પાર્લાનો જૈન પરિવાર ટર્કીમાં અટવાયો છે

15 May, 2020 07:22 AM IST  |  Mumbai Desk | Gaurav Sarkar

પાર્લાનો જૈન પરિવાર ટર્કીમાં અટવાયો છે

જૈન પરિવાર

વારંવાર લૉકડાઉનની લંબાતી મુદત અને વિમાનપ્રવાસ પર વૈશ્વિક સ્તરે નિયંત્રણોને કારણે ટર્કીના પ્રવાસે ગયેલા વિલે પાર્લેના જૈન પરિવારના ૭ સભ્યોની હાલત કફોડી બની ગઈ છે. ૬૧ દિવસથી પરદેશમાં રહેતા પરિવાર પાસે પૈસા ખૂટી ગયા છે અને પાછા સ્વદેશ પહોંચવા માટે કોઈ સાધન પણ મળતું નથી. જૈન પરિવારમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અમિત, તેની પત્ની છાયા, ૧૨ વર્ષનો દીકરો અને બે જોડિયા દીકરીઓ ઉપરાંત ૭૦ વર્ષની માતા અને ૮૦ વર્ષના પિતાનો સમાવેશ છે.
અમિત જૈનની ૨૧ વર્ષની દીકરી મલ્લિકાએ જણાવ્યું કે ‘૧૩ માર્ચે અમે મુંબઈથી નીકળીને દિલ્હી પહોંચ્યાં અને ૧૪ માર્ચે દિલ્હીથી ઇસ્તમ્બુલની ફ્લાઇટમાં બોર્ડ કરી હતી. એ વખતે આખા ટર્કીમાં કોવિડ-19નો ફક્ત એક જ કેસ નોંધાયો હતો. મારા દાદાએ કેટલીક ફિલ્મોમાં ટર્કી જોયું હોવાથી ત્યાં જવાની તેમને ખૂબ ઇચ્છા હતી એથી અમે આ પ્રવાસે જવાનું નક્કી કર્યું હતું. અમે વિલે પાર્લેથી નીકળ્યાં ત્યારે કેટલાક ટ્રાવેલ-એજન્ટે અમને આ પ્રવાસમાં કોઈ સમસ્યા ઊભી નહીં થાય એવું કહીને આગળ વધવા માટે લીલી ઝંડી આપી હતી. ૧૬ માર્ચે અમને નૉટિફિકેશન મળ્યું કે ટર્કીમાં રહેતા ભારતીયોને ૧૮ માર્ચે ગ્રીનવિચ મીન ટાઇમ (GMT) રાતે ૧૨ વાગ્યાથી ભારતમાં પ્રવેશ નહીં મળે. એ વખતે અમે ટર્કીના દૂરના અંતરિયાળ વિસ્તારમાં હતા અને એટલા વખતમાં ઇસ્તમ્બુલ પહોંચવું અને ભારત જવાની ફ્લાઇટ પકડવાનું કામ અઘરું હતું. પહેલા લૉકડાઉનમાં અમને ઝાઝી ચિંતા નહોતી. એ બધું દેશની ભલાઈ માટે હોવાનું અમે ધારતા હતા.’
મલ્લિકા જૈને યાતના વર્ણવતાં જણાવ્યું કે ‘ઇસ્તમ્બુલના ભારતીય રાજદૂતાલયે અમને ધીરજ રાખવાનું કહ્યું. ત્યાર પછી અમે ઈ-મેઇલ અને ટ્વિટર દ્વારા ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરકયો. તેમણે કહ્યું કે તમે રાહ જુઓ, ભારત સરકાર કાંઈક કરશે. ભારતમાં રઝળી પડેલા ટર્કી નાગરિકોને પાછા લાવવા માટે મુંબઈ અને દિલ્હી માટે બે ફ્લાઇટ ઇસ્તમ્બુલથી રવાના થઈ ત્યારે એમાં ભારત પહોંચવા મળે એનો પ્રયાસ અન્ય ભારતીય પ્રવાસીઓની માફક અમે પણ કર્યો હતો. અમારા એ બધા પ્રયાસ નિષ્ફળ ગયા.’
અમિત જૈને જણાવ્યું હતું કે ‘મારા પિતાને ઑલ્ઝાઇમર્સ, ડિપ્રેશન અને બ્લડ-પ્રેશરની બીમારી છે. તેમના હાર્ટની ઍન્જિયોપ્લાસ્ટી કરીને ચાર સ્ટેન્ટ ગોઠવાયાં છે. વળી દૃષ્ટિ પણ ઝાંખી છે. તેઓ પચાસેક વખત અમને પૂછી ચૂક્યા છે કે આપણે ઘરે પાછાં ક્યારે પહોંચીશું. અમે ખૂબ મોંઘા ભાવે દવા ખરીદી રહ્યા છીએ. બે મહિના સુધી ટર્કીમાં રહેવા, ખોરાક-પાણી, દવા, ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને નાનામોટા પ્રવાસના ખર્ચ ડૉલરમાં કરી રહ્યા છીએ. આ કોઈ સાધારણ બાબત નથી. એ ઉપરાંત વિમાનપ્રવાસ માટે ત્રણ ગણો ભાવ અને ઉપરથી ક્વૉરન્ટીનની કિંમત ચૂકવવી કોઈ મજાકની વાત નથી. અમે અહીં આવ્યા એ દિવસે અહીં કોરોના-ઇન્ફેક્શનનો એક દરદી હતો અને આજે ૧,૪૧,૪૭૫ દરદીઓ થઈ ગયા છે. અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં દૂધ, કરિયાણા અને પાણી વગેરેનો ભાવ મોંઘો હોવાથી એને માટે દૂર સુધી જવું પડે છે. પાણીની ભારે બૉટલ્સ, દૂધ અને કરિયાણું લાવવા માટે બે-ત્રણ કિલોમીટર ચાલીને પાછા આવીએ છીએ. અમે અમારા નિર્ધારિત પ્રવાસખર્ચની મર્યાદાથી આગળ વધીને સાડાત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ પરિસ્થિતિમાં અમારી મુખ્ય ચિંતા એટલી જ છે કે જો અમારામાંથી કોઈને વાઇરસનું ઇન્ફેક્શન લાગશે તો શું થશે?’

gaurav sarkar mumbai mumbai news coronavirus covid19 turkey