નવમા ધોરણના સ્ટુડન્ટે કરેલી ફરિયાદમાં સાઉથ મુંબઈના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પુત્રનું નામ

26 December, 2012 05:28 AM IST  | 

નવમા ધોરણના સ્ટુડન્ટે કરેલી ફરિયાદમાં સાઉથ મુંબઈના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પુત્રનું નામ



વિનોદ કુમાર મેનન


મુંબઈ, તા. ૨૬

સાઉથ મુંબઈની વિખ્યાત જે. બી. પેટિટ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતા રાહુલ મીરચંદાણી (નામ બદલ્યું છે)ના પિતાએ આઝાદ મેદાન અને કોલાબા પોલીસ-સ્ટેશનમાં એનસી નોંધાવી છે. એમાં તેમણે જણાવ્યું છે કે સાઉથ મુંબઈના એક ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટના દીકરાએ મારા દીકરા રાહુલને માર માર્યો છે અને ૧૧મા ધોરણમાં ભણતી તેની ફ્રેન્ડ મોેનિકા (નામ બદલ્યું છે) સાથે વાત નહીં કરવાની ચેતવણી

પણ આપી છે. આ સંદર્ભે

પોલીસ-સ્ટેશનમાંથી જાણવા મળ્યું છે કે આવી એનસી નોંધવામાં આવી છે. જો કોર્ટ આ કેસમાં તપાસ કરવા માટે કહેશે તો આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મીરચંદાણીએ ૨૪ અને ૨૫ ડિસેમ્બરે આ એનસી નોંધાવી છે. આ કેસમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટનો દીકરો પણ સગીર વયનો હોવાથી તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.

રાહુલના પિતા ઍડ્વોકેટ મનોજ મીરચંદાણીએ કહ્યું હતું કે ‘આ સમસ્યા ૧૪ ડિસેમ્બરે શરૂ થઈ હતી. સ્કૂલમાં ઍન્યુઅલ ફંક્શન હતું અને એમાં ભાગ લેવા રાહુલ ગયો હતો. થોડી જ વારમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પુત્ર સાથે કેટલાક છોકરાઓ રાહુલ પાસે આવ્યા હતા અને મોનિકાથી દૂર રહેવા જણાવ્યું હતું. એ પછી તેમણે રાહુલ પર હુમલો કર્યો હતો અને તેનું શર્ટ ફાડી નાખ્યું હતું. રાહુલની ગાડી જ્યારે ગેટ પર પહોંચી ત્યારે મોટા છોકરાઓ પાછા તેને મારવા દોડ્યા હતા પણ એમાં તેઓ ફાવ્યા નહોતા. આ છોકરાઓના અને તેમના બૉડીગાર્ડના ધમકીભર્યા ફોન અમને આવવા લાગ્યા હતા. તેમની ભાષા ખરાબ હતી એથી ઘણું વિચાર્યા બાદ અમે આ ફરિયાદ કરી છે.’

કોલાબા પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ. એસ. ભોળકેએ કહ્યું હતું કે ‘અમે એનસી નોંધી છે. રાહુલના પિતાએ ચાર મોબાઇલ નંબર આપ્યા હતા એના પર અમે સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ એમાંનું કોઈ પોલીસ-સ્ટેશનમાં નહોતું આવ્યું.’

એનસી = નૉન-કૉગ્નિઝેબલ