પીએમસીના આરોપીઓને ઘરનું ભોજન આપવા સામે જેલ ઑથોરિટીની અરજી

28 October, 2019 11:57 AM IST  |  મુંબઈ

પીએમસીના આરોપીઓને ઘરનું ભોજન આપવા સામે જેલ ઑથોરિટીની અરજી

પ્રતિકાત્મક તસવીર

૪૩૫૫ કરોડ રૂપિયાના પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્ક કેસના આરોપીઓને જ્યાં રાખવામાં આવ્યા છે એ આર્થર રોડ જેલની ઑથોરિટીએ કોર્ટ સમક્ષ અરજી કરી છે કે આરોપીઓને ઘરે બનાવેલું ભોજન તથા દવાઓ આપવામાં આવે એ વિશેના અદાલતે આપેલા આદેશની ફેરવિચારણા કરવામાં આવે. જેલ ઑથોરિટીએ જણાવ્યું હતું કે તેમની પાસે શ્રેષ્ઠ ડૉક્ટરોની ટીમ છે તથા તેઓ કેદીઓને યોગ્ય ભોજન પૂરું પાડે છે.
આરોપીઓ રાકેશ અને સારંગ વાધવાન (બન્ને એચડીઆઇએલના ડિરેક્ટર), બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન વાર્યમ સિંહ, ભૂતપૂર્વ એમડી જૉય થોમસ અને ડિરેક્ટર સુરજિત સિંહ અરોરાને ગયા સપ્તાહે જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
અગાઉ, બચાવ પક્ષના વકીલોએ ૭૪ વર્ષના રાકેશ વાધવાનની વય અને બીમારીનું કારણ આગળ ધરીને તેને ઘરનું ભોજન આપવાની પરવાનગી મેળવવા માટે અદાલત સમક્ષ અરજી કરી હતી. વાધવાન પિતા-પુત્ર પર પીએમસી બૅન્કમાંથી છેતરપિંડી આચરીને લોન મેળવવાનો અને લોન ચૂક્તે ન કરવાનો આરોપ છે.જેના કારણે બૅન્કને ખોટ ગઈ હતી. અંદાજિત ખોટ ૬૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી છે.જેલમાં રસોડું આવેલું છે, જ્યાં ૨૮૦૦ જેટલા અપરાધીઓ અને કેટલાક અન્ડરટ્રાયલ કેદીઓ માટે ભોજન તૈયાર થતું હોય છે.

mumbai