ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ધીમું પડશે

14 September, 2022 10:13 AM IST  |  Mumbai | Dipti Singh

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલો વરસાદ આજે અને આવતી કાલે પણ કાયમ રહેવાની આગાહી

મંગળવારે બાંદરા-ઈસ્ટમાં બીકેસી ખાતે ભારે વરસાદ પછી પાણી ભરેલા માર્ગો પર દોડી રહેલી રિક્ષા શાદાબ ખાન


મુંબઈ : ભારતીય હવામાન ખાતાએ મુંબઈ માટે હવે યલોમાંથી ‘ઑરેન્જ’ અલર્ટ જારી કરતાં હવામાનશાસ્ત્રીઓએ બુધવારે સાધારણથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે જ મુંબઈમાં ૧૬ સપ્ટેમ્બરથી વરસાદનું જોર ધીમું પડવાની આગાહી કરવામાં આવી છે.
અગાઉ ભારતીય હવામાન વિભાગે ૧૪ સપ્ટેમ્બર માટે મુંબઈ અને થાણે માટે યલો અલર્ટ અને પાલઘર અને રાયગડ માટે ઑરેન્જ અલર્ટ જારી કર્યું હતું, જ્યારે ૧૫ સપ્ટેમ્બરે ચારેય પ્રદેશો માટે ઑરેન્જ અલર્ટ આપવામાં આવ્યું હતું.
આ સીઝનમાં પહેલી જૂનથી દસ સપ્ટેમ્બર દરમ્યાન આઇએમડી કોલાબા અને સાન્તાક્રુઝ ઑબ્ઝર્વેટરીઝે અનુક્રમે ૧૮૬૨.૫ અને ૨૪૦૧.૨ મીમી વરસાદ નોંધ્યો છે.
‘આગામી થોડા દિવસો સુધી શહેર અને સબર્બ્સમાં સાધારણ વરસાદ પડશે, જ્યારે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે,’ એમ આઇએમડી અધિકારીએ જણાવ્યું હતું.
‘આ આખું અઠવાડિયું વરસાદ રહેશે. ગુરુવારે વરસાદનું જોર ચરમસીમાએ રહેશે. આ અઠવાડિયાનો કુલ વરસાદ ૧૮૦ મીમી કે એથી વધુ નોંધાઈ શકે છે,’ એમ જાણીતા વેધર બ્લોગ વેગેરીઝ ઑફ વેધરના રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું.

mumbai news mumbai rains