યુદ્ધ લડવા જેવો અનુભવ ‍થયો લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો

10 May, 2022 09:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ પરિસ્થિતિ હતી ગઈ કાલે સવારે દહિસર-બોરીવલી વચ્ચે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાવાને લીધે પ્રવાસીઓની : ૩૦ સર્વિસ કરવી પડી હતી રદ

મલાડ સ્ટેશન પાસે પ્રવાસીઓ રેલવે-ટ્રૅક પર ચાલતા જોવા મળ્યા હતા.

ગઈ કાલે સવારે પોણાછ વાગ્યે દહિસર-બોરીવલી વચ્ચે ફાસ્ટ લાઇન પરનો ઓવરહેડ વાયર તૂટી જતાં લોકલ ટ્રેન-વ્યવહાર ખોરવાયો હતો, જેને લીધે વેસ્ટર્ન રેલવેમાં પીક-અવર્સમાં પ્રવાસ કરતા પૅસેન્જર્સની હાલત કફોડી થઈ હતી. એ ઉપરાંત લાંબા અંતરની અમુક ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. ટેક્નિકલ ખામીને લીધે થયલો ફૉલ્ટ દૂર કર્યા બાદ પણ ટ્રેનો પંદરેક મિનિટ મોડી દોડી હતી અને ૩૦થી વધુ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી.
બોરીવલી સ્ટેશન નજીક ઇલેક્ટ્રિક ઓવરહેડ વાયર તૂટતાં તમામ લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનો ઠપ થઈ ગઈ હતી. ફાસ્ટ લાઇનની ટ્રેનો સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારે ૬.૦૮ વાગ્યે એક ટાવર વૅગન ઓવરહેડ વાયર રિપેર કરવા આવ્યું હતું. એ પછી દહિસર-બોરીવલી વચ્ચે ઓવરહેડ વાયરમાં થયેલો ટેક્નિકલ ફૉલ્ટ સવારે ૭.૨૩ વાગ્યે ઉકેલાઈ ગયો હતો, પણ પીક-અવર્સમાં સવારે ઑફિસ જતા અને સવારના સમયે મુંબઈ આવતી લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓએ ભારે પરેશાની વેઠવી પડી હતી.
બાળકો અને સામાન સાથે પાટા પરથી લોકલ ટ્રેનમાં ચડ્યાં
અમે રેલવે-ટ્રૅક પર ચાલવા મજબૂર બન્યાં હતાં એમ કહેતાં ઇન્દોરથી અવંતિકા એક્સપ્રેસમાં બે બાળકો સાથે કાંદિવલી આવી રહેલાં દર્શના શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઇન્દોરથી રવિવારે સાંજે પાંચ વાગ્યે ટ્રેનમાં બેઠાં હતાં. સવારે સાડાપાંચ વાગ્યે એ ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશન પહોંચવાની હતી, પરંતુ સવારે પાંચ વાગ્યે ટ્રેન દહિસર આવતાં પહેલાં ટ્રૅક પર ઊભી રહી ગઈ હતી. અમારી મેલ ટ્રેનની આગળ એક લોકલ ટ્રેન અને પાછળ એક ટ્રેન અને એની પાછળ એક મેલ ઊભો હતો. સવારે સવાપાંચથી લઈને સાત વાગ્યે પણ અમારી ટ્રેન ત્યાં જ ઊભી હોવાથી બાળકો કંટાળી ગયાં હતાં. મારી પાસે મારાં બે નાનાં બાળકો, ૩ મોટી બૅગ અને ૪ નાની બૅગ હતી. બોરીવલી ઊતરવાનું હોવાથી દરવાજા પાસે જ મેં સામાન મૂકી રાખ્યો હતો. અમને લેવા માટે રાહ જોતી મારી મારી બહેન પણ સવારથી બોરીવલીમાં પ્લૅટફોર્મ પર બેઠી હતી. સાત વાગ્યા સુધી અમારી મેલ ટ્રેન શરૂ ન થઈ, પણ બાજુના ટ્રૅક પરની એક લોકલ ટ્રેન ધીરે-ધીરે આગળ ગઈ અને એની પાછળ બીજી લોકલ પણ ગઈ એથી મેં હિંમત કરીને સામેના ટ્રૅક પર રહેલી લોકલ ટ્રેનમાં ચડવાનો નિર્ણય લીધો. મોટા ભાગના પ્રવાસીઓ ચાલીને જ ટ્રૅક પરથી જઈ રહ્યા 
