોટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બાળકોના હકની ચિંતા કરવી ર્કોટની ફરજ છે, પછી ભલેને કોઈ સંપ્રદાય પોતાની એ પ્રથાને યોગ્ય ઠરાવતો હોય.