હવે જિજ્ઞા વોરાનો સાતમો ફોન જપ્ત

08 December, 2011 08:23 AM IST  | 

હવે જિજ્ઞા વોરાનો સાતમો ફોન જપ્ત

 

જિજ્ઞાના અત્યાર સુધીમાં સાત મોબાઇલ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે જિજ્ઞાને જ્યારે પણ છોટા રાજનની સાથે વાત કરવી હોય ત્યારે તે પહેલાં પૉલ્સન જોસેફને ફોન કરતી હતી. તે છોટા રાજનની નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને પૉલ્સન રાજનને મેસેજ પાસ કરતો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિજ્ઞાના કેસમાં અમદાવાદ ગઈ છે, કારણ કે તે મૂળ ગુજરાતની છે અને વારંવાર ત્યાં ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં બે ઑફિસરોને તે ફોન કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે વધુ એક મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો, જે તેણે ડીલરને વેચી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે કહ્યું હતું કે ‘આઇએમઈઆઇ (ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરની મદદથી મોબાઇલ ટ્રેસ થયો હતો. અમે તેના બધા મોબાઇલ જપ્ત કરીને ફૉરેન્સિક લૅબોરેટરીમાં ડેટા ભેગો કરવા માટે મોકલ્યા છે, કારણ કે આ મોબાઇલથી અમુક ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો જેને રિકવર કરવો પડશે.’

જિજ્ઞા અને છોટા રાજન વચ્ચે પૉલ્સન જોસેફ મિડિયેટરનું કામ કરતો હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણવા મળ્યું હતું. આ વિશે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ‘વાશીમાં આવેલા પૉલ્સન જોસેફના ઘરેથી એક વાર જિજ્ઞાએ છોટા રાજન સાથે વાત કરી હતી. જિજ્ઞા પૉલ્સનને મેસેજ પાસ કરીને છોટા રાજનને ફોન કરવાનું જણાવતી હતી. છોટા રાજન તેને ફોન કરતો હતો અને તેઓ વાત કરતાં હતાં. બન્નેની આવતી કાલ સુધીની કસ્ટડી મળી છે અને આમાં ઘણુંબધું બહાર આવે એવી શક્યતા છે.’

જિજ્ઞાએ એક જાણીતા ઍક્ટરના સાળાને મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હોવા વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઍક્ટરનો સાળો બિઝનેસમૅન છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે. જિજ્ઞા પોતાનાં સ્ટેટમેન્ટ્સ બદલી રહી છે અને પોલીસ-ઑફિસરોને કન્ફ્યુઝ કરી રહી છે. આ વિશે ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે કહ્યું હતું કે ‘જિજ્ઞાએ મોબાઇલ ફોનમાંથી ડેટા નષ્ટ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ત્યાર બાદ તેણે મોબાઇલ ફોન વેચી દીધા હતા. મુંબઈમાં નહીં પણ અમદાવાદ જઈને તેણે મોબાઇલ વેચ્યા હતા. તેણે ડેટા અને કૉલ-લૉગ પણ નષ્ટ કરી દીધા હતા, પરંતુ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ લઈને એને રિકવર કરવામાં આવશે.’