મુલુંડની સાસુઓ અને વહુઓને જૈન સંતે શું શિખામણો આપી?

27 September, 2011 08:22 PM IST  | 

મુલુંડની સાસુઓ અને વહુઓને જૈન સંતે શું શિખામણો આપી?

 

રવિવારે સવારે મુલુંડના તાંબેનગર વિસ્તારમાં આવેલા શ્રી શાસનસમમ્રાટ જૈન સંઘમાં પરમ પૂજ્ય
આચાર્યદેવ શ્રીમદ્ અજિતશેખરસૂરિ મહારાજસાહેબ અને તેમને સાંભળવા ભેગા થયેલા લોકો. તસ્વીરો: દત્તા કુંભાર


તમને તમારા દીકરા પર મોહ છે કે મમતા? મારું ઇચ્છેલું બધું થાય એ મોહ અને હું જેને ચાહું છું તેને ગમતું થાય એ મમતા.


આ શબ્દો છે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય અજિતશેખરસૂરિ મહારાજસાહેબના...

મુલુંડ-વેસ્ટના તાંબેનગર વિસ્તારમાં શ્રી શાસનસમમ્રાટ જૈન સંઘમાં આયોજિત દસ-રવિવારીય શિબિરમાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ યોજાયેલી શિબિરનો ટૉપિક હતો ‘સંબંધો સાસુ-વહુના’. પૂજ્ય આચાર્યમહારાજે કહ્યું હતું કેસંસારરૂપી રથનાં બે મુખ્ય પૈડાં છે સાસુ અને વહુ, પરંતુ અતિ અપેક્ષાઓને કારણે આ સ્નેહનો સંબંધ તરડાઈ ગયો છે, બટકી ગયો છે એટલે આજની શિબિરમાં સાસુઓ અને વહુઓને થોડી શીખ આપવાનું નક્કી કર્યું છે.
દર રવિવારની સવારના સાડાનવના ટકોરે શરૂ થઈ જતી શિબિરમાં શિબિરાર્થીઓ જગ્યા મેળવવા વહેલા આવી ગયા હતા. આ હકડેઠઠ મેદનીમાં યુવાન, વયસ્ક અને jાી-પુરુષો મોટી સંખ્યામાં હતાં.

 

રવિવારે તાંબેનગરના શ્રી શાસનસમમ્રાટ જૈન સંઘમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ અજિતશેખરસૂરિ મહારાજસાહેબે ‘સંબંધો સાસુ-વહુના’ વિષય પર વક્તવ્ય આપ્યું


હળવી શૈલીમાં સિનિયર સિટિઝન એવાં સાસુઓને સંબોધતાં મહારાજસાહેબે કહ્યું હતું કે ‘પુત્રવધૂ એટલે પુત્ર કરતાં વધુ વહાલી હોય એ. પરાયા ઘરેથી આવેલી કોઈની લાડલી પુત્રીની ભૂલો કાઢવી, ટકટક કરવી, આખો દિવસ શિખામણ આપવી એ તેનો અને તમારો વર્તમાનકાળ તો બગાડશે જ અને સાથે ભવિષ્યકાળ પણ બગાડશે.’


પૂજ્ય મહારાજશ્રીએ આગળ ઉમેર્યું કે ‘દરેક વયસ્ક વ્યક્તિને જો ૮૩ વર્ષના અડવાણી વડા પ્રધાન બને એમાં અજુગતું લાગે, સચિન તેન્ડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ એવી વાતો કરે તો પોતાનો વારો આવતાં સંસાર, ઘર, છોકરા પર વર્ચસ છોડવું કેમ ગમતું નથી? સમય જતાં તન-મનથી વૃદ્ધ થાઓ એ પછી દીકરા-વહુ સત્તા છીનવી લે એના કરતાં ગૌરવપૂર્વક એ પોઝિશન છોડી દેવાય તો તમારા પ્રત્યે આદર અકબંધ રહે. છોકરી વહાલનો દરિયો હોય તો વહુને પ્રેમનો સાગર માનો.’


