બાપ્પાના દરબારમાં આરોપીઓના ફોટા

28 September, 2012 07:33 AM IST  | 

બાપ્પાના દરબારમાં આરોપીઓના ફોટા


સાંતાક્રુઝ-ઈસ્ટમાં જાકુ ક્લબ પાસે સાંઈ મિત્ર મંડળનું ૩૭મું વર્ષ છે. ૧૧ દિવસના ગણપતિ સાડાઆઠ ફૂટ ઊંચાઈના છે જે જાકુ ક્લબચા ગણપતિ તરીકે સાંતાક્રુઝમાં જાણીતા છે. ગણેશજીની મૂર્તિ બે સિંહ પર બિરાજમાન છે તેમ જ તેમના ભક્તોને આર્શીવાદ આપી રહ્યા હોય એવા સ્વરૂપની આ મૂર્તિ છે.

આ મંડળે આ વર્ષે અષ્ટવિનાયકની જાત્રા કરાવતી થીમ રાખી છે જેમાં અષ્ટવિનાયક મંદિરનાં નાનાં-નાનાં મૉડલ બનાવીને ૧૦ મિનિટનો શો રાખ્યો છે જેમાં શ્રી મોરેશ્વર, શ્રી ચિંતામણિ, શ્રી સિદ્ધિવિનાયક, શ્રી મહાગણપતિ, શ્રી વિઘ્નેશ્વર, શ્રી વરદવિનાયક, શ્રી ગિરિજાત્મક, શ્રી બલ્લાલેશ્વર આ આઠે ગણપતિની મૂર્તિઓ બનાવીને નાનાં-નાનાં મંદિરના મૉડલમાં રાખવામાં આવી છે. નવી વાત એ છે કે મંડળે આ પંડાલમાં વાકોલા પોલીસ-સ્ટેશનની પરવાનગી લઈને ૧૦ ફરાર આરોપીઓનો ફોટો લગાવ્યા છે અને જો ભક્તોએ આમાંથી કોઈ આરોપીને જોયા હોય તો તરત જ પોલીસ-સ્ટેશનમાં જાણ કરે એવી સૂચના આપતું ર્બોડ પણ લગાવ્યું છે.

આ મંડળ દર વર્ષે સમાજમાં વધતી હિંસાને ધ્યાનમાં રાખીને થીમ પસંદ કરે છે. આતંકવાદી દહેશત ફેલાવતી થીમ ગયા વર્ષે રાખવામાં આવી હતી અને એનો સારો પ્રતિસાદ મંડળને મળ્યો હતો.