જગડુશાનગરના બિઝનેસમૅનની હત્યા કરનારા ચારની ધરપકડ

28 December, 2011 08:48 AM IST  | 

જગડુશાનગરના બિઝનેસમૅનની હત્યા કરનારા ચારની ધરપકડ



ઘાટકોપર-વેસ્ટના જગડુશાનગરની દિવ્યદર્શન સોસાયટીમાં રહેતા અને રાયગડમાં ફૅક્ટરી ધરાવતા બિઝનેસમૅન આશિષ બંસલનું અપહરણ કરી ૪૧ લાખ રૂપિયા આપવા છતાં તેમની ગોળી મારીને હત્યા કરી તેમની ડેડ બૉડી નર્જિન સ્થળે ફેંકી દેવાના આરોપસર ન્યુ પનવેલની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે નવી મુંબઈથી ચાર જણની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામે અપહરણ કરીને હત્યા કરવાનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાયગડના ખાલાપુર ગામમાં સ્ટીલના વાયરની ફૅક્ટરી ધરાવનાર આશિષ બંસલ અને તેમના ડ્રાઇવર નીલેશ રિકામેનું ૧૩ ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ ફૅક્ટરીથી ઘાટકોપર જઈ રહ્યા હતા ત્યારે પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આશિષ બંસલના પિતરાઈ અનિલ બંસલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આશિષના અપહરણ બાદ આશિષે તેમના પિતરાઈને ફોન કરીને કોઈ પણ કારણ જણાવ્યા વગર તેની પાસે ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. એ જ રાત્રે આશિષ બંસલને તેમના બે કર્મચારીઓ અને સંબંધીઓએ વાશીમાં ૪૧ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા. ત્યાર બાદ આમિર ખાન, નુસરત અલી ખાન, આસિફ હુસેન અને રિઝવાન વાડિયા નામના ચાર આરોપીઓએ આશિષ બંસલને મારીને લાશ ખાલાપુરમાં ફેંકી દીધી હતી.’

ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમ્યાન મળેલી માહિતી પ્રમાણે આ આરોપીમાંથી એક આરોપી આમિર ખાનને આશિષ ઓળખતો હતો. આમ તો આ ચારે આરોપી અનેક ચોરી, લૂંટફાટ અને અપહરણ કરીને હત્યા કરવાના કેસમાં સંડાવાયેલા છે. આમ છતાં આશિષ બંસલના કેસમાં આરોપીઓએ તેમનું અપહરણ કેમ કર્યું અને તેમની હત્યા પાછળનું કારણ હજી સુધી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમની તપાસમાં મેળવી શક્યા નથી. તેઓ એની તપાસ

કરી રહ્યા છે. પ્રેસ-કૉન્ફરન્સમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ હજી આ બાબતનો કોઈ જ ખુલાસો કર્યો નથી.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે તેમને મળેલી બાતમીના આધારે શુક્રવારે મધરાતે ૧.૪૫ વાગ્યે તેમણે બેલાપુરની મહેશ હોટેલ પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૧૩ જીવતી કારતૂસ, એક મૅગેઝિન, આઠ મોબાઇલ ફોન, પાંચ સિમ-કાર્ડ, કેટલાંક ક્રેડિટ કાર્ડ અને આઇ-કાર્ડ, ત્રણ લાખ રૂપિયાની રોકડ, બે શેવરોલે કાર અને એક પજેરો કાર જપ્ત કયાર઼્ છે.