17 June, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈનોના ચારેય ફિરકાના આગેવાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મંત્રાલયમાં ગઈ કાલે મળ્યા હતા અને વિવાદ વિશે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.
સફેદ પટ્ટાના વિવાદના સંદર્ભમાં જૈનોના ચારેય ફિરકાના આગેવાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મંત્રાલયમાં ગઈ કાલે મળ્યા હતા અને વિવાદ વિશે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.
મંગલ પ્રભાત લોઢાએ ૯ જેટલા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી અને આચાર્ય ભગવંતોનો પત્ર મુખ્ય પ્રધાનને આપ્યો હતો. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ વતી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘જૈનો હરહંમેશ અહિંસા, કરુણા અને ત્યાગને સમર્પિત છે છતાં કેટલાંક સ્થાપિત હિતો દ્વેષ અને ઈર્ષ્યાપૂર્વક જૈનોને ટાર્ગેટ કરે છે અને જ્યાં કોઈ વિવાદને સ્થાન નથી એવા મુદ્દા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ વિવાદને ભડકાવે છે. સંગઠને એ પણ જણાવ્યું હતું કે મોટાં-મોટાં હિન્દુ મંદિરો, પંઢરપુર, તિરુપતિ આદિમાં પણ સખત ગરમીથી બચવા સફેદ પટ્ટા દોરવામાં આવે છે. જૈનો હંમેશાં બધા સાથે હળી-મળીને રહે છે અને ચારેય ફિરકાનાં ૧૮,૦૦૦ જેટલાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો ખુલ્લા પગે અને હજારો કિલોમીટર વાહનના ઉપયોગ વગર પગપાળા એક ગામથી બીજા ગામ જઈને અહિંસા અને શાંતિનો સંદેશ આપે છે.’
ચારેય ફિરકાએ સહિયારી રજૂઆત કરી હતી કે જૈનો વિવાદમાં પડતા નથી અને શાંતિ અને સૌહાર્દથી રાષ્ટ્ર અને સંઘ તેમ જ સમાજનાં કાર્યો કરતા હોય છે.
મુખ્ય પ્રધાને શાંતિથી બધી વાત સાંભળી હતી અને કહ્યું હતું કે ‘જૈનોની આ પરંપરા છે અને સફેદ પટ્ટાનો કોઈએ ખોટો વિરોધ કે વિવાદ ઊભો ન કરવો જોઈએ. બધાએ અરસપરસ અન્ય ધર્મોનું માન-સન્માન સાચવવું જોઈએ અને જે લોકો મત માટે આવો વિવાદ ઊભો કરે છે તેઓ પોતાની વોટ-બૅન્ક ગુમાવે છે.’
ગઈ કાલના પ્રતિનિધિમંડળમાં શ્રી મુંબઈ જૈન સંગઠન વતી વીરેન્દ્ર શાહ, નીતિન વોરા, ઘેવરચંદજી વોહરા, દેવેન્દ્ર જૈન, અતુલ શાહ, સુરેન્દ્ર કે. શાહ તેમ જ દિગંબર સમાજના એસ. પી. જૈન, સંજય રાજા, સ્થાનકવાસી સમાજ વતી વિરલ દોશી અને તેરાપંથ સમાજ વતી દેવેન્દ્ર પગલિયાનો સમાવેશ હતો.
મંગલ પ્રભાત લોઢાએ મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો અને આ વિવાદ શાંતિથી સુલઝાવવા માટે તેમની અનુમોદના પણ કરી હતી.
હવેથી ચારેય ફિરકાનું આ પ્રતિનિધિમંડળ જૈન સંઘોની ભાવિ સુરક્ષા અને આયોજન માટે બધા પૂજ્ય ગુરુભગવંતોના આશીર્વાદ લઈને ભવિષ્યના કાર્યક્રમો અને આરાધના, પ્રભાવના અને રક્ષાધર્મનાં કાર્યો કરશે.