માંસની નિકાસના વિરોધમાં આજે દાદરમાં મહાઅધિવેશન

16 December, 2012 05:31 AM IST  | 

માંસની નિકાસના વિરોધમાં આજે દાદરમાં મહાઅધિવેશન



દેશના પશુધનની કતલ કરીને માંસની નિકાસ કરતી મીટ-લૉબીને સશક્તપણે લડત આપવા અહિંસા-લૉબી ઊભી કરવાના વિચાર સાથે અહિંસા સંઘના નેજા હેઠળ આજે સવારે દાદરના શ્રી આત્મકમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિરમાં એક મહાઅધિવેશન યોજાઈ રહ્યું છે. એમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈનાં બિલ્ડિંગોમાં જીવદયાપ્રેમીઓનું નેટવર્ક ઊભું કરવાના મુખ્ય એજન્ડા માટે ઍક્શન-પ્લાન ઘડવામાં આવશે. યુવાનો હંમેશાં ક્રાન્તિ લાવતા હોવાથી અધિવેશનમાં ભાગ લેવા કોલાબાથી કલ્યાણ અને વાલકેશ્વરથી વિરાર સુધીનાં ૫૦૦ યુવક મંડળોના પ્રતિનિધિઓને આંમત્રણ આપવામાં આવ્યું છે. અહિંસા સંઘના નેજા હેઠળ ચલાવવામાં આવેલા આ અભિયાનને માર્ગદર્શન આપી એની આગેવાની લેનાર પૂજ્ય મુનિરાજ વિરાગસાગરજી મહારાજસાહેબ અને વિનમ્રસાગરજી મહારાજસાહેબમાંના વિરાગસાગરજીમહારાજસાહેબે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અધિવેશનમાં અમે વધુ ને વધુ લોકોને આ સંદેશ કઈ રીતે પહોંચાડી શકીએ અને આ અભિયાનમાં તેમને કઈ રીતે સાંકળી શકાય એ માટે ઍક્શન-પ્લાન ઘડવાના છીએ. અમે એવું નેટવર્ક ઊભું કરવા માગીએ છીએ કે મુંબઈ, થાણે અને નવી મુંબઈનાં બધાં બિલ્ડિંગોમાં ઍટલીસ્ટ એક જીવદયાપ્રેમી હોય જે આ આંદોલનને સફળ બનાવવા પ્રયત્ન કરે.’