લેટર પોસ્ટ સે ભેજ રહા હૂં, લેકિન અગલી બાર સીધી ગોલી ભેજુંગા

10 January, 2022 09:21 AM IST  |  Mumbai | Samiullah Khan

મલાડના વેપારીને આર્થર રોડ જેલમાં કેદ ગૅન્ગસ્ટરે એક કરોડની ખંડણી માગતો પત્ર મોકલ્યો

ગૅન્ગસ્ટર ઉદય પાઠક

મલાડ-ઈસ્ટના એક બિઝનેસમૅનને ગુરુવારે એક કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરતો પત્ર મળ્યો હતો, જે કથિત રીતે આર્થર રોડ જેલમાં કેદ એક ગૅન્ગસ્ટર દ્વારા મોકલાયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે મલાડ-ઈસ્ટમાં ‘રોકડિયા ટ્રેડર્સ’ નામની ઇમિટેશન શૉપ ધરાવતા ફરિયાદી બાબુલાલ દૂધચંદ જૈન (૫૩)ને ગુરુવારે દુકાનમાં પત્ર મળ્યો હતો, જેની આગળ તેમના પુત્ર વિકાસ જૈનનું અને પાછળ ગૅન્ગસ્ટર ઉદય પાઠક અને બીજા બે સાગરીતોનાં નામ લખેલાં હતાં. બાબુલાલે જણાવ્યા પ્રમાણે પત્રમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવીને લખ્યું હતું, ‘મૈંને સોચા થા તુમ મુઝે મિલને આઓંગે, યા પૈસા દોગેં, નહીં દિયે. ઇસ બાર ગોલી કબાટ પર નહીં, સીધે સર મેં લગેંગી. લેટર પોસ્ટ સે ભેજ રહા હૂં, લેકિન અગલી બાર સીધી ગોલી ભેજુંગા.’
પત્ર વાંચ્યા બાદ બાબુલાલે કુરાર પોલીસમાં ઉદય પાઠક, રાહુલ મંત્રી અને વિકી પિસે સામે ફરિયાદ નોંધાવી હતી. કુરાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યા પ્રમાણે અમે ખંડણીનો કેસ નોંધીને તપાસ આદરી છે.
કેદ ભોગવી રહેલા ગૅન્ગસ્ટર ઉદય પાઠક પર એક કરતાં વધુ કેસ છે, જેમાં જૂન ૨૦૧૧માં ચાર વ્યક્તિની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી ૨૦૨૦માં પાઠક ગૅન્ગના સાગરિતે બાબુલાલની દુકાન પર ફાયરિંગ કર્યું હતું. એ સમયે દુકાનમાંથી ચિઠ્ઠી મળી હતી, જેના પર ઉદય પાઠકની ગૅન્ગનું નામ લખ્યું હતું અને એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
ઉદય સામેના ખંડણીના ત્રણ કેસમાં પણ સમાન પ્રકારની કાર્યપદ્ધતિ વપરાઈ હતી.
પત્ર મુંબઈની પોસ્ટ ઑફિસમાંથી પોસ્ટ કરાયો હતો.
પોલીસ સંબંધિત પોસ્ટ ઑફિસની વિગતો શોધી રહી છે અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ માટે પણ તપાસ કરી રહી છે.
આ પત્ર ઉદય પાઠક અને એની ગૅન્ગને કોઈ કાવતરાથી ફસાવવાના ઇરાદે મોકલાયો છે કે વાસ્તવમાં ઉદયે જ પત્ર મોકલ્યો છે એની તપાસ કરાશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

mumbai mumbai news mumbai crime news Crime News arthur road jail malad samiullah khan