શાંતિમય ક્રાન્તિ

29 August, 2012 05:48 AM IST  | 

શાંતિમય ક્રાન્તિ

ગઈ કાલે વિલે પાર્લે‍માં ગણિવર્ય પૂ. લબ્ધિચંદ્રસાગરજી અને વિરાગસાગરજી મ.સાની નિશ્રામાં મુંબઈના વિવિધ જૈન સંઘ અને તમામ જૈન મંડળોના પ્રતિનિધિઓએ વિલે પાર્લે‍ના મહાસુખ ભવનમાં આયોજિત કરવામાં આવેલી મીટિંગમાં હાજરી પુરાવી હતી. પ્રતિનિધિઓએ આંદોલન માટે સૂચનો આપ્યાં હતાં અને હવે પછી જે કોઈ આંદોલનનો નિર્ણય લેવામાં આવે એમાં જોડાવાની ખાતરી આપી હતી.

ગુરુભગવંતોએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને જગાડવા રવિવારે કાંદિવલીના મુનિસુવ્રત જૈન દેરાસરથી જુહુકિનારે મહાત્મા ગાંધીના પૂતળા સુધી જૈનોની બાઇક-રૅલીનું આયોજન કર્યું છે. એમાં મોટરસાઇકલ, કાર અને સાઇકલ લઈને પણ જોડાઈ શકાશે.  

કાંદિવલીમાં વિરાજમાન વિરાગસાગરજી મ.સા. અને વિનમ્રસાગરજી મ.સા. વિલે પાર્લે‍ની મીટિંગમાં હાજરી આપવા ૧૫ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી વિલે પાર્લે‍ આવી ગયા હતા. જૈનોનું કહેવું છે કે જૈનો પાસે રૂપિયાની કમી નથી. ઉત્તર પ્રદેશ સરકાર કહે છે કે એ ૨૧ લાખ રૂપિયા આપશે અને સ્મારક ફરી બનાવશે. રૂપિયા આપવાની વાતો કરીને ઉત્તર પ્રદેશ સરકાર જૈનોની ભાવનાને ઠેસ પહોંચાડી રહી છે. આ ઘટના બનતી અટકાવવામાં નિષ્ફળ ગયેલા પ્રશાસનના અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવવાં જોઈએ.

દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મસ્થળે ફરીથી આવું ન બને એ માટે અને ઉત્તર પ્રદેશ સરકાર, કર્ણાટક સરકાર અને કેન્દ્ર સરકારને જગાડવા સાથે  લખનઉ અને કર્ણાટકમાં બનેલી ઘટના સામે તીવ્રવિરોધ દર્શાવવા રવિવારે રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલીમાં ભગવાન મહાવીરના ફોટાની પાછળ કાળા વાવટા દર્શાવી વિરોધ નોંધાવવામાં આવશે. વિરાગસાગરજી મહારાજસાહેબે કહ્યું હતું કે તમામેતમામ સાધુભગવંતોનો સંપર્ક કરીને રૅલીને સફળ બનાવવા પ્રયત્નશીલ રહેવા વિનંતી કરવામાં અવી છે. ગણિવર્ય લબ્ધિચંદ્રસાગરજી મ.સા.એ જૈનોને મોટી સંખ્યામાં આ રૅલીમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે.