અંધેરી સબવે જળબંબાકાર નહીં થાય એની હવે કોઈ ગૅરન્ટી નથી

25 May, 2023 08:08 AM IST  |  Mumbai | Sameer Surve

ટ્રાફિક પોલીસે ખાડો ખોદવાની અને પાઇપલાઇન બિછાવવાની પરવાનગી નકારી દેતાં મોગરા નાળાની ક્ષમતા વધારવાનું કામ અટક્યું : પરિણામે અંધેરી સબવેના પાણીનો નિકાલ કરવાનું અઘરું થઈ પડશે. જોકે પરિસ્થિતિને પહોંચી વળવા સુધરાઈએ બે ફ્લડ-ગેટ્સ બનાવવાનો લીધો નિર્ણય

અંધેરી સબવે જળબંબાકાર નહીં થાય એની હવે કોઈ ગૅરન્ટી નથી


મુંબઈ : ગોખલે બ્રિજના બાંધકામમાં થયેલા વિલંબ સાથે સંકળાયેલી ટ્રાફિકની ગીચતાની સમસ્યાને કારણે અંધેરી સબવેના મોગરા નાળાની ક્ષમતા વધારવાનું કામ અટકી પડ્યું છે. જોકે અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં જે બે ફ્લડ-ગેટ બનાવવામાં આવી રહ્યા છે એ ચોમાસા દરમ્યાન ગટરના પાણીના ઝડપી નિકાલમાં મદદ કરશે. 
અંધેરી સબવેમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી હોવાથી ચોમાસામાં એ ઘણી વાર બંધ કરવામાં આવે છે. આ સમસ્યાના ઉકેલ માટે બીએમસીના સ્ટૉર્મવૉટર વિભાગે સબવે પર પૂર્વ તરફ ખાડો ખોદવાનો નિર્ણય લીધો હતો. ટ્રેન્ચલેસ માઇક્રો ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને અંધેરી સબવેથી ભરડાવાડી રોડ સુધી ૧,૬૦૦ મિલીમીટરની પાઇપલાઇન પર બિછાવવામાં આવશે એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું. 
આ પદ્ધતિ કઈ રીતે કામ કરશે એ સમજાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘વરસાદી પાણી ખાડામાં સંગ્રહિત થશે અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા સબમર્સિબલ પમ્પની મદદથી આ પાઇપલાઇન દ્વારા એને મુખ્ય નાળામાં ઠાલવવામાં આવશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૩૫ કરોડ રૂપિયા છે.’ 
જોકે ગોખલે બ્રિજનું કામ ચાલુ હોવાથી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર બંધ હોવાથી ટ્રાફિક સબવેમાંથી ડાઇવર્ટ કરવામાં આવ્યો છે, જેને કારણે ટ્રાફિક પોલીસ પાસેથી ખાડો ખોદવાની પરવાનગી મળી નથી. 
જોકે ભારે વરસાદમાં પણ સબવે બંધ ન કરવો પડે એ માટે બીએમસીએ આનો વૈકલ્પિક ઉપાય શોધી કાઢ્યો છે. બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘હંગામી ઉકેલ તરીકે સબવેમાં બે સબમર્સિબલ પમ્પ ઇન્સ્ટૉલ કરવામાં આવશે. આ પમ્પ કલાકના ૧,૦૦૦ ક્યુબિક મીટર પાણીનો નિકાલ કરશે. અંધેરી સબવેથી એસ. વી. રોડની પશ્ચિમ બાજુએ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.’ 
હેવી ડ્યુટી સબમર્સિબલ પમ્પ ઉપરાંત બીએમસીએ બે ફ્લડ-ગેટ્સ ઇન્સ્ટૉલ કરવાનો પણ નિર્ણય લીધો છે, જે પ્રતિ કલાક ૩,૦૦૦ ક્યુબિક મીટર પાણીનો નિકાલ કરશે. સુધરાઈ ૫.૭૭ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને ૧૫ જૂન પહેલાં પૂરો કરવા માગે છે. 

mumbai news andheri