જૈન સાધુ-સંતોને પહેલાં કોરોના-વૅક્સિન આપવી જોઈએ એવી ડિમાન્ડ

03 January, 2021 08:25 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈન સાધુ-સંતોને પહેલાં કોરોના-વૅક્સિન આપવી જોઈએ એવી ડિમાન્ડ

આ રસી બનાવવામાં કોઈ જીવની કે પ્રાણીઓની હિંસા થતી હોય એ સંબંધી જાણકારી મેળવ્યા વગર રસી લેવી અમારા માટે યોગ્ય નથી - આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબ

કોરોના વાઇરસના પ્રતિકાર માટે દેશમાં ઑક્સફર્ડની કોરોના-વૅક્સિને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ રસીકરણમાં કોરાના-વૉરિયર્સની સાથે જૈન સાધુ-સંતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે એવી માગણી ગઈ કાલે કેન્દ્રના આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધન, રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક સંબંધિત નેતાઓને પત્ર લખીને કરી હતી. જોકે આ બાબતે જૈન સાધુઓ સાથે વાત કરતાં તેમનું કહેવું છે કે અમારા પ્રત્યેની આ ભાવના અનુમાદિત છે, પણ વૅક્સિન જૈન શાસ્ત્રો પ્રમાણે છે કે નહીં એનો અભ્યાસ કરવો જરૂરી છે અને ત્યાં સુધી વૅક્સિન લેવી શક્ય નથી.

આ માગણી સામે પ્રતિક્રિયા આપતાં ગોધરામાં બિરાજમાન મુનિ ભુવનહર્ષવિજયજી મ.સા.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની વૅક્સિન માટે હજી શંકા-કુશંકા અને ભય ફેલાયેલો છે. એની આડઅસર બાબતમાં કોઈ જ સ્પષ્ટતા નથી. વૅક્સિનની અત્યારે કોઈ આડઅસર નથી એમ કહેવાય છે, પણ લાંબા ગાળાની આડઅસરનું શું એ એક મહત્ત્વનો સવાલ છે. આ બાબતે અભ્યાસ જરૂરી છે. જ્યાં સુધી સામાન્ય જનતા કે ભારતના ડૉક્ટરો પર કોવિડની રસીકરણનો પ્રયોગ સફળ ન થાય ત્યાં સુધી અમારો રસી લેવાનો કોઈ મતલબ નથી. સાધુઓએ રોગ પ્રતિકારક શક્તિ વધારીને આ રોગનો સામનો કરવાની જરૂર છે. સમયસર જરૂરી ટેસ્ટ અને સારવાર લઈને સાધુઓ આ રોગને સહેલાઈથી જીતી શકે એમ છે. આમ પણ વૅક્સિન લગાવવી ફરજિયાત નથી. બાકી અમે જૈન સાધુઓ હંમેશાં રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રની સાથે છીએ.’

મુંબઈની નવજીવન સોસાયટીમાં ચાતુર્માસ માટે બિરાજમાન ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના પૂજ્ય મુનિરાજ શ્રી યુગંધરવિજયજી મહારાજસાહેબના શિષ્ય મુનિરાજ શ્રી ધનંજયવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની વૅક્સિન બાબતનું ચિત્ર હજી સુધી સ્પષ્ટ નથી. અમને હજી આ વૅક્સિનમાં કયા પદાર્થોનો ઉપયોગ થાય છે એની પૂરતી જાણકારી નથી. આ રસીનો અમુક મુસ્લિમ ધર્મગુરુઓએ સખત વિરોધ કર્યો છે. એનાથી અમને પણ શંકા થાય છે કે દાળમાં કાંઈક કાળું છે. આથી જ્યાં સુધી અમને પાકી ખાતરી ન થાય કે વૅક્સિનમાં અંદર શું નાખવામાં આવ્યું છે ત્યાં સુધી વૅક્સિન ન લગાવવી જોઈએ. એવો અમારો દૃઢ મત છે કે સાધુઓએ એવી કોઈ શરીરની ચિંતા કરવાની જરૂર નથી, જેમાં પ્રભુ મહાવીરસ્વામીની આજ્ઞાની વિરુદ્ધનું કરવું પડે. પ્રભુના કહ્યા પ્રમાણે જીવન જીવી રહ્યા છીએ એમાં ક્યારેય અમને કોઈ એવી તકલીફ આવી નથી. અમારા માટે વૅક્સિન પછી, પહેલાં પ્રભુની આજ્ઞા છે. માટે વૅક્સિનમાં જૈન ધર્મનાં શાસ્ત્રોમાં જેની પરમિશન છે એવાં દ્રવ્યો હશે તો જ અમે રસીકરણ કરાવવા તૈયાર છીએ.’

મુલુંડ-વેસ્ટમાં બિરાજમાન નેમિસૂરીશ્વરજી સમુદાયના આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબે રસીકરણ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતથી સંપૂર્ણ અજ્ઞાન છીએ. આ રસીનો પૂરતો વૈજ્ઞાનિક અને શાસ્ત્રકીય અભ્યાસ કરવો જરૂરી છે. સાધુઓની જિંદગી બહુ કીમતી છે એટલે આ બાબત વિચારણા માગી લે છે. રસીમાં કોઈ એવા હિંસક પદાર્થોનો ઉપયોગ થાય છે કે નથી થતો કે જૈન સાધુઓ માટે વર્જ્ય હોય તો અમે એનો ઉપયોગ કરી શકતા નથી. અમારા માટે જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતો વધુ મહત્ત્વના હોય છે. અમારું જીવન સર્વજન હિતાય છે. આ રસી બનાવવામાં કોઈ જીવોની કે પ્રાણીઓની હિંસા થતી હોય એ સંબંધી બધી જાણકારી મેળવ્યા વગર રસી લેવી અમારા માટે યોગ્ય નથી.’

આ સબંધી માગણીનો પત્ર લખનાર બીજેપીના જૈન નેતા પ્રવીણ છેડાએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના કાળમાં જૈન સાધુ-સંતોએ આધ્યાત્મિક માર્ગથી પેન્ડેમિક સમયમાં જૈન સમાજના લોકોને આ કાળમાંથી પણ શાંતિપૂર્વક બહાર નીકળી જઈશું એવી આશા આપી હતી. જૈન સાધુઓએ સમાજને માનવતાનો ધર્મ શીખવાડ્યો છે. આવા જૈન સાધુ-સંતોને પહેલા તબક્કામાં જ કોવિડની રસી આપીને તેમને સરકારે સુરક્ષિત કરવા જોઈએ.’

coronavirus covid19 mumbai mumbai news