હતા. અન્ય પ્રવાસીઓની મદદથી બાળકો સાથે મારો સામાન મેં લોકલ ટ્રેનમાં ચડાવ્યો અને થોડા સમય બાદ એ ટ્રેન બોરીવલી પહોંચી હતી. અમે રિસ્ક લઈને ટ્રૅક પરથી લોકલ ટ્રેનમાં ચડવા મજબૂર બન્યાં હતાં.’
સફર લંબાઈ ગઈ
દુરૉન્તો એક્સપ્રેસમાં રાજકોટથી મુંબઈ સેન્ટ્રલ આવી રહેલા માટુંગાના રહેવાસી સુભાષ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું પરિવાર સાથે મોરબી ગયો હતો અને ટ્રેન પકડીને અમે માટુંગા આવી રહ્યા હતા. ટ્રેન સમયસર હતી, પરંતુ સવારે વિરાર આવ્યા બાદ ટ્રેન ધીમી પડી ગઈ હતી. ટ્રેન માંડ-માંડ ભાઈંદર સ્ટેશન પહોંચી હતી. એ પછી ભાઈંદર સ્ટેશનની આગળ સામેના ટ્રૅક પર લોકલ ટ્રેન અને બિકાનેર એક્સપ્રેસ ટ્રેન ઊભેલી જોવા મળી હતી. દહિસર પાસે ટ્રેન થોડા સમય ઊભી રહી ગઈ હતી. અમારી આસપાસની એક્સપ્રેસ ટ્રેન અને લોકલના પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરીને ટ્રૅક પર ચાલીને જઈ રહ્યા હતા. લોકોનાં ટોળેટોળાં ટ્રૅક પર ચાલતાં હતાં. મારી સાથે મારો પરિવાર હોવાથી ટ્રેનમાંથી સામાન સાથે ઊતરી શકાય એમ નહોતું એટલે અમે ટ્રેનમાં જ બેસી રહ્યા હતા. જોકે બોરીવલી બાદ એક્સપ્રેસ સ્પીડમાં દોડી હતી. એમ છતાં અમારી ટ્રેન દોઢેક કલાક મોડી પડી હતી.’
ગિરદીને લીધે ૬ ટ્રેન છોડવી પડી
મીરા રોડ રહેતાં અને ડ્યુટીએ દાદર જતાં રશ્મિ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ગઈ કાલનો પ્રવાસ મારે માટે યુદ્ધમાં જવા જેવું થયું હતું. મારી મલાડમાં રહેતી ફ્રેન્ડે મને સવારે ૯ વાગ્યે ફોન કર્યો કે ‘ટ્રેનના પ્રૉબ્લેમને લીધે મને ટ્રેનમાં ચડવા મળતું નથી.’ જોકે તે તો મલાડથી અંધેરી બસમાં ઑફિસ જતી રહી. હું ૧૦ વાગ્યા પછીની ટ્રેન પકડવા પ્લૅટફૉર્મ પર ગઈ ત્યારે જબરદસ્ત ગિરદી હતી. ચર્ચગેટ તરફ જતી ટ્રેનો ખીચોખીચ ભરાઈને જતી હતી. લટકીને જવાય એવી હાલત પણ નહોતી. અનેક ટ્રેનમાં ચડવાની કોશિશ કરી, પરંતુ અંતે ભીડને કારણે ૬ ટ્રેન છોડ્યા બાદ મને ટ્રેનમાં ચડવા મળ્યું હતું.’
રેલવે શું કહે છે?
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમીત ઠાકુરના કહેવા પ્રમાણે ‘ટેક્નિકલ ફૉલ્ટ સર્જાતાં ટ્રેન-સર્વિસને અસર થઈ હતી, પરંતુ અમે પ્રવાસીઓને ઓછી તકલીફ પડે એના પ્રયાસ કર્યા હતા. ફાસ્ટ લાઇન પ્રભાવિત થતાં સ્લો લાઇન પર ટ્રેનો દોડાવવામાં આવી હતી.’

mumbai news Mumbai preeti khuman-thakur