મુલુંડમાં ૧૩૦ બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર છતાં શરૂ નથી કરાયું

30 May, 2020 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડમાં ૧૩૦ બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર છતાં શરૂ નથી કરાયું

કોરોનાના વધતા જતા કેસનો સામનો કરવા માટે બીએમસી શહેરમાં ‘જમ્બો’ આઇસોલેશન સેન્ટર્સ ખોલવા જઈ રહી છે, પરંતુ મુલુંડનું તૈયાર આઇસોલેશન સેન્ટર ડૉક્ટર અને નર્સ સાથે અન્ય સ્ટાફના અભાવે બંધ છે. આવી સ્થિતિ વચ્ચે પાલિકાએ અન્ય ૧૦૦૦ બેડનું આઇસોલેશન સેન્ટરનું કામ રિચર્ડસન ઍન્ડ ક્રુડાસમાં શરૂ કર્યું છે. આથી સવાલ એ છે કે તૈયાર આઇસોલેશન સેન્ટરમાં ડૉક્ટરો નથી મળતા ત્યાં નવા સેન્ટરમાં કેવી રીવે લવાશે?

બીકેસી ગ્રાઉન્ડમાં નવું સેન્ટર ઊભું કરાશે. આ પ્રક્રિયામાં ૭૫૦૦ વધુ બેડ પાલિકા તૈયાર કરશે એમ પાલિકાએ એક અહેવાલમાં જણાવ્યું છે. આ નવી સુવિધાઓ માટે જે સ્થળો પર વિચારણા કરાઈ છે એમાં વરલીમાં આરે ડેરી, દહિસરનું ઑક્ટ્રૉય ચેકનાકા, મુલુંડમાં રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ, ગોરેગામમાં ન્યુ ઝીલૅન્ડ હૉસ્ટેલ. શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ સિડકો, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રિચર્ડસન અને ક્રુડાસ ખાતે સુવિધા નિર્માણ કરાશે.

આ બાબતે સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું હતું કે ૧૫ દિવસથી મુલુંડના ઑક્ટ્રૉય નાકા પાસે આઇસોલેશન સેન્ટર તૈયાર છે, પણ હાલમાં એ બંધ છે કારણ કે પાલિકા પાસે ડૉક્ટર અને અન્ય સ્ટાફની અછત છે. એ સાથે મુલુંડમાં વધુ એક સેન્ટર તૈયાર થઈ રહ્યું છે જે મુલુંડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને સારી સગવડ પ્રદાન કરશે. અહીં પાલિકા ડૉક્ટર સાથે અન્ય સ્ટાફ ઉપલબ્ધ કરાવ્યા બાદ સેન્ટર શરૂ કરે તો યોગ્ય રહેશે.

મુલુંડના ટી વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિશોર ગાંધીએ કહ્યું હતું કે ‘ડૉક્ટર સાથે અન્ય સ્ટાફની અછત છે. જો ડૉક્ટર અને અન્ય સ્ટાફ અમને મળે તો મુલુંડના મીઠાગરમાં સેન્ટર ચાલુ છે ત્યાં પણ હજી ૮૦ બેડની સુવિધા વધારી શકાય છે. એ સાથે જ મુલુંડ વેસ્ટમાં રિચર્ડસન ઍન્ડ ક્રુડાસમાં જે સેન્ટર શરૂ થઈ રહ્યું છે એ સિડકો તૈયાર કરી રહ્યું છે અને એ ૧૫ જૂન સુધીમાં તૈયાર થઈ જશે.

coronavirus covid19 mumbai mumbai news mulund