જિજ્ઞા વોરાએ અબુ સાલેમ માટે શર્ટ્સ પણ ખરીદ્યા હતાં

14 December, 2011 06:54 AM IST  | 

જિજ્ઞા વોરાએ અબુ સાલેમ માટે શર્ટ્સ પણ ખરીદ્યા હતાં



મિડ-ડે ગ્રુપના ક્રાઇમ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એડિટર જે. ડે મર્ડરકેસમાં પકડાયેલી સિનિયર જર્નલિસ્ટ જિજ્ઞા વોરાના છોટા રાજન સાથે જ નહીં, અબુ સાલેમ સાથે પણ સારા સંબંધ હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે પોટુર્ગલથી અબુ સાલેમને મુંબઈ લાવવામાં આવ્યો ત્યાર પછી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન તેની અબુ સાલેમ સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી.

જિજ્ઞા એક ઇંગ્લિશ અખબારમાં ડેપ્યુટી બ્યુરો ચીફ હતી અને તેની જે. ડે મર્ડરકેસમાં મોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) હેઠળ ૨૫ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર જે. ડેની બાઇકનો લાઇસન્સ પ્લેટનંબર અને તેમના ઘરનું ઍડ્રેસ છોટા રાજનને આપવાનો આરોપ છે. પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે છોટા રાજન જ નહીં, અબુ સાલેમ સાથે પણ ખૂબ સારો ઘરોબો હતો. અબુ સાલેમના કેસની ટ્રાયલ ડે-ટુ-ડે જિજ્ઞા અટેન્ડ કરતી હતી. સાલેમ પર કૅસેટકિંગ ગુલશનકુમારનું મર્ડર કરવાનો પણ આરોપ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અબુ સાલેમની નજીક આવવા અને સ્ટોરી બ્રેક કરવા માટે જિજ્ઞા તેને અનેક વાર મદદ કરવા આગળ આવી હતી. પૂછપરછ વખતે એવી પણ ખબર પડી હતી કે જિજ્ઞાએ અબુ સાલેમ માટે કેટલાંક શર્ટ પણ ખરીદ્યાં હતાં, જે તે જેલમાં પહેરતો હતો.’

જિજ્ઞાની અબુ સાલેમ સાથે મિત્રતા હોવા છતાંય પોલીસ એ બાબતે વધુ તપાસ કરવાની નથી. એને જે. ડે મર્ડરકેસ સાથે કંઈ લાગતુંવળગતું નથી. સ્પેશ્યલ કોર્ટમાં જિજ્ઞાએ કેસની સુનાવણી બંધ બારણે કરવામાં આવે એવી ઍપ્લિકેશન કરી છે. મિડિયા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો મિડિયા સ્ટોરી છાપે ત્યારે પોતાનો સોર્સ જણાવવો જોઈએ એવી માગણી પણ તેણે કોર્ટને કરી છે. જોકે મોકા કોર્ટમાં આવી કોઈ જોગવાઈ ન હોવાની બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી.

જે. ડે કેસ શું છે?

પવઈમાં ૧૧ જૂને બાઇક પર આવેલા લોકોએ જે. ડે પર ફાયરિંગ કરતાં તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પત્રકાર જિજ્ઞા વોરાનો પણ સમાવેશ છે. દસ જણ વિરુદ્ધ મોકા કોર્ટમાં ૩૦૫૫ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, જ્યારે જિજ્ઞા વિરુદ્ધમાં હજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરવાની બાકી છે.