વહુઓને સંબોધતાં પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું હતું કે ‘પૂર્ણ યુવાની જેમાં જોશ ભારોભાર હોય ત્યારે હોશ ખોવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયે સાસુ-સસરા અને અન્ય વડીલો તમારી સલામતી સાચવવાનાં સાધનો છે. એ જ રીતે જો વહુ તરીકે સત્તા ભોગવવાનો અધિકાર જોઈતો હોય તો જવાબદારી નિભાવવામાં પાછીપાની ન કરવી જોઈએ. સાધુ, બ્રાહ્મણ, પંખીની જેમ સ્ત્રી પણ દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે જેના બે જન્મ થાય છે એ. પંખી જ્યારે ઈંડાસ્વરૂપે હોય એ એનો પહેલો જન્મ, ઈંડાની બહાર આવતાં એનો બીજો જન્મ. એ જ રીતે જનોઈ વગરના બ્રાહ્મણનો જનોઈ લીધા પછી બીજો જન્મ થાય છે. સાધુ સંસારમાં હોય અને સંસાર ત્યાગ કરી સંયમ આવે એ તેનો દ્વિજ અને સ્ત્રીનો પહેલો જન્મ તેનાં લગ્ન પહેલાંનો અને પરણ્યા પછી બીજો જન્મ ગણાય. સામા જવાબો આપવાને બદલે સાસુને સમજીએ અને તેને પ્રસન્ન રાખીએ તો પરમાત્મા તો તમારા પર પ્રસન્ન થશે જ, સાથે પરિવારમાં પણ ખુશી અને હાશકારો રહેશે.’

હાજર રહેલી પાંચસો-સાડા પાંચસો વ્યક્તિની મેદનીને સંબોધતાં મહારાજસાહેબે કહ્યું કે ‘આજની વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટમાં બહુ માને છે. ઘડપણમાં પૈસેટકે પ્રૉબ્લેમ ન આવે એ માટે વ્યવસ્થિત આયોજન કરાય છે. એ જ પ્રમાણે પ્રેમને પણ ઇન્વેસ્ટ કરીએ તો સિનિયરોને પોતાનાં દીકરા-વહુનો વ્યવહાર પણ પ્રેમાળ મળે. આમેય, કુદરતનો નિયમ છે ‘વાવો એવું લણો.’ આથી બેઉ સાસુ અને વહુ પોતપોતાની માન્યતાઓ બદલી નાખો.’

- અલ્પા નર્મિલ

સાહેબજીએ સાસુ-વહુને સૂચવ્યા પાયાના નિયમો

- દીકરાનાં લગ્ન પછી દરેક મા સમજે કે મેં વહુને બેરર ચેક આપી દીધો.
- ભૂલો કાઢનાર બીજાને સુધારી શકે, પણ લોકપ્રિય ન થાય એટલે શિખામણ આપવાનું બંધ કરી શિખવાડવાનું રાખો.
- ખાડા પાડો (પિયર જાઓ) પણ એટલા બધા નહીં કે તમે જ્યાં રહેતા હો ત્યાંના લોકોને તમારી જરૂરિયાત જ મહેસૂસ ન થાય.
- તમને જેના પર પ્રેમ છે તેને જેના પર પ્રેમ છે તેના પર તમને પણ પ્રેમ હોવો જોઈએ. આ સિમ્પલ સમીકરણ સમજાઈ જાય તો સાસુ-વહુના સંબંધ શુગર જેવા મીઠા થઈ જાય.

પ્રખર વક્તા

પ્રેમ-ભુવનભાનુ સૂરીશ્વરજી સમુદાયના પૂજ્ય અજિતશેખરસૂરીશ્વરજી મ. સા.નો ૩૪ વર્ષનો દીક્ષાપર્યાય છે અને ૧૧ શિષ્યોનો પરિવાર છે. બાળકો અને યુવાનોમાં જીવન-સંસ્કારઘડતર માટે સતત પ્રવૃત્ત રહેતા પૂજ્ય અભયશેખરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. અજિતશેખરસૂરીશ્વરજી મ. સા. ૫૦થી વધુ શિબિરો કરી ચૂક્યા છે. ચોમાસા ઉપરાંત શેષકાળમાં પણ મહારાજસાહેબની શિબિરો ચાલતી રહે છે. મુલુંડના તાંબેનગરના શાસનસમમ્રાટ જૈન સંઘમાં પયુર્ષણ પર્વ પહેલાં યુવાનો-યુવતીઓ માટે છ જીવનનર્મિાણ શિબિરનું આયોજન થયું હતું; જેમાં મની-મૅનેજમેન્ટ, રિલેશન-મૅનેજમેન્ટ, માઇન્ડ-મૅનેજમેન્ટ, લાઇફ-મૅનેજમેન્ટ, સ્ટ્રેસ-મૅનેજમેન્ટ અને ‘થોભ નહીં તો થાકી જઈશ’ વિષય પર પૂજ્ય ગુરુદેવે સુંદર શીખ આપી હતી અને કેટલાંય યુવક-યુવતીઓના જીવન અને લાઇફસ્ટાઇલમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હતો.


સીએ સુધી ભણેલા પૂજ્ય મહારાજશ્રીની સ્પીચ એવી સરળ અને સચોટ હોય છે કે સાંભળનારાના હૃદયમાં સીધેસીધી સોંસરવી ઊતરી જાય.